કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રૂપિયાના વરસાદની લાલચે ઠીકરીયાળાનો શખ્સ છેતરાયો

રૂપિયાના વરસાદની લાલચે ઠીકરીયાળાનો શખ્સ છેતરાયો

વિધિના નામે રૂ. ૮,૫૦,૦૦૦ ગુમાવ્યા

રાજકોટ આજીડેમ પોલીસે મવડી ચોકડી પાસે મુળ વાંકાનેરના ઠીકરીયાળાના વતની મનવીર હમીરભાઇ ડાંગર (ઉ.વ.૨૯) નામના દૂધના વેપારી યુવાનની ફરિયાદ પરથી કોઠારીયા મેઇન રોડ ખોડીયાર હોટેલ સામે જે. કે. પાર્કમાં રહેતાં ધવલ મનોજભાઇ જોષી, જસદણ કનેસરાના મગન ઠાકોર અને હિમ્મતનગરના લાલસિંહ ઉદેસિંહ પરમાર તથા તપાસમાં ખુલે તેની સામે વિધીના નામે પૈસાનો વરસાદ કરી આપવાના બહાને કટકે કટકે રૂા. ૮તા લાખની ઠગાઇ કરવાનો ગુનો નોંધ્યો છે.
હાલ શ્રીનાથજી સોસાયટી-૧૦માં મુરલીધર ડેરી પાસે રહેતાં મનવીર ડાંગરે જણાવ્યું છે કે દોઢ વર્ષ પહેલા મારે ડેકોરેશનના ધંધામાં ખોટ જતાં ધંધો બંધ કર્યો હતો અને કોઇ કામ ધંધો નહતો. એ વખતે હું મિત્ર કરણ ઝાપડાની આટકોટ ચોકડીએ આવેલી વર્ણીરાજ હોટલે બેસવા જતો હતો. ત્યારે કનેસરાના મગન ઠાકોર સાથે ઓળખ થઇ હતી અને અમે મિત્રો બન્યા હતાં. મગન મુળ હિમતનગરનો વતની છે તે જસદણના કનેસરામાં ખેતી વાવવા રાખી હોઇ ત્યાં મજુરી કરતો હતો. મારે હોટલનો ધંધો કરવો હોઇ મગનને વાત કરતાં અને તેના શેઠ પાસેથી પાંચ લાખ ઉછીના કે વ્યાજે લઇ દેવા કહેતાં તેણે બે-ત્રણ દિવસમાં જવાબ આપશે તેમ કહ્યું હતું. બાદમાં મગને ફોન કરી કહેલું કે મારા શેઠ સાથે તો વાત નથી થઇ પરંતુ મારી પાસે એક બાપુ છે.
જેથી મેં કહેલુ કે મારે બાપુનું શું કામ છે? તો મગને કહ્યું-બાપુ રૂપિયાનો વરસાદ કરે છે, લાખના ડબલ કરી આપે છે. આથી મેં રાજકોટ રૂબરૂ ભેગા થવાનું કહેતાં મગન હુડકો ચડીએ આવ્યો હતો. અહિ તેણે મને ધવલ બાપુની વાત કરી હતી. જે વિધી કરીને ડબલ પૈસા કરી રૂપિયાનો વરસાદ કરી આપે છે તેમ કહ્યું હતું. મેં રૂબરૂ મળવાની વાત કરતાં મગને સાંજે ચાર વાગ્યે મળાવીશ તેમ કહેલું. બાદમાં મને કોઠારીયા રોડ જે. કે. પાર્ક પાસે રહેતાં ધવલ મનોજભાઈ જોષીના ઘરે મગન લઇ ગયો હતો. અહિ ધવલ જોષી ગાદી પર બેઠા હતાં, તે બાપુ હોવાની મગને ઓળખ આપી હતી. આ ધવલબાપુએ પછી કહેલુ કે- રૂપિયાનો વરસાદ તો હું કરાવી આપીશ, પરંતુ આ માટે તમારે બંધ રૂમમાં લક્ષ્મીજીનો ફોટો, પાણીનો લોટો અને ૧૪ અગરબત્તી કરવાની અને આઠ દિવસ રૂમ બંધ રાખવો પડે. તેમજ અલગ અલગ વિધી કરવાની થાય છે તે વિધી પુરી કરતાં જ રૂપિયાનો વરસાદ થવા માંડે છે.
