કલરકામ કરનારની રિવર્સ કાર નીચે આવી ગઈ
વાંકાનેર તાલુકાના ઢુવા પાસે સીરામીક ફેક્ટરીમાં રિવર્સ આવતી કાર હેઠળ બાળકી કચડાઈ હતી. જેનું સારવારમાં મોત નીપજ્યું હતું. ઘટનાથી શ્રમિક પરિવારમાં શોક છવાયો હતો.
મળેલ માહિતી મુજબ, ક્યૂટન સીરામીક, ઢુવામાં રહેતી આયુષી જીતેશભાઈ ઉર્ફે સુપરસિંઘ (ઉંમર 14 મહિના) ગઈ તા.20/12/2025 ના સાંજે 5 વાગ્યાની આસપાસ પોતે કંપનીમાં કમ્પાઉન્ડમાં રમતી હતી ત્યારે કાર ચાલક મનીષે પોતાની ફોરવીલ રિવર્સમાં લેતા આયુષીને કારની ઠોકર લાગતા ઈજા થઈ હતી. બાળકીને પહેલા વાંકાનેરની અથર્વ હોસ્પિટલ બાદ બેભાન હાલતમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાઈ હતી. જ્યાં તેની સારવાર ચાલુ હતી, તે દરમ્યાન ગઈ કાલે મોડી રાત્રે 3:00 વાગ્યા આસપાસ આયુષીએ દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો. પરિવારે જણાવ્યું કે, આયુષી 3 ભાઈ અને 1 બહેનમાં નાની હતી. તેનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો વતની છે.
કાર ચાલક મનિષ ફેક્ટરીમાં કલરકામ કરવા આવ્યો હતો. તેણે બેદરકારી પૂર્વક કાર રિવર્સમાં લેતા ત્યાં રહેલી બાળકીને જોયા વગર કાર તેના પર ચડાવી દીધી હતી. પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર ચાલક સામે કાર્યવાહી કરવા હાથ ધરી હતી…