ગણેશ મહોત્સવમાં યોજાયેલ મોદક સ્પર્ધા
પ્રથમ ક્રમે વરડુસરના, બીજા ગુંદાખડાના અને ત્રીજા ક્રમે ખાનપર ગામના
વાંકાનેર: અહીં ગણેશ ઉત્સવ સમિતિ આયોજીત ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સંચાલીત ‘માર્કેટ ચોક કા રાજા’ના પંડાલ ખાતે શહેર તથા તાલુકાની જનતા માટે લાડુ આરોગવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.





આ સ્પર્ધામાં 27 લોકોએ ભાગ લીધેલ હતો. સ્પર્ધાના પ્રારંભે તમામ સ્પર્ધકોને 10-10 લાડુ તથા દાળ પીરસવામાં આવેલ હતા. આ સાથે તમામ સ્પર્ધકોને ‘અડધી કલાકનો સમય ફાળવવામાં આવેલ હતો. આ સાથે ગણપતી બાપા મોરીયાના જયનાદ સાથે રાત્રે 8-45 કલાકે સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવેલ જે સમય મર્યાદા પુરી થતા તાલુકાના વરડુસર ગામની વતની રાજાભાઈ ટપુભાઈ નંદાસણીયા (ઉ.વ.80)એ 17 (સતર) લાડવા ખાઈ પ્રથમ ક્રમ મેળવેલ હતો.








જયારે બીજા ક્રમે ગોરધનભાઈ શામજીભાઈ સાવર (ઉ.વ.45) ગામ ગુંદાખડાનાએ 16॥ લાડુ આરોગવામાં આવેલ હતા. તથા ત્રીજા ક્રમે ખાનપર ગામના વતની કરશનભાઈ પોલાભાઈ ડાભીએ 16 (સોળ) લાડુ ખાઈ ત્રીજા સ્થાને રહ્યા હતા. આ તમામ વિજેતાઓને ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રથમ ક્રમાંકને રૂા.11,000 દ્વિતીય ક્રમને રૂા.8,000 તથા ત્રીજા ક્રમાંકે આવનારને રૂા.5000ના રોકડ પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધકોને નિહાળવા મોટી સંખ્યામાં જનતા ઉમટી પડી હતી.






આ સ્પર્ધામાં પાલીકા ઉપપ્રમુખ હર્ષિતભાઈ સોમાણી, ચીફ ઓફીસર ગીરીશભાઈ સરૈયા, પાલીકા પૂર્વ પ્રમુખ રમેશભાઈ વોરા, તા.પંચાયત પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અશ્વિનભાઈ મેઘાણી, કાઉન્સીલર રાજભાઈ સોમાણી, હકાભાઈ ધરજીયા, ચેતનગીરી ગોસ્વામી, ડાયાલાલ સરૈયા, જીતેશભાઈ રાજવીર, અમીત સેજપાલ, સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ હરીફાઈ દરમ્યાન કોઈની તબીયત લથડે તો વાંકાનેરના મેડીકલ ઓફીસર ડો. એ.જે. મસાકપુત્રાને સ્ટેન્ડ બાય સ્પર્ધા સ્થળે હાજર રહી સેવા આપી હતી…