આમ કહી ધવલબાપુએ હાલ રૂ. ૧૦ હજાર આપવા પડશે, વિધી મગન તમને સમજાવી દેશે. જેથી મેં ૧૨-૧૦-૨૪ના રોજ ગૂગલપેથી આ રકમ આપી દીધી હતી. પછી અમે ત્યાંથી નીકળ્યા ત્યારે મગનને મેં કહેલુ કે મને આમાં કંઇ સુઝતું નથી, આ વિધીનું કામ રહેવા દઇએ. તો મગને કહ્યું-મારા પર વિશ્વાસ રાખ, મેં અગાઉ બાપુ પાસે હાજર રહીને એક કામ કરાવ્યું છે. બાપુનો ફોન આવે એની રાહ જોવો. આ પછી ત્રણેક દિવસ પછી મગને ફોન કરી કહેલું કે-ધવલબાપુનો ફોન હતો, તમારુ કામ કરવાનું છે. વિધી માટે બારોબારની કોઇ જગ્યા શોધી રાખવો. જેથી મેં મારી પાસે કોઈ જગ્યા નથી તમે જ શોધો તેમ કહેતાં મગને જગ્યાનું સેટીંગ કરી ફોન કરશે તેમ કહ્યું હતું. બાદ સાંજે મગને ફોન કરી કહેલું કે કનેસરાની એક વાડીએ વિધી કરવાની જગ્યા મળી ગઇ છે. વિધીના સામાન માટે બાપુએ રૂા. ૫૦ હજાર મંગાવ્યા છે. જેથી મેં રોકડા આટકોટ પાસે મગનને આ રૂપિયા આપી દીધા હતાં. બાદ દસેક દિવસ સુધી મગનનો કે ધવલબાપુનો ફોન ન આવતાં મેં સામેથી મગનને વિધી બાબપે પુછતાં કહેલું કે બાપુ ફોન કરશે.
આ પછી બે દિવસ બાદ ધવલબાપુએ ફોન કરી કહેલુ કે-રૂા. ૧,૨૦,૦૦૦ હજુ વિધી માટે જોઇશે. વિધીમાં એક વસ્તુ ઘટે છે એ બહારગામથી લાવવી પડશે. મેં અગાઉ ૫૦ હજાર આપ્યાની વાત કરતાં બાપુએ આ રકમમાં વસ્તુ નહિ આવે તેમ કહેતાં મેં મારા બનેવી હિતેષભાઇ સોનારા પાસેથી ૧.૨૦ લાખ ઉછીના લઇ બવલબાપુને આપી દીધા હતાં. આ રકમ હુડકો ચોકડીએ ધવલબાપુનો કોઇ માણસ આવીને લઇ ગયો હતો.
તેના દસેક દિવસ બાદ બાપુએ વિધી માટે કનેસરા જવાનું છે, સાંજે પાંચ વાગ્યે કાર લઇને આવજો તેમ કહેતાં હું મારી સ્વીફટ લઇને નીકળ્યો હતો. મગન સ્કૂટી લઇ આવ્યો હતો. હું અને બાપુ મગનની પાછળ પાછળ કારમાં જતાં હતાં. બાદમાં મગન અમને કનેસરાના અશોકભાઈની વાડીએ લઇ ગયો હતો. અહિ ધવલબાપુએ મગનને રૂમની આગળ ૧૦૦ છાણાનો હવન પ્રગટાવવા કહેતાં મગને એમ કર્યુ હતું. તેમાં ધવલબાપુએ કોઇ કાળુ ડબલુ હોમી દીધુ હતું. પછી બાપુની સુચના મુજબ ૧૪ અગરબત્તી કરી હતી. ત્યારબાદ રૂમનો દરવાજો ખોલી હું, ધવલબાપુ અને મગન રૂમમાં ગયા હતાં.

