વાંકાનેર તાલુકાના ઢુવા ચોકી વિસ્તારમાં આવેલ ઇટાલીનો ટાઈલ્સ એલ.એલ.પી., ગ્રીનસ્ટોન ગ્રેનાઇટો તથા સોલીજો વીટ્રીફાઇડ કંપનીઓમાં થયેલ કોપર વાયર તથા થર્મોકપલની ચોરી થયા અંગેની વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, ત્યારે આ સમગ્ર ચોરીનો ભેદ ઉકેલવા વાંકાનેર તાલુકા પોલીસ મથકની સર્વેલન્સ ટીમ કાર્યરત હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે આ સમગ્ર ચોરી કરનાર કુલ ત્રણ આરોપીઓ દિવ્યેશભાઇ રાયસીંગભાઇ ઝાલા રહે. ધામળેજ તા.સુત્રાપાડા જી.ગીરસોમનાથ, મંતવ્ય નાથાભાઇ મોરી રહે. કાજ તા.કોડીનાર જી. ગીરસોમનાથ તથા મિતકુમાર રાયસિંહભાઇ પરમાર રહે. કાજ તા.કોડીનાર જી. ગીરસોમનાથ વાળાએ ચોરી કરેલ ૬૦૦ કીલોગ્રામ કોપર વાયર તથા થર્મોકપલમાંથી નીકળતો પ્લેટીનીયમ તાર ૭૭.૫ ગ્રામ એમ મળી કુલ કીં.રૂ. ૯,૬૬,૨૫૦/- ના મુદ્દામાલ સાથે ત્રણેય આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા.
ચોરીનો માલ ખરીદનાર આરોપી મોરબીના વીસીપરા મદીના સોસાયટીમાં રહેતો ભંગારના ડેલાવાળો બિલાલ રફીકભાઈ કચ્છી (ઉ.વ.૨૮) એમ મળી કુલ ચાર આરોપીઓની અટક કરી કુલ ત્રણ ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
વધુમાં વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓ પાસેથી કોપર વાયર ૬૦૦ કીલોગ્રામ કી.રૂ.૫,૪૦,૦૦૦/-, થર્મોકપલમાંથી કાઢેલ પ્લેટીનીયમ તાર ૭૭.૫ ગ્રામ કી.રૂ.૪,૨૬,૨૫૦/-, એક એક્ટીવા કી.રૂ.૪૦,૦૦૦/-, ૪ નંગ મોબાઇલ ફોન કી.રૂ.૩૫,૦૦૦/- તથા રોકડા રૂપીયા- ૨,૫૦૦/- સહિત કુલ કી.રૂ.૧૦,૪૩,૭૫૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી દીવ્યેશભાઇ રાયસંગભાઇ ઝાલા માટેલ ચોકડી પાસે આવેલ લીવીઝોન કારખાનામાં ‘વાયરમેન’ તરીકે કામ કરતો હોય જે આજબાજુમાં આવતા કારખાનાની દીવસ દરમિયાન રેકી કરી તેના મિત્રો આરોપી મીતકુમાર રાયસિંહભાઇ પરમાર તથા આરોપી મંતવ્ય નાથાભાઇ મોરી સાથે રાતના સમયે કારખાને જઇને દીવ્યેશ તથા મંતવ્ય કારખાના અંદર જઇ ચોરી કરતા અને મીત કારખાનાની બહાર રહી ધ્યાન રાખતો અને ચોરી કરતા જ્યારે ચોરીનો મુદ્દામાલ કોપર વાયર મોરબીના ભંગારના ડેલાવાળા આરોપી બીલાલ રફીકભાઇ કચ્છીને વેચી આપતા હતા.