જેમની દુકાનોમાં કમિશનની રકમ ૨૦,૦૦૦થી ઓછી થતી હોય તેવી દુકાનોને ઘટતી રકમ આપવાનો નિર્ણય
ગાંધીનગર: રાજ્ય સરકારે આંદોલન કરી રહેલા સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનના દુકાનદારોને લઘુતમ 20 હજાર રૂપિયાનું કમિશન કરવાનો નિર્ણય લેતા દુકાનદારોની હડતાલ સમેટાઇ જવા પામી છે. આ નિર્ણયના કારણે સરકારને 35.53 કરોડનો વધુ આર્થિક બોજો આવશે. રેશનિંગની દુકાનો છેલ્લા કેટલાક દિવસથી બંધ રહેતા તહેવારોમાં જ કાર્ડધારકોને પુરવઠો ન મળે તેવી ભીતિ ઉભી થઇ હતી. જેમાં સરકારે નમતું જોખતા કાર્ડધારકોને રાહત થવા પામી છે.
રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારોએ પુરવઠા તંત્ર તરફથી અનાજ વિતરણ માટે મળતા અપૂરતા કમિશન અને અનાજમાં પડતી ઘટનું નિરાકરણ લાવવા હડતાલ પાડી હતી. તેના કારણે વિતરણની કામગીરી ખોરવાઇ જવા પામી હતી. શનિવારે સરકાર અને રેશનિંગના દુકાનદારોના એસોસિએશન વચ્ચે મંત્રણા થઇ હતી. તે અંગે વિગતો આપતા નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા અને રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં વ્યાજબી ભાવની દુકાનો પૈકી જે દુકાનદાર કાયમી હોય, એનએફએસએ રેશનકાર્ડની સંખ્યા ૩૦૦થી ઓછી હોય અને તેની પાસે અન્ય કોઈ નિયમિત દુકાનનો ચાર્જ ન હોય તેવી દુકાનો પૈકી જેમની દુકાનોમાં કમિશનની રકમ ૨૦,૦૦૦થી ઓછી થતી હોય તેવી દુકાનોને પોષણક્ષમ આવક મળી રહે તે માટે ઘટતી રકમ આપવાનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા લેવાયો છે.
દુકાનદારો દ્વારા નાગરિકોના હિતમાં આગામી તહેવારોને ધ્યાને રાખીને શનિવારથી કામગીરી શરૂ કરી દેવાઇ હતી અને રવિવારે પણ દુકાનદારો અનાજ વિતરણની કામગીરી ચાલુ રાખશે. દુકાનદારોને મહિને નિયમિત રીતે 20 હજાર રૂપિયાની આવક થઇ શકે તે માટે જેમને ઓછી રકમ મળે છે તે ઘટ પૂરતી રકમનો વાર્ષિક ખર્ચ 35.53 કરોડ રૂપિયાનો વધારાનો બોજો સરકાર ઉપર પડશે તેમ પણ જણાવ્યું હતું.
દુકાનદારોના એસોસિશનના હોદ્દેદારોએ પણ આંદોલન સમેટાઇ ગયું હોવાનું કહ્યું હતું. અનાજની ઘટ બાબતે જે મુદ્દાની રજૂઆત કરાઇ હતી તેમાં સરકારે આગામી બેઠકમાં ઉકેલ લવાશે તેવી ખાતરી આપી હતી. તે સાથે વારંવાર પુરવઠા વિભાગના સર્વરમાં ખામીઓ સર્જાય છે તે પ્રશ્નની રજૂઆત કરાતા મંત્રી બાવળિયાએ અધિકારીઓને તેનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે સૂચના અપાઇ હતી.જોકે, દુકાનદારોના કહેવા મુજબ શનિવારે પણ સર્વરની સમસ્યા યથાવત રહી હતી.