રૂમમાં પાટલા ઉપર લક્ષ્મીજીનો ફોટો, પાણીનો લોટો અને આસોપાલવના પાંદડા વગેરે હતું. ધવલબાપુ ચુંદડી લઇને આવ્યા હતાં અને તેની ઉપર રૂમમાં પાટ નાખ્યો હતો. એ પછી બાપુ અને મગન બંને સામ-સામા દાણા જોતા હતાં. પછી બાપુએ અમને બંનેને બહાર જવા કહી એક તગારામાં છ છાણા લઇ આવવાનું કહ્યું હતું. જેથી મગને છ છાણાનો હવન કરીને આપ્યો હતો. પછી બાપુએ દરવાજો બંધ કરી દીધો હતો. દસેક મિનીટ પછી તે બહાર આવેલ અને નાઇટ ડ્રેસ કાઢી ધોતીયુ પહેરી અંદર જઇ પાંચ સાત મિનીટ પછી ફરી બાપુએ સાદ પાડતાં હું અંદર જતાં ત્યાં રૂમમાં ધૂમાડો હતો અને નીચે પચ્ચાસવાળી નોટો પડી હતી. પછી તેણે મગનને બોલાવી કહ્યું કે લાલ કપડુ પડયું છે તે મનવીરને આપો, હું પૈસા ફેંકુ તે મનવીર કપડામાં ભેગા કરી લે. એ પછી બાપુએ પચ્ચાસવાળી નોટો ફેંકતા મેં લાલ કપડામાં ભેગી કરી લીધી હતી. ગણતરી કરતાં રૂા. ૨3૦૦ હતા. આ નોટો બાપુએ મારી પાસે જોવા માંગી હતી.
પછી તેમાંથી બે ત્રણ નોટ મને પાછી આપી કહેલુ કે આ નોટોમાં લાલ કલરના નિશાન આવે છે, અઢાર દિવસ રૂમ બંધ રાખવાનું માતાજી કહે છે. આથી મગને કહેલુ કે કોઇ વાંધો નહિ, આપણે અઢાર દિવસ રૂમ બંધ રાખશું. આ પછી બાપુના કહેવાથી મગને રૂમને તાળુ મારી દીધુ હતું અને બાપુએ મને કહેલુ કે-તમને આ રૂપિયા આપ્યા તે લાલ કપડામાં જ રાખજો, તેમાંથી રૂા. ૫૦ની એક નોટ કાઢી છોકરાઓને ચોકલેટ ખવડાવજો, ગાયને લીલુ નાખજો અને બાકીના વધે તે ઘરે મંદિરમાં પ્રસાદી તરીકે રાખજો. આથી મેં કહેલું કે આપણે તો આજે જ કામ કરવાનું હતું, અઢાર દિવસની ક્યાં વાત થઇ હતી? તો બાપુએ કહેલુ કે-માતાજી કહે છે, આપણે તેનાથી મોટા નથી, માતાજી કહે તેમ કરવું પડે. જો કામ ન કરાવવું હોય તો હું તમને રૂપિયા પાછા આપી દઇશ. આ વખતે મગને કહ્યું કે મનવીર આટલા દિવસ રાહ જોઇ હવે અઢાર દિવસમાં શું વાંધો. આટલો ખર્ચો કર્યો ને વળી કામ બગડશે, આપણું કામ થાય જ છે વિશ્વાસ રાખો. જેથી મેં વિશ્વાસ રાખ્યો હતો. બાદ ચાર દિવસ પછી બાપુનો ફોન આવેલો કે રૂપિયામાં લાલ નિશાન આવેલ છે તે નિશાન કાઢવા માટે વસ્તુઓ ખરીદવા રૂા. ૫૧ હજારની જરૂર છે. જેથી મેં કહેલુ કે-બાપુ તમે રૂપિયા માંગ માંગ કરો છો પણ આપણું કામ તો થતું નથી. મારે હજી કેટલા રૂપિયા આપવાના?
