દીકરીના સગપણ બાદ દીકરા પક્ષે આર્થિક વ્યવહાર ન કરતા બનેલો બનાવ
વાંકાનેરના હસનપર ગામે દીકરીના સગપણ બાદ દીકરા પક્ષે આર્થિક વ્યવહાર ન કરતા 20 શખ્સોએ હુમલો કર્યો હતો. દીકરાના માતા પિતા ઇજાગ્રસ્ત હીરાભાઈ સરિયા અને તેમના પત્ની કંકુબેનને ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સામાજિક આગેવાનો અને પરિવારના વડીલો વચ્ચે અગાઉ સમાધાન થયું હતું અને અમુક રકમ દીકરીના પિતાને આપવા નક્કી થયું હતું, જોકે તે રકમ ન ચૂકવી શકતા માથાકૂટ થઈ હતી. વાંકાનેર પોલીસે નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે…
આ અંગે મળતી માહિતી મુજબ, હીરાભાઈ લખમણભાઇ સરિયા (ઉંમર વર્ષ 50, રહે. ધમલપર ચોકડી, દેવુબેનની વાડીએ હસનપર ગામ તાલુકો વાંકાનેર) અને તેમના પત્ની કંકુબેન (ઉં. વ.50) ને ગઈ કાલે મોડી રાત્રે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્ત હાલતમાં ખસેડવામાં આવ્યા હતા. હીરાભાઈના દીકરા મનોજે આક્ષેપ કરતાં જણાવ્યું કે, તેનું સગપણ રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ પાછળ ખાડામાં રહેતા ભુપત કરણા બાંભવાની દીકરી કિંજલ સાથે નક્કી થયું હતું…
સગપણ નક્કી કરતી વખતે જ્ઞાતિના રીત રિવાજ મુજબ અમુક રકમ દીકરીના પિતાને આપવાનું નક્કી થયું હતું. તે રકમ ન આપી શકતા ગઈ કાલે રાત્રે તે પોતે તેના પિતા હીરાભાઈ કંકુબેન અને પરિવારના તમામ સભ્યો હાજર હતા ત્યારે 20 જેટલા અજાણ્યા લોકોએ કુહાડી પાઇપ ધોકા વડે હુમલો કર્યો હતો આ અંગે વાંકાનેર સિટી પોલીસમાં જાણ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે…