ઢુવા ખાતે બનેલો બનાવ
વાંકાનેર: રાણેકપર ગામ પાસે બાઈક સ્લીપ થતા ઘવાયેલા વાંકાનેરના ઢુવા ગામના 15 વર્ષના કિશોરનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવના પગલે મૃતકના પરિવારમાં શોક છવાયો હતો.
આ અંગે મળેલ માહિતી મુજબ, દીપકભાઈ રામજીભાઈ સાગઠીયા (ઉંમર વર્ષ 15) રહે જુના ઢુવા ગામ, તાલુકો વાંકાનેર તારીખ 27/8 ના રોજ રાત્રે 8:30 વાગ્યા આસપાસ પોતે કિશનભાઇના મોટરસાયકલમાં બેસીને જતો હતો.
ત્યારે રાણેકપર અને ઢુવા વચ્ચે કોઈ કારણસર મોટરસાયકલ સ્લીપ થઈ જતા માથા માં અને શરીરે ઇજા થતા પ્રથમ સારવાર રફાળીયા એપેક્સ હોસ્પિટલ બાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. 
ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઇ જતા ચાલુ સારવાર દરમિયાન ગઈ કાલે તા.30/8 ના રોજ સવારે દિપકનું મૃત્યુ નીપજ્યું હતું.
કુટુંબીજનોએ જણાવ્યું કે, દિપક 2 ભાઈ અને 1 બહેનમાં વચેટ હતો. તેના પિતા હયાત નથી. તે મિત્રો કિશનના બાઈક ઉપર રાણેકપર ગામે કિશનની વાડીએ ગયો હતો ત્યાંથી બંને પરત ઘરે આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કિશનને સામાન્ય ઇજા થઈ હતી. આ મામલે વાંકાનેર સિટી પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો…