મૂળ વાંકાનેરના દીવાનપરાના રહેવાસી અને હાલમાં મુંબઇ રહેતા રજનીકાન્ત સંઘવીની ફરિયાદ
વડીલો પાર્જીત મિલ્કતમાં દીવાનપરામાં આવેલ “શાન્તીસદન” તેમજ વાંકાનેર તાલુકાના અલગ અલગ રેવન્યુ સર્વે નંબર ખેતીની જમીનનો સમાવેશ
મરણના ખોટા દાખલાઓ,ખોટી વારસાઇ નોંધ, ખોટા વારસાઇ પેઢી આંબા અને ખોટા સોગંદનામા કરી જમીન વેચી હોવાની વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહિત કુલ મળીને પાંચ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા
મૂળ વાંકાનેરના રહેવાસી અને હાલમાં મુંબઈમાં રહેતા વૃદ્ધ અને તેના પત્ની હયાત હોવા છતાં પણ તેના અમદાવાદ કોર્પોરેશનમાંથી મરણના દાખલા મેળવીને ખેતીની ૩૦ એકર કરતાં વધુની જમીન હડપ કરવા માટેનું કાવતરું કરવામાં આવ્યું હતું અને તેની વૃદ્ધને સમયસર જાણ થઈ જતાં તેઓએ સરકારી કચેરીઓમાંથી જરૂરી આધાર પુરાવા મેળવીને હાલમાં અંદાજે ૨૫ કરોડની કિંમતી જમીનનું કૌભાંડ આધારનાર બે મહિલા સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ વાંકાનેરના દીવાનપરાના રહેવાસી અને હાલમાં મુંબઇ (ઇસ્ટ) અરોરા સીનેમાની પાછળ કાઁગ સર્કલ માટુંગા એમ-ઘોટીકર માર્ગ ૩૧/૯ હેમકુંજ ખાતે રહેતા રજનીકાન્ત શાન્તીલાલ સંઘવી (૯૨)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત પાંચ શખ્સોની સામે ખોટા મરણના દાખલા અને ખોટા દાસ્તાવેજો ઊભા કરીને તેની માલીકીની જમીનનું કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે; જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની વડીલો પાર્જીત મિલ્કતમાં મકાન “શાન્તીસદન” દીવાનપરામાં આવેલ છે. તેમજ ખેતીની જમીન વાંકાનેર તાલુકાના રેવન્યુ સર્વે નંબર (૧) રે.સ.નં ૧૦/૨ પૈકી ૨, રે.સ.નં.૧૨ પૈકી ૧ તથા (૩) રે.સ.નં. ૧૨ પૈકી ૨ તથા (૪) રે.સ.નં ૧૮ પૈકી ૧, (૫) રે.સ.નં ૧૮ પૈકી ૨, (૬) રે.સ.નં. ૧૯, (૭) રે.સ.નં. ૨૦, (૮) રે.સ.નં. ૨૫/ ૧ પૈકી ૪, (૯) રે.સ.નં ૨૫/૧ પૈકી ૬ ની ખેતીની જમીન આવેલ છે.

દરમ્યાન થોડા સમય પહેલા વૃદ્ધ લગ્ન પ્રસંગમાં અહિયાં આવ્યા હતા, ત્યારે તેના ધ્યાને આવેલું હતું કે, તેની જમીનના રેવન્યુ રેકર્ડમાં ખોટી રીતે નોંધ કરાવી રેવન્યુ રેકર્ડમાં ખોટા વ્યવહારો કરવામા આવેલ છે. કેટલાક લોકો દ્રારા જમીન પોતાના નામે કરાવી લેવા માટે કાવતરૂ કરવામા આવ્યું છે, જેથી વાંકાનેર સબ રજીસ્ટારની કચેરીમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓના સર્વે નંબરવાળી જમીનનો તા.૧૩/૦૯/૨૦૨૨ ના દસ્તાવેજ થઇ ગયેલ છે, જેથી કરીને દસ્તાવેજની નકલ મેળવતા જમીન વેચનાર તરીકે મોનાબેન રજનીકાન્ત મહેતા (રાજેશભાઇ મહેતા) રહે. બાબુની ચાલી કાલુપુર અમદાવાદ તથા કુસુમબેન રજનીકાન્ત મહેતા (રમેશકુમાર દતાણી) રહે, ઉર્દુ સ્કુલ સામે કામદાર મેદાન પાસે, ગોમતીપુર અમદાવાદવાળાના નામ હતા અને ખરીદનાર તરીકે સુચીતભાઇ રમેશભાઇ જોષી રહે. બજરંગવાડી, પવન પાર્ક રાજકોટવાળાનું નામ દર્શાવામાં આવ્યું છે અને તેને ૧૭/૦૯/૨૦૨૨ ના રોજ રૂપીયા ૩,૧૩,૩૮,૦૦૦ નો દસ્તાવેજ કરી આપેલ છે, જેમા સાક્ષી તરીકે રમેશભાઈ ડાયાભાઇ વડોદરીયા રહે. ગીતાનગર જકાતનાકા ગોંડલ રોડ અને જયંતિભાઇ ધીરૂભાઇ સાકરીયા રહે. રાધાપાર્ક-૨ માધાપર ચોકડી જામનગર રોડ રાજકોટ વાળાના નામ લખેલા છે.

