અકસ્માત પછી કાર આગળ નાળીમાં ભટકાઈ હતી
વાંકાનેરમાં યાર્ડ પાસે રાત્રે હોટલે જમીને નીકળ્યા બાદ થયેલ અકસ્માતની ફરિયાદ દાખલ થઇ છે, જેમાં રાજસ્થાનથી નોકરીએ આવેલા ડ્રાઇવર કામ શરૂ કરે તે પહેલા જ મોત મળ્યું હતું. મૃતક સિકંદર ખાન ડ્રાઈવીંગ કામ માટે અને ઈજાગ્રસ્ત નુરા ખાન ક્લીનર કામ માટે બાડમેરથી આવ્યા હતા…
આ અંગે વાંકાનેરના રહીશ ટ્રક ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા ઇસ્માઇલભાઈ વડાવીયાએ જણાવ્યા મુજબ, રાજસ્થાનના કેટલાક યુવાનો તેમની ગાડીઓ ચલાવે છે. એક રાજસ્થાની ડ્રાઇવરએ તેને અગાઉ વાત કરેલી કે, તેમના ગામ રાજસ્થાનના બાડમેર જિલ્લાના ચોતન દેશી ગામના બે યુવાનો નોકરીની તલાશમાં છે. જો એને વાંકાનેરમાં કામ મળી જતું હોય તે અહીં બોલાવી લઉં. ઈસ્માઈલભાઈએ ગરીબ ઘરના યુવાનને કામ મળી રહે તે માટે બોલાવી લેવા કહ્યું હતું. જેથી બપોર બાદ સિકંદરખાન અબ્બાસ ખાન (ઉં. વ. 35) અને નુરાખાન શકરૂખાન મોમીન (ઉં. વ. 25) બંને વાંકાનેર પહોંચ્યા હતા.
બંને પોતાના ગામના અહીં વાંકાનેરમાં કામ કરતા યુવાનોને મળ્યાં હતા. કામકાજની વાતચીત થઈ હતી. જે પછી બંને અન્ય યુવાનો સાથે વાંકાનેરની ભાગોળે ચંદ્રપુર ગામ નજીક માર્કેટિંગ યાર્ડ પાસે આવેલી હોટલે જમવા ગયા હતા. ત્યાંથી ચાલીને આવતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવેલી કારે બંનેને ઠોકરે લીધા હતા. બંને બીજાગ્રસ્તોને તત્કાલ વાકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી તેમને વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ ડ્રાઇવર રણછોડભાઈ અને શેઠ ઇસ્માઇલભાઈએ બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અહીં સારવાર દરમ્યાન સિકંદર ખાનનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે નૂરાખંડને સામાન્ય પછડાટ લાગી હોય ડોક્ટરે તેને દાખલ કરી સારવાર આપી હતી. અકસ્માત પછી કાર આગળ નાળીમાં ભટકાયાનું ફરિયાદમાં લખાવેલ છે..