હવે જપ્તીની કાર્યવાહીના મંડાણની જરૂર છે
વાંકાનેર: શહેરની અને ગ્રામ્ય પ્રજા વાંકાનેરમાં ટ્રાફિક સમસ્યાથી વર્ષોથી બલ્કે દાયકાઓથી પીડાય છે. લોક દરબારની ભાગ્યેજ એવી મિટિંગ હશે, જેમાં આ સમસ્યાની રજૂઆત ન થઇ હોય. એક તો શહેરની બજારો જ સાંકડી છે અને વાહનોની સંખ્યા વધી ગઈ છે. મેઈન બજારમાં ફોર વ્હીલર પછી બાઇકને પસાર થવું પણ દોહ્યલું થઇ પડે છે. અને એમાંય દુકાનદારોના પાટિયા, રેંકડી અને પાથરણાં વાળાનો ત્રાસ ! લોકોને અડચણરૂપ ન થઈને કોઈ કમાતું હોય તો કોઈને વાંધો નથી, લોકો અસહિષ્ણુ નથી, પણ નગટા થઈને બજારો દબાવી ઉભા થઈને લોકોને અડચણરૂપ બનવા સામે સૌને વાંધો છે. વળાંકમાં કે શેરીના પ્રવેશ દ્વાર પર ઉભતા પાથરણાવાળા કે રેંકડીવાળાઓ પર ખાસ ધોંસ બોલાવવાની જરૂર છે.
ભૂતકાળમાં પણ દબાણો હટાવવાની કાર્યવાહી ઘણીવાર થઇ છે, ત્યારે કાં તો કોઈ રાજકારણી લોકોની સમસ્યાની દરકાર કર્યા વગર વિરોધમાં કૂદી પડેલા છે, અથવા ‘અમે ગરીબ પેટ ભરવા ક્યાં જઈએ’ની દલીલ સામે વહીવટી તંત્ર ઝૂકી ગયેલું છે કે પછી ‘ગોળ-ખોળ’ની નીતિ અપનાવેલી છે. દબાણ હટાવ ઝુંબેશના બે દિવસ પછી સ્થિતિ જૈસી થી વૈસી બની જતીની પરંપરા રહી છે, ત્યારે વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસરની આ દબાણ ઝુંબેશમાં એ પરંપરા તૂટે, તે ઇચ્છનીય છે. આ ઝુંબેશથી લોકોના મન પ્રફુલ્લિત છે.
આ ઝુંબેશ પછી પણ અમુક જગ્યાએ ફરી પાથરણા અને રેંકડીનો અડિંગો ખૂંચે છે. જ્યાં સુધી (રાજકોટની જેમ) વેચવા માટેની વસ્તુઓ સાથે રેંકડી- પાથરણા જપ્ત નહીં થાય ત્યાં સુધી આ લોકોની માનસિકતા બદલાશે નહીં, એવું ભૂતકાળનો અનુભવ બોલે છે. એક સારી વાત એ છે કે ઝુંબેશની અસર ચોક્કસ દેખાય છે, પણ હવે જપ્તીની કાર્યવાહીના મંડાણની જરૂર છે.
અગાઉ વાંકાનેર શહેરમાં પાર્કિંગના બોર્ડ હતા, એકી-બેકી, વન-વે અને નો પાર્કિંગ ઝોનના પણ બોર્ડ હતા, ફરી એ સજીવન કરવાની અને કડક અમલની જરૂર છે. ચીફ ઓફિસરની પાર્કિંગ પોઇન્ટ બનાવવાની અને ઝુંબેશ કડક કરવાની જાહેરાતથી લોકો ખુશ છે- ગો હેડ !