આથી બાપુએ કહ્યું-લાલ નિશાન કાઢયા વગર કામ નહિ થાય, માતાજી ના પાડે છે. તમને ન પસંદ હોય તો મને વાંધો નથી. આથી મેં દુધના હિસાબમાંથી રૂા. ૫૧ હજાર ભેગા કરી બાપુને આપ્યા હતાં. પછી બીજા દિવસે બાપુએ ફરીથી કનેસરા વાડીએ હવન કરવા જવાનું છે તેમ કહેતાં મગનને લઇ હું કનેસરા પહોંચ્યો હતો. જ્યાં ધવલબાપુએ અમને બંનેને ૧૫ છાણાનો હવન અને સાત અગરબત્તી કરવા કહ્યું હતું. પછી બાપુએ આપેલુ ડબલુ હવનમાં નાખતા હવન થઇ ગયા બાદ અમે પરત રાજકોટ આવ્યા હતાં. અઢાર દિવસ પુરા થઇ ગયા બાદ મેં ધવલબાપુને ફોન કરી હવે શું કરવાનું છે? તેમ પુછતાં તેણે હવે કંઇ નહિ, કાલે હું તમને ફોન કરી વસ્તુ લખાવું તે ભેગી કરી રાખજો તેમ કહી બીજા દિવસે વસ્તુ લખાવી હતી. જેમાં લાલ કપડુ, નાળીયેર, અગરબત્તી, સોનાની વીંટી, ચાંદીની વીંટી, ૫૦૦ ગ્રામ ગાયનું ઘી, મગ, અડદ, ગુલાબનો ફુલહાર, કાળી સીગારેટનું પાકીટ, ૧૦૦ છાણા ભેગા કરવા યાદી લખાવી હતી.
આ બધુ લઇ હું બાપુના ઘરે ગયો હતો પણ તે હાજર નહોતાં. તેમના પરિવારના લોકો હોઇ તેણે મને આ વસ્તુ મંદિરમાં મુકી દેવા કહેતાં મેં વસ્તુ ત્યાં મુકી હતી. ત્યાં હાજર એક વ્યક્તિએ ૧૬ હજાર રોકડા પણ મુકવા કહેતાં મેં મુકી દીધા હતા. બાદ બાપુને ફોન કરતાં તેણે કહેલું કે હવે આપણો છેલ્લો હવન છે. બે મોટા થેલા અને રૂા. ૧,૫૧,૦૦૦ લઇને આવો. મેં આટલા રૂપિયા ક્યાંથી લાવું? કહેતાં તેણે ગમે તેમ કરો, વ્યાજે લઇ આવો આ છેલ્લો હવન છે બાકી કંઇ કરવાનું નથી અને રૂપિયા ભરવા થેલા લઇને આવી જ જાવ. જો હજુ પણ હવન ન કરવો હોય તો કાંઇ નહિ, આપણે જે મહેનત કરી એ પાણીમાં જશે, તમે મને અત્યાર સુધી જે રકમ આપી તે તમને હું બે ત્રણ મહિનામાં પાછી આપી દઇશ. પણ તમે એક હવન માટે થઇને શું કામ અટકો છો. હવે જે વસ્તુ લેવાની છે તે લેવા તમારે કચ્છ જવાનું છે અને તેના ૧,૫૧,૦૦૦ થશે. મેં કચ્છ વસ્તુ લેવા જવાની ના પાડતાં બાપુએ કહ્યું કે વસ્તુ ન આવે ત્યાં સુધી હવન ન થાય. બાદમાં મેં ફરી ડેરીના હિસાબના રૂપિયા હતાં તેમાંથી ૧,૫૧,૦૦૦ ભોગ કર્યા હતાં અને બાપુને હવનની વસ્તુ લેવા આપ્યા હતાં.
