સાઢુ સાથે રાજકોટમાં કોર્ટ મુદતે ગયેલા
વાંકાનેર તાલુકાના પંચાસર ગામે રહેતા આધેડ સાત દિવસ પૂર્વે સાઢુભાઈ સાથે રાજકોટ કોર્ટ મુદ્તે આવ્યા હતાં ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકના ઓવરબ્રીજ ઉપર બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માત ઘવાયેલા આધેડનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વાંકાનેર તાલુકાના પંચાસર ગામે રહેતા રામજીભાઈ છોટુભાઈ કોટીયા (ઉ.વ.58) ગત તા.22ના રોજ પોતાના સાઢુભાઈ સાથે રાજકોટ કોર્ટ મુદતે આવ્યા હતાં અને બાઈક લઈને રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ચોક પર આવેલા ઓવરબ્રીજ પરથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો.
બાઈક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન આધેડનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક રામજીભાઈ કોટીયાને સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી છે. રામજીભાઈ કોટીયા પોતાના સાઢુભાઈ સાથે રાજકોટ કોર્ટ મુદતે આવ્યા હતાં. ત્યારે બાઈક સ્લીપ થતાં સર્જાયેલા અકસ્માતમાં ઘવાતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે રાજકોટ એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.