પગમાં સળિયા હોવાનું બહાનું કાઢેલું
પ્રૌઢના પગ પર પગ રાખી રિક્ષામાં ધક્કામૂક્કી કરવા લાગ્યો હતો
વાંકાનેર: અહીંનું દંપતી રાજકોટ દીકરાના ઘરે આવ્યા બાદ પરત વાંકાનેર આવતું હતું ત્યારે રાજકોટ મોરબી રોડ જકાતનાકા પાસેથી તેમને રિક્ષામાં બેસાડી રસ્તામાં ધક્કામૂકી કરી ઉતારી દીધા હતા. દરમિયાન વૃદ્ધના ખિસ્સામાંથી આ ટોળકીએ રૂપિયા 84 હજારની રોકડ સેરવી લીધી હતી. જે અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં નવાપરા વિસ્તારમાં રહેતા હરેશભાઈ મનુભાઈ પરમાર (ઉ.વ. 52) દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં ચાર અજાણ્યા શખસોના નામ આપ્યા છે. હરેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે દરજી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.ગઈ તા. 8/11/2025 ના હરેશભાઇ તથા તેમના પત્ની પ્રફુલાબેન બંને નાની દીકરીના આગામી દિવસોમાં લગ્ન હોય તેથી કંકોત્રી આપવા માટે અમદાવાદ ગયા હતા. ત્યાંથી રાજકોટ મોટા દીકરા વિશાલના ઘરે રાત્રીના રોકાયા હતા. તા. 9/11/2025 ના સવારના નવ વાગ્યા આસપાસ પતિ-પત્ની વાંકાનેર આવવા માટે નીકળ્યા હતા.
આ સમયે હરેશભાઈએ પુત્ર વિશાલ પાસેથી રૂપિયા 84 હજાર લીધા હતા. જે પેન્ટના ખિસ્સામાં થેલીમાં રાખ્યા હતા. પતિ-પત્ની ચાલીને મોરબી જકાતનાકાથી બેડી તરફના રોડ પર જતા હતા ત્યારે એક રીક્ષા અહીં આવી તેમની પાસે ઉભી રહી હતી અને રીક્ષાચાલકે પૂછ્યું હતું કે, તમારે ગ્રીનલેન્ડ ચોકડીએ જવું છે. જેથી ફરિયાદી હા કહી હતી. રીક્ષામાં અગાઉથી ત્રણ અજાણ્યા મુસાફર બેઠા હતા જેમાંથી એક શખસ આગળ બેસી ગયો હતો. જ્યારે પાછળની સીટમાં આ પતિ-પત્ની અને અન્ય બે મુસાફર બેઠા હતા.
રીક્ષા થોડે દૂર પહોંચ્યા બાદ બાજુમાં બેઠેલા મુસાફરે પ્રૌઢના પગ પર પગ રાખી ધક્કામૂક્કી કરવા લાગ્યો હતો અને કહેતો હતો કે, મારે પગમાં સળિયા છે એટલે દુ:ખાવો થાય છે. થોડીવાર બાદ ગ્રીનલેન્ડ ચોકડી તરફ રેતીના ઢગલા પાસે રીક્ષા ચાલકે રીક્ષા ઉભી રાખી કહ્યું હતું કે, આ ભાઈને પગમાં સળિયા છે દવાખાને જવું છે તમે ઉતરી જાવ તેમ કહી ઉતારી દીધા હતા.
બાદમાં હરેશભાઈએ ખિસ્સામાં ચેક કરતા ખિસ્સામાં રાખેલા રૂપિયા 84 હજાર રોકડ જોવા મળી ન હતી. હજુ તે કંઈ સમજે તે પૂર્વ રીક્ષાચાલકે પુરપાટ ઝડપે રીક્ષા ચલાવી મૂકી હતી. જેથી આ અંગે તેમણે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