આ પછી બાપુએ ફોન કરી કહેલુ કે તમે કનેસરા વાડીએ જાવ અને સાત અગરબત્તી કરી રૂમનો દરવાજો ખોલી રૂપિયા લઇ મને ફોન કરો તેમ કહેતાં હું કનેસરા જતાં મગન ત્યાં હતો. સાત અગરબત્તી કરી મગન પાસેથી વિમલના ખાલી થેલા લીધા હતાં. મગને રૂમનો દરવાજો ખોલતાં અંદર પાટલા ઉપર લક્ષ્મીજીનો ફોટો, પાણીનો લોટો પડયા હતાં. પણ રૂપિયાનો કોઇ વરસાદ થયો નહોતો. જેથી મેં બાપુને ફોન કરતાં તેણે ફોન ઉપાડયો નહોતો. બે દિવસ સુધી ફોન ન ઉપાડતાં ધવલબાપુના ઘરે જતાં ત્યાં તે નહોતો, તેના પત્નિએ કહેલુ કે બાપુ બહારગામ ગયા છે. એ પછી પણ મેં વારંવાર ત્રણ ચાર વખત તેના ઘરે જઇ તપાસ કરી હતી. પરંતુ બાપુ મળ્યા નહોતાં. જેથી મગનને મેં કહેલું કે બાપુ મળતા નથી, તારા ભરોસે પૈસા દીધા છે. હવે હું ફરિયાદ કરીશ. જેથી મગને બે દિવસનો ટાઇમ માંગ્યો હતો. પછી મગને કહેલું કે હવે આ બાપુને પડતા મુકો, બીજા બાપુ આપણી પાસે છે, તે આપણને રૂપિયા બનાવી દેશે, તેમાં આપણે રોકાણ પણ કરવાનું નથી. માત્ર ૫૦૦૦ ટીકીટના આપવાના છે. જેથી મેં હા પાડતાં મગન ૫૦૦૦ લઇ હિંમતનગર ગયો હતો.
ત્યાંથી મગને મને ફોન કરી કહ્યું કે બાપુએ કામ થઇ જશે અને ત્રણ દિવસ લાગશે તેમ કહ્યું છે. જે વિધી થશે તેના પૈસા લાગશે પણ કામ થયા પછી તમારે પૈસા આપવાના છે. આમ કહી મગને બે દિવસ પછી વિડીયો કોલ કરી રૂમમાં રૂપિયાનો ઢગલો બતાવ્યો હતો અને તમારુ કામ થઇ ગયું છે, ૧૧ હજાર વિધીના મોકલાવો એટલે તમને ૫-૬ લાખ આંગડીયાથી મોકલી દઉં. તેમ કહેતાં મેં હિમતનગરના લાલસિંહ ઉદયસિંહ પરમારના નંબર પર ફોન પેથી રકમ મોકલી હતી.

