ચંદ્રપુરના ટ્રાન્સપોર્ટરની ફરિયાદ
વાંકાનેર: સિરામિક હબ મોરબી જિલ્લામાં ટ્રાન્સપોર્ટનો ધમધમતો વ્યવસાય ચાલી રહ્યો છે ત્યારે છેલ્લા થોડા સમયથી ભેજાબાજ શખ્સ દ્વારા ટ્રાન્સપોર્ટરોને નિશાન બનાવી બારોબાર ભાડાના એડવાન્સ પૈસા ઓળવી જવાના ઉપરા-છાપરી કિસ્સાઓ બની રહ્યા હોય વાંકાનેરના જાગૃત ટ્રાન્સપોર્ટર સાથે આવી જ છેતરપિંડી આચરવામાં આવતા ચોંકાવનારા બનાવ અંગે વાંકાનેર શહેર પોલીસ અને એલસીબી પોલીસ સમક્ષ પગલાં ભરવા અરજી કરી છે…

જાણવા મળ્યા મુજબ ટ્રાન્સપોર્ટરો સાથે થતી અનોખી છેતરપિંડીના બનાવ અંગે વાંકાનેરના ચંદ્રપુર ગામે રહેતા ટ્રાન્સપોર્ટર મહમદઆરીફ દિનમામદભાઈ બ્લોચે વાંકાનેર સીટી પોલીસ મથકમાં તેમજ ઓનલાઈન પોલીસ ફરિયાદ કરતા જાહેર કર્યું હતું કે, તા. 11 જુલાઈના રોજ તેઓને જામ ખંભાળિયાના ભગવતી ટ્રાન્સપોર્ટના રાજુભાઈ ગોહિલ નામના વ્યક્તિનો ફોન તેમજ વોટ્સએપ મેસેજ આવ્યો હતો અને રાજકોટના શાપરથી આંધ્રપ્રદેશના વિજયવાડાનું ભાડું રૂપિયા 3800 પ્રતિ ટનના ભાવે નક્કી કરતા મહમદઆરીફે ટ્રક માલિક ચપરાજભાઈ જગુભાઈ ખાચરને 25 ટન માલ લોડ કરવા મોકલી આપ્યા હતા. બીજી તરફ ટ્રક લોડ થતા જ એડવાન્સ પેમેન્ટ આપવાનું થતું હોય ટ્રાન્સપોર્ટર મહમદઆરીફે રાજુભાઈ ગોહિલના કહેવાથી રૂપિયા 55000 

જયેશ રવજીભાઈ જાદવ નામના વ્યક્તિના એકાઉન્ટમાં બેન્ક મારફતે તેમજ ગૂગલ પે મારફતે ટ્રાન્સફર કર્યા હતા. ટ્રક માલિક ચાંપરાજભાઈ ખાચરે ટ્રાન્સપોર્ટર મહમદઆરીફને ફોન કરી એડવાન્સ આપવા કહેતા મહમદઆરીફ ચોકી ગયા હતા કારણ કે તેમને તો તા.11 જુલાઈના રોજ તુરત જ નાણાં એડવાન્સ બેન્ક અને ગૂગલ પેથી મોકલી આપ્યા હતા. દરમિયાન મહમદઆરીફે રાજુ ગોહિલ અને જયેશ રવજી જાદવને ફોન કરી તપાસ કરતા બન્નેના ફોન બંધ થઈ ગયા હોય ટ્રાન્સપોર્ટર સાથે ઠગાઈ થયાનું સામે આવતા બનાવ અંગે ઓનલાઈન ફરિયાદ કરી હાલમાં અરજી વાંકાનેર પોલીસ અને એલસીબીને કરવામાં આવી છે. મોરબીના ટ્રાન્સપોર્ટર આલમના જણાવ્યા મુજબ અગાઉ આ જ રીતે અનેક ટ્રાન્સપોર્ટર છેતરાયા છે જેમાં પ્રથમ વખત ફરિયાદ નોંધાઈ છે…
