ખેડૂતો માટે પણ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે
અમદાવાદ :
ગુજરાત સહિત હાલ ઉત્તરપશ્ચિમ ભારતમાં ભારે ઠંડી પડી રહી છે ત્યારે હજુ ઠંડીથી રાહત મળવાની કોઈ સંભાવના નથી, ત્યારે હવે ખેડૂતો માટે પણ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ શિયાળુ પાક તૈયાર થઈ ગયો છે અને કાપણીમાં થોડો જ સમય બચ્યો છે ત્યારે માવઠાની ખબરે ખેડૂતોની ચિંતા વધારી છે. હવામાન વિભાગે કમોસમી વરસાદ સાથે સાથે કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરી છે.
ગુજરાતની વાત કરીએ તો, ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં પણ માવઠું જોવા મળશે તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલે રાજ્યમાં 23થી 29 જાન્યુઆરી દરમિયાન માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. જો રાજ્યમાં કમોસમી વરસાદ થશે, તો જીરૂ સહિતના શિયાળુ પાકને મોટુ નુકસાન થઇ શકે છે. ચોમાસાના છેલ્લા ભાગમાં ભારે વરસાદને કારણે રાજ્યમાં ખેડૂતોને મોટું નુકસાન ભોગવવુ પડ્યુ હતુ ત્યારે હવે જો આ કમોસમી વરસાદ પડે તો આ વખતે પણ ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતી સર્જાઇ શકે છે.