બાદ તેણે કહેલું કે સાંજે પાંચની બસમાં મગન આવે છે તેની સાથે ૬ લાખ મોકલુ છું. મગન રાજકોટ પહોંચે એટલે ફોન કરજો, હું બીજા ૫૦ લાખ આંગડીયાથી મોકલીશ.આ પછી સાંજે લાલસિંહે ફરી ફોન કર્યો કે તમારે હજુ ૨,૫૧,૦૦૦ આપવા પડશે. તો મારાથી ઉપરવાળા બાપુ પૈસા છુટા કરશે, નહિ આપી તો રૂપિયા નહિ મળે. જેથી મેં મગનને ફોન કરતાં તેણે ઉપરવાળા બાપુને પૈસા આપવા પડશે તેમ કહેતાંમેં ના પાડી ફોન કાપી નાંખ્યો હતો. એ પછી મગને બે ત્રણ કોલ કર્યા પણ મેં ઉપાડયા નહોતાં. બીજા દિવસે ફરી મગને ૨.૫૧ લાખ માંગી કહેલુ કે આ રકમનું સેટીંગ નહિ કરો તો બાપુ ઉજ્જૈન જતાં રહેશે, પછી આપણું કામ નહિ થાય. જેથી મેં ઓનલાઇન કટકે કટકે ૨.૫૧ લાખ મોકલી દીધા હતાં. એ પછી લાલસિંહે કહેલુ કે મગન રાતે અગીયારે વાગ્યે ૬ લાખ લઇ રાજકોટ આવવા નીકળશે, તમે બસ સ્ટેશનેથી રકમ લઇ લેજો. પણ મેં સવારે ફોન કરતાં ફોન બંધ હતો. પંદરેક દિવસ સુધી ફોન ઉપાડયો હતો.
આ પછી ધવલ બાપુનો અચાનક મને ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે મગને પૈસા બનાવવાની બાતમી પોલીસને આપી દીધી હતી, જેથી મહિનો દિવસ મારે ફરાર રહેવું પડયું હતું. મેં તેને મારા પૈસાનું પુછતાં ધવલબાપુએ-વિધી અધુરી રહી ગઇ છે, તમે જગ્યા ગોતો એટલે પુરી કરી નાંખીએ, તમારે હવે પૈસા રોકવાના નથી. આ પછી ફરી બે દિવસ પછી ફોન કરી ધવલબાપુએ જગ્યાનું પુછતાં અમે ગુંદાળા મારા મિત્રની વાડી જવાનું નક્કી કર્યુ હતું. ત્યારે ધવલબાપુએ કહ્યું મારો માણસ હુડકો ચોકડીએ આવી જે વસ્તુ આપે તે વાડીના રૂમમાં મુકી દેજો, એકવીસ દિવસે રૂમ ખોલજો ત્યાં સુધી બંધ રાખજો, જેથી મેં તેમ કર્યુ હતું. એકવીસ દિવસ સુધી બાપુના કહેવા મુજબ અલગ અલગ ઓનલાઇનથી ૧,૮૫,૦૦૦ આપ્યા હતાં.
એકવીસ દિવસ બાદ ધવલબાપુએ ફરીથી કોથળા લઇનેકોઠારીયા ચોકડીએ આવી જવા કહેતાં હું ત્યાં ગયો હતો. તેનો માણસ આવ્યો હતો અને અમે બંને ગુંદાળા ગયા હતાં. જ્યાં રૂમ ખોલી બાપુના કહેવા મુજબ હવન કર્યો હતો. તેનો માણસ અંદરથી રૂા. ૧૩૦૦ લાવ્યો હતો. બાપુ સાથે ફોનમાં વાત કરાવતાં ધવલબાપુએ મને કહ્યું-અત્યારે બહાર આવતા રહો, માણસ મોકલ્યો છે તે ડરે છે. હું સવારે સાથે આવીશ અને રૂપિયા આપણે ભરી લઇશું. જેથી અમે ફરી રાજકોટ આવ્યા હતાં. જો કે એ પછી ધવલબાપુએ ફરી ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતું.
આ રીતે મગન, ધવલબાપુ, લાલસિંહે પૈસાના વરસાદની વિધીના નામે મારી પાસેથી રૂા. ૮,૫૦,૦૦૦ કાવત્રુ ઘડી પડાવી લીધા હોઇ અંતે મેં પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં મનવીરે કહેતાં પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એ. આર. રાઠોડ અને ટીમે તપાસ હાથ ધરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!