ચોરાઉ બાઈક સહીત કુલ 3. 3.14 લાખનો મુદામાલ કબજે: પોલીસ કાર્યવાહી
વાંકાનેર પાસેના સિંધાવદરના શખસને શહેરના ગોંડલ રોડ પર લોધેશ્રવર સોસાયટીના ખુણા પાસેથી માલવીયાનગર પોલીસે ઝડપી લીધો હતો આ શખસે શહેરમાં અલગ અલગ જગ્યાએથી આઠ બાઇક ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ શખસની અંગજડતી લેતા તેની પાસેથી પિસ્ટલ અને ચાર કાર્ટીસ મળી આવ્યા હતાં. જે તેણે શોખ માટે રાખ્યું હોય અને અમરેલીમાં રહેતા તેના મિત્રે આ હથિયાર સાચવવા માટે આપ્યું હોવાની કબુલાત આપી હતી. પોલીસે ચોરીના આઠ બાઇક અને હથિયાર સહિત કુલ 3. 3.14 લાખનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ એ.બી.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એમ.એસ.મહેશ્વવરી તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હરસુખભાઇ સબાડ અને કૃષ્ણદેવસિંહને મળેલી બાતમીના આધારે પોલીસે ગોંડલ રોડ પર મામલતદાર ઓફિસથી આગળ લોધેશ્વવર સોસાયટીના ખુણા પાસેથી એક શખસને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની તલાશી લેતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્ટલ અને ચાર કાર્ટીસ મળી આવ્યા હતાં.
જેથી પોલીસે તેની અટકાયત કરી હતી. આ શખસની પુછતાછ કરતા તેનું નામ રવીરાજ ગૌતમભાઇ કોર(ઉ.વ 27 રહે. હાલ સિંધાવદર (મૂળ ધોધા જકાતનાકા પાસે ભાવનગર) હોવાનું જણાવ્યું હતું. આ શખસ ડ્રાઇવીંગ કામ કરતો હોય અને છેલ્લા છ માસથી સિંધાવદરમાં રહેતો હોવાનું માલુમ પડયું છે. આ શખસ રીઢો વાહન ચોર હોય અને સિંધાવદરથી અહીં આવી બાઇકની ચોરી કરી જતો રહેતો હતો. પોલીસે આ શખસની કબુલાત પરથી આઠ ચોરાઉ બાઇક કબજે કર્યા હતાં. પોલીસે હથિયાર બાબતે પુછતા આ શખસે એવું રટણ કર્યું હતું કે, અમરેલીમાં રહેતા તેના મિત્ર ભેરૂએ તેને આઠ માસ પૂર્વે આ હથિયાર સાચવવા માટે આપ્યું હતું. હાલ પોલીસે આઠ બાઇક,હથિયાર અને કાર્ટીસ સહિત કુલ 3.3.14 લાખનો મુદામાલ કબજે કરી આરોપી સામે આમર્સ એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.