હાઈકોર્ટે આપ્યો વચ્ચગાળાનો સ્ટે
ટીડીઓ, ટીપીઇઓ અને એકાઉન્ટ સામે કાર્યવાહીના સંકેત
વાંકાનેર તાલુકામાં ફરજ બજાવતા ત્રણ સરકારી શિક્ષકોની સામે ડીપીઇઓ દ્વારા સરકારી નાણાની ઉચાપતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેની સામે આગોતરા જામીન માટે ત્રણેય શિક્ષક દ્વારા હાઇકોર્ટમાં વકીલ મારફતે આગોતરા જામીન અને સ્ટે માટે અરજી કરી હતી; જેમાં કરવામાં આવેલ દલીલને ધ્યાને રાખીને આગામી મુદત સુધી શિક્ષકોની ધરપકડ ન કરવા માટે હાઈકોર્ટે વચ્ચગાળાનો સ્ટે આપેલ છે.
શિક્ષકોના વકીલે એવી દલીલ કરી હતી કે જેના ખાતામાં રૂપિયા આવેલ છે, તેની સામે ઉચાપતની ફરિયાદ નોંધાયેલ છે. જો કે, ટીડીઓ, ટીપીઇઓ અને એકાઉન્ટટ તેના માટેની ઓથીરિટી છે; તેની સામે કોઈ કાર્યવાહી કરેલ નથી; જેથી કરીને તેની સામે હવે કાર્યવાહી કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે.
વાંકાનેર તાલુકાનાં શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ સહિતના બાબતોમાં કૌભાંડ કરવામાં આવ્યું છે. કૌભાંડની માટે ખાસ તપાસ સમિતિ બનાવવામાં આવી હતી, જે સમિતિના રિપોર્ટના આધારે ૫૩.૧૫ લાખ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતુ. જેથી કરીને સરકારી નાણાની ઉચાપત કરનારાઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે મોરબીના ડીડીઓ ડી.ડી. જાડેજાએ જે તે સમયે ડીપીઇઓને ફરિયાદ કરવા માટે અધિકૃત કર્યા હતા. ડીપીઇઓ પ્રવીણભાઈ આંબરીયા દ્વારા વાંકાનેર સુધી પોલીસ સ્ટેશન ખાતે સરકારી નાણાની ઉચાપત કરનારા ત્રણ શિક્ષકોની સામે તા ૩/૬/૨૦૨૩ ના રોજ ૫૩,૧૫,૪૫૧ ની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જેમાં અરવિંદભાઇ પરમાર રહે, નેસ્ટ હિલ રવાપર ઘુનડા રોડ મોરબી, અબ્દુલભાઈ શેરસીયા રહે, વાંકિયા (વાંકાનેર) અને હિમાંશુભાઈ પટેલ રહે, ભાટીયા સોસાયાટી (વાંકાનેર) સામે ગુનો નોંધાયો હતો અને પગાર બિલ, ચિત્ર વ્યાયામ બચત ગ્રાન્ટ, વિદ્યાલક્ષ્મી બોન્ડ, શિષ્યવૃત્તિ, સિલેક્શન ગ્રાન્ટ, પ્રવાસી શિક્ષકની ગ્રાન્ટ તેમજ બનાવટી બિલ બનાવીને આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું અધિકારી ફરિયાદમાં જણાવ્યુ છે, જોકે, પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી ન હતી અને ત્રણેય આરોપીઓ દ્વારા તેના વકીલ બી.ટી. રાવ મારફતે આગોતરા જમીન અને સ્ટે માટે હાઇકોર્ટમા અરજી કરવામાં આવી હતી.
જે ગઇકાલે હાઇકોર્ટમા ચાલી જતાં આરોપીના વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે ત્રણેય આરોપી સરકારી કર્મચારી છે, તો પણ તેને નોટિસ આપવામાં આવી નથી અને સીધી જ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમજ આ ત્રણેય શિક્ષકોના ખાતામાં રૂપિયા આવેલ છે, તેની સામે અંદાજે ૪૮ લાખ જેટલી રકમ ભરી આપેલ છે.
જો કે, આ બિલ પાસ કરવા માટેની જે ઓથોરીટી છે, તેમાં ટીડીઓ, ટીપીઇઓ અને એકાઉન્ટટ આવે છે. પરંતુ તેની સામે ફરિયાદ નોંધાવેલ નથી અને કોઈ કાર્યવાહી પણ કરવામાં આવેલ નથી; જેથી કરીને આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને રાખીને હાલમાં હાઈકોર્ટે આગમી મુદત તા ૧૭/૮/2003 સુધી ત્રણેય આરોપીની ધરપકડ સામે વચ્ચગાળાનો સ્ટે આપેલ છે. આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લેવામાં આવશે, તો આગામી સમયમાં આ કૌભાંડમાં બિલ પાસ કરવા માટેની જવાબદાર ઓથોરીટી એટલે કે, ટીડીઓ, ટીપીઇઓ અને એકાઉન્ટટ સામે કાર્યવાહી થાય તેવા સંકેત મળેલ છે.