લાલપર ગામ પાસે ચંદ્રપુરના અને ગુલશન પાર્કના સગીરને અકસ્માત નડયો
વાંકાનેર: નેશનલ હાઈવે પર લાલપર ગામ પાસે હોટલ શાલીમાર સામે ગતરાત્રીના નવ વાગ્યાની આસપાસ એક ડબલ સવારી બુલેટ બાઈક ધડાકાભેર આખલા સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં વાંકાનેરના ચંદ્રપુર ગામના 15 વર્ષીય સગીરનું ગંભીર
ઇજાઓ થતાં મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવાનને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે…
મળેલ માહિતી મુજબ વાંકાનેર શહેર નજીક લાલપર ગામ પાસે હોટલ શાલીમાર સામે નેશનલ હાઇવે પર રવિવારે રાત્રિના નવ વાગ્યાની આસપાસ પસાર થતાં બે મિત્રોના ડબલ સવારી બુલેટ બાઈક ધડાકાભેર આખલા સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બુલેટ બાઇકનો કચ્ચરઘાણ વળી જતાં બાઇક સવાર 15 વર્ષીય હસન બસીરભાઈ ખલીફા (રહે. ચંદ્રપુર, તા. વાંકાનેર) ને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું,
જ્યારે આ અકસ્માતના બનાવમાં અન્ય ઇજાગ્રસ્ત અવેશ સિકંદરભાઈ સબા (ઉ.વ. 15, રહે. ગુલશન પાર્ક, ચંદ્રપુર, વાંકાનેર) ને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.