જોધપર, વઘાસિયા, વરડુસર અને લિંબાળા શાળાના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું
વાંકાનેર: તા.૧૩/૦૯/૨૦૨૪ ના રોજ બી.આર.સી. ભવન વાંકાનેર ખાતે જી.સી.ઈ.આર.ટી. દ્વારા પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી માર્ગદર્શિત કલા ઉત્સવ યોજાયો હતો. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જે.જી. વોરાસાહેબ અને બી.આર.સી.કૉ.ઑ. મયૂરરાજસિંહ પરમારસાહેબ દ્વારા તાલુકા કક્ષાના કલા ઉત્સવનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વાંકાનેર તાલુકાના જુદાં જુદાં ક્લસ્ટરમાંથી ચિત્ર સ્પર્ધા, બાળકવિ સ્પર્ધા, સંગીત વાદન સ્પર્ધા અને સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાના કલા ઉત્સવમાં ભાગ લીધો હતો…
જોધપર પ્રા. શાળાની વિદ્યાર્થિની ખોરજીયા મહેનૂરનો ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર આવ્યો હતો. વઘાસિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઝાલા ધારાબાનો બાળકવિ સ્પર્ધામાં પ્રથમ નંબર આવ્યો હતો. વરડુસર પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની સારલા કિરણનો સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ નંબર આવ્યો હતો. લિંબાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી સીતાપરા અશ્વિન સંગીત વાદન સ્પર્ધામાં પ્રથમ નંબર આવ્યો હતો. તાલુકા કક્ષાએ ચિત્ર સ્પર્ધા, બાળકવિ સ્પર્ધા, સંગીત વાદન સ્પર્ધા અને સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અનુક્રમે ૫૦૦, ૩૦૦ અને ૨૦૦ રૂપિયા અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતાં. તાલુકા કક્ષાએ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા…