મોરબી પાર્સલ લઇ પરત ફરતા સમયે વઘાસિયા ટોલનાકા નજીક બનેલો બનાવ
વાંકાનેર : છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. વાંકાનેરથી ઇકો કારમાં મોરબી આવી રહેલા યુવાનને હાર્ટ એટેક આવી જતા કાળનો ભેટો થઈ ગયો હતો.




મળેલી માહિતી મુજબ દિગ્વિજયનગરના ખાનગી શાળાના કોમ્પ્યુટર ઓપરેટર નરપતભાઈ કેશુભાઈ ઉભડિયા ઉ.30 નામના યુવાન ગઈકાલે વાંકાનેરથી ઇકો કારમાં બેસી મોરબી આવી રહ્યા હતા, ત્યારે વઘાસિયા ટોલનાકા નજીક નરપતભાઈને અચાનક હાર્ટ એટેક આવી જતા ઇકો કારના ચાલક રાહુલભાઈ અઘારા તાબડતોબ હોસ્પિટલ લઈ ગયા હતા.
જો કે, સારવાર પૂર્વે જ નરપતભાઈનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. મૃતક યુવાન મિત્ર સાથે ઇકોકાર લઈને મોરબી પાર્સલ લેવા આવ્યો હતો અને ત્યાંથી પરત ફરતા સમયે બનાવ બન્યો હતો.