હજી ત્રણ માસ પહેલા જ લગ્ન થયેલ છે
બહેનના ઘરે આંટો મારવા ગયેલ જે સારૂ ન લાગ્યું
ગળામાં નખોરીયા ભર્યા: હોઠ- માથામાં ઢીકાપાટુ માર્યા
વાંકાનેર: નવાપરા શેરી નંબર ૨ માં રહેતા કોળી પરણિતા પોતાના બહેનના ઘરે આંટો મારવા ગયેલ હોઇ જે એમના પતિને સારૂ નહીં લાગતા બોલાચાલી કરી મહિલાને માથાના ભાગે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ તેમના સાસુ-સસરાએ હોઠમાં તેમજ શરીરે ઢીકાપાટુ ઈજા કરી એકબીજાની મદદગારી કરી તેમજ શારીરીક અને માનસીક ત્રાસ આપવાનો ગુન્હો નોંધાયો છે….
જાણવા મળ્યા મુજબ નવાપરા શેરી નંબર ૨ માં રહેતા નિશાબેન બેચરભાઈ હરેશભાઈ દેત્રોજા (ઉંમર વર્ષ ૨૧)એ ફરિયાદમાં લખાવેલ છે કે આજથી ત્રણેક મહિના પહેલા વાંકાનેર અમારા સમાજના બેચરભાઈ હરેશભાઈ દેત્રોજા સાથે મારા લગ્ન થયેલ, તારીખ ૨૨/૦૩/૨૦૨૬ ના રોજ સાંજના વાંકાનેર નવાપરામાં રહેતા મારા બહેન ભાવના બહેનના ઘરે હું આટો મારવા માટે ગયેલ અને રાત્રિના આઠેક વાગ્યે ઘરે પાછી આવતી રહેલ તો ત્યારે મારા પતિ બેચર ભાઈ દેત્રોજા એ મને કહેલ કે ‘મેં તને તારી બહેનના ઘરે જવાની ના પાડેલ છે તો પણ તું શું કામ ગયેલ?’ તેમ કહી જેમ ફાવે તેમ ભૂંડા બોલી મને ગાળો દેવા લાગેલ અને મેં ગાળો દેવાની ના પાડતા મારા પતિ બેચરભાઈ એકદમ ઉશકેરાઈને મને માથાના તેમજ શરીરના ભાગે ઢીકાપાટુ મારવા લાગેલ અને ગળાના ભાગે પણ નખથી નખોરીયા ભરી લેતા ઇજા થયેલ અને 
મારા સાસુ પ્રભાબેન તથા મારા સસરા હરેશભાઈ એમ બંને આવી ગયેલ અને તેઓ બંનેએ પણ મને હોઠના ભાગે તેમજ માથાના ભાગે ઢીકાપાટુનો માર મારેલ, દેકારો થતા અમારી બાજુમાં રહેતા ચંપાબેન દેત્રોજા, દિલુબેન દેત્રોજા અને આજુબાજુના લોકો ત્યાં આવી જતા મને વધુ મારથી બચાવેલ અને ત્યારે મારા પતિ બોલતા હતા કે ‘અત્યારે તો તું બચી ગયેલ છો આ વખતે મોકો મળે ત્યારે તારું પૂરું કરી દેવું છે’ બાદમાં મેં મારા ભાઈ પ્રવીણભાઈને ફોન કરતા તે ત્યાં આવી ગયેલ અને મોરબી મારા માતા-પિતાના ઘરે મારા ભાઈ સાથે જતી રહેલ અને ત્યારબાદ મને મોડી રાત્રીના માથામાં દુખાવો થતાં મોરબી સરકારી દવાખાને સારવાર માટે ગયેલ, બાદમાં રાજકોટ સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલ છું, અહીંયા મારી સાથે મારા માતા લીલાબેન સોમાભાઈ ઝિંઝવાડીયા તથા મારા બનેવી સાગરભાઈ જગદીશભાઈ અઘોલા હાજર છે પોલીસ ખાતાએ (1) બેચરભાઈ હરેશભાઈ દેત્રોજા (2) હરેશભાઈ માનસિંગભાઈ દેત્રોજા અને (3) પ્રભાબેન હરેશભાઈ દેત્રોજા સામે ગુન્હો ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૧૧૫(૨), ૩૫૧(૨)(૩), ૩૫૨, ૫૪, ૮૫ મુજબ દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….