ત્યાર બાદ વાંકાનેર મામલતદાર કચેરી ખાતેથી વૃદ્ધે ખેતીની જમીનના માલીકીના ૭/૧૨ તથા ૮ અ ના રેવન્યુ રેકર્ડ મંગાવતા જાણવા મળ્યું હતું કે, તેઓની માલીકીની જમીનમાં માલીક તરીકે મોનાબેન રજનીકાન્ત મહેતા (રાજેશભાઇ મહેતા) તથા કુસુમબેન રજનીકાન્ત મહેતા (રમેશકુમાર દતાણી) નાઓ નોંધ નંબર-૫૫૪૦ થી નોંધ દાખલ કરવામાં આવેલ છે, જેથી અમોએ ગામ નમુના નંબર ૬ (હક્ક પત્ર) ની માહીતી મેળવતા તેમા વારસાઇની નોંધ નંબર ૫૫૪૦ તા. ૨૨/૦૫/૨૦૨૨ થી નોંધ દાખલ કરવામાં આવેલ છે કે “વાંકાનેર તાલુકાના મોજે વાંકાનેર ગામના ખેડુત ખાતેદાર શ્રીમાન રજનીકાન્ત શાન્તીલાલના ખાતા નંબર ૧૩૨૫૩૨ થી માર્જનમા જણાવેલ જમીન તેઓના ખાતે ચાલે છે; જે પૈકીની રજનીકાન્ત શાન્તીલાલ ખાતા નંબર ૧૩૨ નું અવશાન તા.૩/૫/૨૦૦૫ ના રોજ થતાં સીધી લીટીના વારસદારો તરીકે મોનાબેન રજનીકાન્ત મહેતા અને કુસુમબેન રજનીકાન્ત મહેતાના નામ આધારે અન્યના નામ તેની જમીનમાં ચડાવવામાં આવ્યા છે. જો કે, મોનાબેન રજનીકાન્ત મહેતા અને કુસુમબેન રજનીકાન્ત મહેતાને તેઓ ઓળખતા નથી અને જમીનના માલિક વૃદ્ધ હયાત હોવા છતાં પણ તેના મરણનો દાખલો લઈને ખોટી વારસાઇની નોંધ કરાવીને રેવન્યુ રેકર્ડમાં ચેડા કરવામાં આવ્યા છે.

અત્રે ઉલેખનીય છે કે, ફરિયાદી વૃદ્ધ અને તેના પત્ની હયાત હોવા છતાં પણ તે બન્નેના મરણના પ્રમાણપત્ર અમદાવાદ મ્યુનીશીપલ કોર્પોરેશનના ખોટા રજુ કરવામા આવેલ છે અને વૃદ્ધના પત્નીનુ સાચું નામ કુસુમબેન છે; છતાં અન્ય કોઇ કામીનીબેન રજનીકાન્તના મરણનો દાખલો રજૂ કરવામાં આવ્યો છે અને તલાટી રૂબરૂના જવાબમાં તા.૧૮/૫/૨૦૨૨ અમદાવાદના તલાટી બી.બી. રાઠોડે પેઢી આંબામા પણ ખોટી હકીકત જણાઇ આવેલ છે. તેમજ તલાટી મંત્રી રૂબરૂના પંચરોજ કામમા પણ ખોટી વિગત આપીને પંચરોજ કામ કરવામા આવ્યું છે, જેમાં નોટરી તરંગ આર. દવે રૂબરૂનુ રૂપીયા ૩૦૦ ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામુ કરવામા આવ્યું છે અને નોટરી રૂબરૂનુ વારસાઇ અંગેનુ સોગંદનામુ કરવામા આવેલ છે. જેમાં પણ ફરિયાદી અને વારસદારોની હકીકત ખોટી આપવામાં આવી છે. આમ બે મહિલા સહિત કુલ મળીને પાંચ શખ્સો દ્વારા વૃદ્ધની માલિકીનું કરોડો રૂપિયાની જમીન હડપ કરવા માટે કૌભાંડ કરવામાં આવ્યું હતું. જેની સમયસર વૃદ્ધને જાણ થઈ ગયેલ હોવાથી તેને હાલમાં સુચીતભાઇ રમેશભાઇ જોષી, મોનાબેન રજનીકાન્ત મહેતા, કુસુમબેન રજનીકાન્ત મહેતા, રમેશભાઇ ડાયાભાઇ વડોદરીયા અને જયંતિભાઈ ધીરૂભાઇ સાકરીયા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવી છે. જેમાં જણાવ્યુ છે કે, મરણના ખોટા દાખલાઓ બનાવી તેઓની વડીલો પાર્જીત ખેતીની જમીન પોતાના નામે કરીને ખોટી વારસાઇ નોંધ, ખોટા વારસાઇ પેઢી આંબા અને ખોટા સોગંદનામા કરી જમીન ફરિયાદીની જાણ બહાર સુચીતભાઇ રમેશભાઇ જોષીને વેચી છે, જેથી વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.
