20 વર્ષ જુના છેડતી અને હુમલાનો કેસનો ચુકાદો
હુમલામાં ઈજા પામનાર વ્યક્તિને રૂ.3.20 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ
સામસામે ફરિયાદ થયેલી, બીજા કેસનો આજ બુધવારે ચુકાદો
વાંકાનેર: મોરબી એડિશનલ સેશન્સ કોર્ટે વાંકાનેરના એક છેડતી અને હુમલાના કેસમાં ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. જેમાં 7 આરોપીને 10 વર્ષની સજા ફટકારી છે. આ સાથે હુમલામાં ઇજાગ્રસ્ત થયેલ વ્યક્તિને રૂ.3.20 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.
વાંકાનેરના કોઠી ગામે વર્ષ 2004માં સતાભાઈ લાખાભાઈએ ભગા રાઘવ સરૈયા, નાજા ગાંડુ સરૈયા, કરશન નવઘણ સરૈયા, રૈયા જગમાલ સરૈયા, ભગુ નવઘણ સરૈયા, મૈયા નાગજી સરૈયા, નાગજી દેવા સરૈયા સામે છેડતી અને બાદમાં હઠાભાઈ ખેંગારભાઈ સહિતના ઉપર હુમલો કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. આ કેસ મોરબી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સંજય દવેની ધારદાર દલીલોને માન્ય રાખી કોર્ટે સાતેય આરોપીઓને દોષિત જાહેર કરી 10 સખ્ત કેદની સજા ફટકારી છે.
ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ- 357(3) અનુસાર, અપીલ પીરીયડ બાદ આ કામના ઈજા પામનાર હઠાભાઈ ખેંગારભાઈને રૂ.2 લાખ અને આરોપીઓ પાસેથી દંડની રકમ રૂ.1.20 લાખ મળી કુલ રૂા.3.20 લાખ વળતર પેટે આપવા જિલ્લા કાનુની સેવા સતા મંડળ, જિલ્લા ન્યાયાલય, મોરબીને હુકમ કરાયો છે. વધુમાં મળતી માહિતી મુજબ આ બનાવમાં સામસામે ફરિયાદ નોંધાયેલ હતી જે પૈકીનાં એક એકનો ગઈ કાલે ચુકાદો આવી ગયેલ છે અને બીજા કેસનો આજ તા. 26 ને બુધવારે ચુકાદો આવશે. તેવું સરકારી વકીલ પાસેથી જાણવા મળેલ છે