પોલીસ શું કરી રહી છે ?
વાંકાનેર: પંચાસિયા ગામે સિમ વિસ્તારમાં હાલ ચોરીના વધતા બનાવોથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને અદેપર પુલ નજીકના વિસ્તારમાં ખેડૂતોના સિંચાઈ માટેના દેડકા (મોટર પંપ), વાયર અને ફિટિંગ ચોરાઈ જતાં ખેડૂતોને આર્થિક ફટકો પડયો છે, નવા દેડકા લેવા મજબુર થયા છે.
તાજેતરમાં, 30 જુલાઈ 2025 ની રાતે પાંચ જેટલા ખેડૂતોના પાણી ખેંચવાના સાધનો દેડકાની ચોરી થતાં ખેડૂતોએ ગામના સરપંચ દિનેશભાઈ ચારોલા અને ઉપસરપંચ ઇરફાનભાઈ ચૌધરી, હુસેન સીપાઈને જાણ કરી હતી. આ આગેવાનોએ ખેડૂતોની હાજરીમાં વાંકાનેર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીઓના જણાવ્યા પ્રમાણે આ અગાઉ પણ આવા ચોરીના બનાવો બન્યા હોવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી, જેથી ચોરોની હિંમત વધી છે. આ અગાઉ 17/04/2025 ના રોજ પણ ચોરી થઈ હતી.

ચોરીથી નુકશાન પામેલા ખેડૂતો અને નુકશાનની અંદાજિત રકમ:
(1) બાદી રસુલભાઈ સાજીભાઈ – ₹20,000 (2) માથકીય હુસેન અહમદ – ₹25,000 (3) ફેફર ગાજેન્દ્ર રાઘવજીભાઈ – ₹20,000 (4) માથકીય યુનુસ અહમદ – ₹26,000 (5) શેરસીયા ગુલામરસુલ મહમદ – ₹22,000
ખેડૂતોના જણાવ્યા અનુસાર 29 જુલાઈના રોજ વરસાદ ન પડતા પાક બચાવવા માટે મોટર અને કેબલની નવી ફિટિંગ કરવામાં આવી હતી, પરંતુ 30 જુલાઈના સવારે સિંચાઈ શરૂ કરવા જતાં તમામ સાધનો ગાયબ જોવા મળ્યા હતા. ખેડૂતોએ હજી પાણી ખેતવાનું ચાલુ નહોતું કર્યું અને જ્યારે બીજા દિવસે ચાલુ કરવા ગયા તો બધા સાધનો ચોરાઈ ગયા હતા.
ખેડૂતોનું કહેવું છે કે મહામહેનત અને ખર્ચે ખરીદેલ સાધનો ચોરી થવાથી તેમને ફરીથી નવી ખરીદી કરવી ભારે પડી રહી છે. આવા સમયે સરકારે અને પોલીસ તંત્રે ચોક્કસ પગલા ભરી ચોરી રોકે તેવી માંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે 
આ વિસ્તારમાં પંચાસીયા રાણેકપર વાંકીયા રાતિદેવડીમાં નદી પર ખેડૂતો દેડકા મૂકીને પાણી ખેંચે છે અહીંયા થી વારંવાર દેડકાઓની ચોરી થઈ રહી છે તેમની ફરિયાદ કરવામાં આવે છે પણ આજ સુધી આવી ફરિયાદોનું કોઈ પરિણામ મળ્યું નથી ત્યારે પ્રશ્ન એ થાય છે કે પોલીસ કરી રહી છે શું ?
