ભાણિયાનો પોલીસ સ્ટેશને ફોન ગયો અને ઝીંદગી બચી ગઈ
વાંકાનેર આપઘાત કરવા જતાં બહેનને વાંકાનેર શહેર પોલીસ તેમજ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરની મદદથી બચાવી લેવાયા હતા અને એક વર્ષથી રિસામણે બેઠેલા મહિલાનું પતિ સાથે પુન: મિલન કરાવી સાસરે વળાવ્યા હતા. સમયસર આવેલા એક કોલના પ્રતાપે મહામૂલી જિંદગીને બચાવી શકાઇ હતી.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં 100 નંબર ઉપર આશરે 2.30 ફોનની ઘંટડી રણકી ઊઠે છે અને સામેથી સાગર નામનો બાર તેર વર્ષનો એક છોકરો કહે છે, પ્લીઝ મારા માસીને બચાવી લો તે અત્યારે વાંકાનેર રેલવે સ્ટેશન પર રેલના પાટા ઉપર આપઘાત કરવા જાય છે જેને અમે બહુ રોકવાની કોશિશ કરી અને સમજાવ્યા પણ કોઈનું સાંભળતાં જ નથી.
એવું સાગર દ્વારા કહેવામાં આવતા વાંકાનેર પોલીસમાંથી પરાક્રમસિંહ જાડેજા તાત્કાલિક રેલવે સ્ટેશન પર પહોંચ્યા અને બેનને ખૂબ સમજાવવાની કોશિશ કરવામાં આવી છતાં પણ બહેન સમજવા તૈયાર ન હતા, જેથી બેનને સારી રીતે સમજાવી શકે તેવા હેતુથી તેઓએ સીપીઆઇ કચેરી ખાતે કાર્યરત મહિલા સહાયતા કેન્દ્રના દિપીકાબેન દેસાણીને ફોન કરી વિગતથી વાત કરતા બંને કાઉન્સિલર બહેનો તેજલબા ગઢવી તેમજ દીપિકાબેન દેસાણી તાત્કાલિક રેલવે સ્ટેશન આવી બેનનું યોગ્ય કાઉન્સિલિંગ કરી સમજાવી
તેમને પોલીસ સ્ટેશન લઈ આવ્યા અને તેમને પૂછપરછ કરતા જણાવ્યું કે બેનનું પિયર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ છે અને તે સુરેન્દ્રનગરના જિલ્લાના પાટડી તાલુકાના જીંજૂડા ગામમાં સાસરે મોકલ્યા છે પણ છેલ્લા એક વર્ષથી તેમના પિયરમાં રિસામણે છે તેવી વાત બેન દ્વારા જણાવતા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર દ્વારા તેમના સાસરિયા પક્ષ અને તેમના પતિ સાથે વાત કરી સુખદ સમાધાન કરાવી બહેનનું તેમના પતિ જયંતિભાઈ અમરસિંહ રાઠોડ દેવીપુજક તેમજ સાસરીયા પક્ષ સુરેન્દ્રનગર વાળા સાથે પુનઃમિલન કરાવ્યું હતું.