માટેલના શખ્સના કારસ્તાન સામે ફરિયાદ
ફોટો-મેસેજ વાયરલ કર્યા ! આરોપીની ધરપકડ
“તારી પત્ની દવા પીવાનું કહે છે જો તે દવા પી જાય તો પછી મને કહેતો નહીં”
વાંકાનેર: તાલુકાના માટેલ ગામના એક શખ્સે બોગસ ઇનસ્ટાગ્રામમાં આઈડી બનાવીને તેમાં ફોટો અને મેસેજ અપલોડ કરવામાં આવ્યા હતા, યુવાનને વોટ્સએપમાંથી મેસેજ કરી હેરાન પરેશાન કરવામાં આવેલ હતો, જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇટી એક્ટ મુજબનો ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે…
જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુવાનની સગાઈ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતી સાથે કરવામાં આવી હતી. આ યુવાનની સગાઈ તોડાવવા માટે જે યુવતી સાથે સગાઈ થયેલ હતી તેના નામથી જ વાંકાનેર તાલુકાના માટેલ ગામના 
લાલજીભાઈ રેવાભાઇ ટોટા નામના શખ્સે બોગસ ઇનસ્ટાગ્રામ આઈડી બનાવ્યું હતું અને ત્યાર બાદ તે યુવતીના ફોટો અને મેસેજ તેમાં અપલોડ કરવામાં આવ્યા હતા, જે ફરિયાદી યુવાનના ધ્યાન ઉપર આવતા તેણે આ બાબતે જેની સાથે સગાઈ થઈ હતી તે યુવતી સાથે ખરાઈ કરી હતી ત્યારે તેણીએ ‘ઇનસ્ટાગ્રામમાં કોઈ આઈડી બનાવ્યું નથી’ તેવું કહ્યું હતું. ફરિયાદી યુવાનના વોઇટ્સએપમાં 
લાલજીભાઈ ટોટા નામના વ્યક્તિએ મેસેજ મોકલ્યો હતો કે, “તારી પત્ની દવા પીવાનું કહે છે જો તે દવા પી જાય તો પછી મને કહેતો નહીં” આમ યુવાનની સગાઈ તોડાવવા અને તેને હેરાન પરેશાન કરવા માટેનો પ્રયાસ કરનારા શખ્સની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધીને મોરબી તાલુકા પીઆઇ એસ.કે. ચારેલ અને તેણી ટીમે આરોપી લાલજીભાઈ રેવાભાઇ ટોટા (ઉ.21) રહે. માટેલ તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે…
