વાંકાનેર: અહીં વૃંદાવન પાર્કમાં રહેતા એક શખ્સને પ્રસંગમા જમતી વખતે થયેલ બોલાચાલીનો ખાર રાખી આરોગ્યનગરના ધા૨ પર ગાળો આપવા લાગેલ, ગાળો આપવાની ના પાડતા ઘરે જઇ છરી લઇ આવીને છાતીના ભાગે એક ઘા મારી ગંભીર ઇજા પહોંચાડવાનો બનાવ બનેલ છે…
જાણવા મળ્યા મુજબ રાજકોટ રોડ વૃંદાવન પાર્કમાં રહેતા જયપાલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા જાતે દરબાર (ઉ.વ.૩૩) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે ગઇ કાલ તા.૧૮/૦૨/૨૦૨૫ ના રાત્રીના હું તથા મારા મિત્રો કિશન અશોકભાઈ ખીરૈયા તથા કરણ હસુભાઈ લોધા એમ ત્રણેય આરોગ્યનગરમા પ્રસંગમાં જમવા ગયેલ, ત્યારે કરણે મને દાળ લેવા જવાનુ કહેતા મે તેને કહેલ કે ‘હું દાળ લેવાવાળો લાગુ છું’ જેથી તે મારી સાથે બોલાચાલી કરવા લાગેલ બાદ મારો મિત્ર કિશન વચ્ચે પડતા અમે ત્રણેય ત્યાંથી જમીને નીકળી ગયેલ અને
બાદ રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામા હું મારા મિત્ર કિશનના ઘરે બેસવા માટે ગયેલ ત્યારે તે મને કહેવા લાગેલ કે ‘તારે હવા હોય તો આવ ધાર ઉપર’ જેથી મે પણ તેને આવવા માટે કહેલ, બાદ અમે બન્ને જણા ધાર ઉપર ગયેલ અને ત્યાં આ કરણ મને ગાળો દેવા લાગતા મે તેને ગાળો દેવાની ના પાડેલ, અને ત્યાંથી ગાળો દેતા દેતા જતો રહેલ, બાદ હું ત્યાંથી પરત કિશનના ઘર બાજુ આવતો હતો ત્યારે આશરે સવા અગીયારેક વાગ્યાના સમયે આરોગ્યનગરના નાલા પાસે પહોંચેલ, ત્યારે આ કરણ પોતાના હાથમા છરી લઇને આવેલ અને
મને આવીને છાતીના ભાગે એક ઘા મારી દીધેલ, જેથી મારા છાતીના ભાગેથી લોહી નીકળવા લાગેલ અને ચક્કર આવવા લાગતા હું નીચે પડી ગયેલ જેથી મારો મિત્ર કિશન ઝડપથી મારૂ મોટર સાયકલ લઇને આવેલ અને તેમા પાછળ બેસાડી વાંકાનેર સરકારી હોસ્પીટલ લાવેલ જયાં હાજર ડોકટર સાહેબે મને પ્રાથમીક સારવાર આપી લાગેલ હતુ ત્યાં ટાંકા લઇને વધુ સારવાર માટે રાજકોટ મારો ભાઇ યુવરાજસિંહ તથા મારો મિત્ર કિશન એમ્બ્યુલન્સમાં લાવેલ સારવાર ચાલુ છે. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…