વાંકાનેર: આગામી ૧૭ જૂલાઇને બુધવારે પયગમ્બર સાહેબના નવાસા ઇમામ હુસેન (રદી.) ની શહીદીની યાદમાં ઉજવાતા પર્વ યૌમે આશુરા અંતર્ગત વાંકાનેર સીટી પોલીસ ગ્રાઉન્ડ ખાતે ગુરૂવારે સાંજે એક શાંતિ સમિતિની મીટીંગનું આયોજન શહેર પીઆઇ, એસ. વી. ઘેલીના અધ્યક્ષ સ્થાને કરાયું હતું. જેમાં તાઝીયાના પર્વ સમયે ટ્રાફિક અંગેની ચર્ચાઓ બાદ પોલીસ અને તાજીયા કમીટીઓ સાથે મળી ટ્રાફિક વ્યવસ્થા કરાશે. બાદમાં શહેરભરમાં ડીશ તથા ઇલેકટ્રીકના જે વાયરો અડચણરૂપ હોય તેને હટાવવાની ઉપરાંત
મેઇન બજારમાં જે પડદાઓ રખાયેલ છે, જે પણ ઝૂલૂસના રૂટમાં અડચણરૂપ હોઇ, તે દૂર કરવા અંગે પણ ચર્ચા-વિચારણા કરાઇ હતી. મિટીંગમાં હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓ પૈકી મહંમદભાઇ રાઠોડ, હિન્દુ સમાજના અગ્રણી મુન્નાભાઇ દિલીપ કલોથવાળા, રમેશભાઇ મકવાણા, વિનુભાઇ, રાજભા ઝાલા, ભુરાભાઇ હાલા, લલીતભાઇ ભીંડોરા સહિત, તાઝીયા-સબીલ કમીટીઓના અગ્રણીઓ સંચાલકો હાજર રહેલ હતાં. પત્રકારો પણ હાજર રહ્યા હતાં.
તા. ૧૬ ને મંગળવારે સાંજે તાઝીયાઓ પડમાં આવશે અને રાત્રે દસ વાગ્યે તમામ તાજીયાઓ માતમમાંથી ઝૂલૂસ સ્વરૂપે એકત્ર થઇ ફરશે. જેમાં સુન્ની હુસેની તાજીયા કમીટી, કસ્બા તાજીયા કમીટી સાથે વિવિધ વિસ્તારના તાજીયાઓ-દૂલ..દૂલ સહિત આ ઝૂલૂસ સિપાઇ શેરી, જવાસા રોડ, માર્કેટ ચોક, ચાવડી ચોક થઇ બજાર રોડથી ગ્રીનચોક પહોંચી તમામ તાજીયાઓ વહેલી સવારે પોત પોતાના માતમોમાં જશે.
બીજે દિવસે સવારે ૧૦ વાગ્યે ફરી તાજીયાઓનું ઝૂલૂસ પ્રસ્થાન કરશે. જેમાં દાણાપીઠ ચોકથી સિપાઇ શેરી, માર્કેટ ચોક, પ્રતાપ ચોક, રામચોકથી દરબારગઢ, ચાવડી ચોક, બજાર રોડથી ગ્રીન ચોક પહોંચશે. જયાં તાજીયાઓ ઠંડા કરવાની વિધિ થશે.
ગ્રીનચોક ખાતે કોમી એકતાના ભાગરૂપે શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરાશે. હાજર રહેલા અગ્રણીઓને પ્રસાદ બાંટવામાં આવશે.આ વેળા દસમી મોહર્રમના રોઝાનું મહત્વ રહેલું હોઇ, રોઝાદારોને રાઝા ખોલાવવા – ઇફતાર માટે વિશેષ વ્યવસ્થા ગ્રીન ચોક જુના પોલીસ સ્ટેશન પાછળ, ભારત ટ્રાન્સપોર્ટ પાસે, નગરપાલીકા દ્વારા નવા પાર્કીંગનું ગ્રાઉન્ડ બનાવાયેલ છે તે ગ્રાઉન્ડમાં રોઝાદારો માટે ઇફતાર કરાવાશે.
તા. ૧૬ અને ૧૭ જુલાઇએ વરસાદી માહોલની શક્યતા છે.