વાંકાનેરની ૩૦ શાળાઓનો સમાવેશ: ૧૦.૨૭ કરોડ જેટલી ફી શાળાઓને ચૂકવી અંદાજિત ૨.૭૦ કરોડ રૂપિયા ગણવેશ તથા અન્ય સહાય રૂપે વિદ્યાર્થીઓને ચૂકવ્યા
વાંકાનેર: શિક્ષણને વધુ પ્રાધાન્ય આપી રાજ્ય સરકાર દ્વારા વર્તમાન બજેટમાં રૂ.૪૩,૬૫૧ કરોડની સૌથી વધુ ફાળવણી કરવામાં આવી છે. ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોમાં શિક્ષણની જ્યોત પ્રજવલિત રહે તે માટે રાજ્ય સરકાર આરટીઇ યોજના હેઠળ ગરીબ વિદ્યાર્થીઓને સરકારી ખર્ચે ખાનગી શાળામાં ભણવાની શ્રેષ્ઠ તક આપી રહી છે. આરટીઇ એક્ટ અંતર્ગત ગુજરાત રાજ્યની તમામ ખાનગી શાળામાં કુલ બેઠકોની ૨૫% બેઠકો અનામત રાખી પ્રવેશ આપવામાં આવે છે. જેમાં વાલીએ પ્રાઇવેટ સ્કુલની ફી ભરવાની રહેતી નથી. બાળકોની ફી નો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે છે, તદઉપરાંત બાળકને દર વર્ષે સ્કૂલબેગ, યુનિફોર્મ, બુટ, પુસ્તકોની સહાયરૂપે બાળકના બેંક ખાતામાં રૂ. 3,000 આપવામાં આવે છે.




આરટીઇ પ્રવેશ પ્રક્રિયાના નોડલ અધિકારીશ્રી અશોકભાઈ વડાલીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૨-૨૩ ના વર્ષમાં મોરબી જિલ્લામાં ૮,૯૪૧ બાળકોને લાભ મળ્યો છે. જે અન્વયે રાજ્ય સરકારે આ બાળકોની શૈક્ષણિક ફી પેટે મોરબી જિલ્લાની ૧૬૫ શાળાઓને રૂ.૨,૬૮,૨૩,૦૦૦ ચુકવ્યા છે. આ શાળાઓમાં મોરબી તાલુકાની ૯૨, વાંકાનેરની ૩૦, હળવદની ૨૨, ટંકારાની ૨૦ તેમજ માળીયાની ૦૧ શાળાનો સમાવેશ થાય છે .આર.ટી.ઈ. યોજના હેઠળ વિદ્યાર્થીઓની ફી ઉપરાંત સ્કૂલબેગ, યુનિફોર્મ બુટ વગેરેની સહાય પણ ચૂકવવામાં આવે છે. ચાલુ વર્ષે મોરબી જિલ્લાના ૮,૯૪૧ બાળકોને આ સહાય અન્વયે રૂ. ૨,૬૮,૨૩,૦૦૦ ચૂકવાયા છે.
મોરબી જિલ્લાના ઇન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવીણભાઈ અંબારિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગની વિવિધ યોજના દ્વારા બાળકોના શૈક્ષણિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. આર્થિક રીતે નબળા વર્ગના બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે ખાનગી સ્કૂલોમાં અન્ય બાળકો સાથે ગુણવત્તા સભર શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. આરટીઆઇની જોગવાઈ અનુસાર બાળકોમાં પ્રવેશ માટેની શૈક્ષણિક જવાબદારી શિક્ષણ વિભાગ દ્વારા ઉઠાવવામાં આવી રહી છે.