વાંકાનેર ઉતરાયણ કરવા પરિવાર સાથે આવ્યા હતા
સાથે 9 માસની માસીયાઈ બહેનનું પણ મોત
કાગદડીના પાટીયે બે કાર ધડાકાભેર અથડાઈ હતી
વાંકાનેર: મોરબી રોડ કાગદડીના પાટીયે બે કાર ધડાકાભેર અથડાઈ હતી. જેમાં 9 માસ અને 3 વર્ષના માસીયાઈ ભાઈ- બહેનના મોત નીપજ્યા હતા. વાછકપર બેડીના અનિલભાઈ મદરેસાણીયા પોતાના સાઢુભાઈ અજયભાઈ બાબરીયાના ઘરે વાંકાનેર ઉતરાયણ કરવા પરિવાર સાથે આવ્યા હતા, પરત આવતા મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો.
અલ્ટોઝ કાર રોડ ક્રોસ કરતી હતી ત્યારે રાજકોટથી મોરબી તરફ જતી સ્કોર્પિયો કાર બેફામ સ્પીડમાં ભટકાતા બંને કારનો બુકડો બોલી ગયો હતો. મૃતક મોક્ષ બાબરીયા (ઉં.વ.3) ના પિતા અજયભાઇ ખેતી કામ કરે છે, જ્યારે શ્રેયા મદરેસાણીયા (ઉં.9 માસ) ના પિતા અનિલભાઈ ટ્રાન્સપોર્ટના ધંધાર્થી છે. માસુમના મોતથી બંને પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
મળેલ માહિતી મુજબ, 11.30 વાગ્યાં આસપાસ રાજકોટની ભાગોળે મોરબી હાઇવે રોડ ઉપર કાગદડી ગામના પાટીયા પાસે જીજે 36 એએલ 9928 નંબરની અલ્ટોઝ કાર અને જીજે 04 એફએ 7771 નંબરની સ્કોર્પિયો કાર વચ્ચે અકસ્માત સર્જાતા, અલ્ટોઝ કારમાં બેઠેલ મોક્ષ અજયભાઇ બાબરીયા (ઉંમર વર્ષ 3, રહે. વાંકાનેર) અને શ્રેયા અનિલભાઈ મદરેસાણીયા (ઉંમર 9 માસ, રહે. વાછકપર બેડી)ને ગંભીર ઈજા થઈ હતી.
તેમને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા બંનેને ડોક્ટરે મૃત જાહેર કર્યાં હતા. કુવાડવા રોડ પોલીસે બંનેના મૃતદેહોને પીએમ માટે ખસેડી સ્કોર્પિયો કાર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ કરી હતી. પરિવારજનોની પૂછપરછમાં અનિલભાઈ જગદીશભાઈ મદરેસાણીયાએ જણાવ્યું કે, હું વાછકપર બેડી ગામે રહું છું.
ટ્રાન્સપોર્ટનો ધંધો કરું છું. ગઈકાલે મકરસંક્રાંતિનો તહેવાર હોવાથી હું, મારી પત્ની હર્ષાબેન, પુત્રી, પુત્ર, બે સાળી એમ બધા વાંકાનેર મારાં સાઢુ ભાઇ અજયભાઈ સુરેશભાઈ બાબરીયાના ઘરે ઉતરાયણ તહેવાર મનાવવા ગયા હતા. બાદમાં રાત્રે અજયભાઈ બાબરીયા તેમના પુત્ર મોક્ષ સાથે અમારી અલ્ટોઝ કારમાં વાછકપર બેડી આવતા હતા. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. મૃતક મોક્ષના પિતા અજયભાઈ ખેતી કામ કરે છે.
તેના માતાનું નામ જ્યોતિબેન છે. મોક્ષ તેના માતા પિતાનું એકનું એક સંતાન હતો. જ્યારે મૃતક શ્રેયા એક ભાઈ અને એક બહેનમાં નાની હતી. બંને બાળકોના અકસ્માતમાં મોત થતા બંને પરિવારમાં ભારે કલ્પાંત છવાયો હતો. મૃતક બાળકી શ્રેયાના પિતા અનિલભાઈ જગદીશભાઈ મદરેસાણીયાએ જણાવ્યું કે, અકસ્માતમાં મૃતક મોક્ષના પિતા અજયભાઈ સુરેશભાઈ બાબરીયા (ઉંમર વર્ષ 32) અને તેમના નાના સાળી ધર્મિષ્ઠાબેન રમેશભાઈ વાઢૂકિયા (ઉંમર વર્ષ 16) ને ઈજા થઈ છે. બંનેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
