પેટના ભાગે ગંભીર ઇજા થતા આઠમા મહિને બાળકનો જન્મ !
વાંકાનેર: તાલુકાના ઢુવામાં રાહદારી સગર્ભાને બાઇક ચાલકે ઠોકરે ચડાવી હતી. અકસ્માતમાં ઘવાયેલી સગર્ભાને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી, જ્યાં પરિણીતાએ આઠમા મહિને બાળકને જન્મ આપ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરના ઢુવા ગામે આવેલી કંપનીમાં કામ કરતી લક્ષ્મીબેન મંગીયાભાઈ બીરવા નામની 20 વર્ષની પરિણીતા ઢુવા નજીક ચાલીને જઈ રહી હતી ત્યારે અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે ચડાવતા લક્ષ્મીબેનને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે વાંકાનેર બાદ રાજકોટ જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં લક્ષ્મીબેનને આઠ માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું અને સારવાર દરમિયાન પુત્રને જન્મ આપ્યો હતો.
આ અંગે ડોક્ટરે પોલીસ ચોપડે એમએલસી નોંધ કરાવતા વાંકાનેર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં લક્ષ્મીબેન ચાલીને પોતાના રૂમ તરફ જઈ રહી હતી ત્યારે સાથે કામ કરતી મહિલાના પતિએ લક્ષ્મીબેનને ઠોકરે ચડાવતા લક્ષ્મીબેનના પેટના ભાગ ઇજા પહોંચતા સારવારમાં ખસેડાતા આઠમા માસે બાળકને જન્મ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો