કોથળામાંથી મળેલી ડેડબોડી: હત્યાની આશંકા: તપાસનો ધમધમાટ
લાશ અંદાજે ત્રણથી ચાર દિવસ પહેલાની હોય તેવી શક્યતા
વાંકાનેર: વાંકાનેર તાલુકાના કોઠારીયાથી હડમતીયા તરફ જવાના રસ્તા ઉપર કોથળામાં પેક કરેલ મહિલાની લાશ ગઇકાલે મળી આવી હતી, આ બનાવ ટંકારા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતો હોવાથી ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ ઉપર દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મૃતક મહિલાની બોડીને ફોરેન્સિક પીએમ માટે હાલમાં રાજકોટ લઈ જવામાં આવી છે અને મૃતક મહિલાની ઓળખ મેળવવા માટેની તજવીજ કરવામાં આવી રહી છે.
બનાવની મળતી વિગત મુજબ અંદાજે ૨૫ થી ૩૦ વર્ષની મહિલાની ટંકારા તાલુકાનાં હડમતીયાથી કોઠારીયા તરફ જવાના રસ્તા ઉપર આવતા વોકળા પાસેથી કોથળામાંથી લાશ મળી હતી જેથી કરીને ટંકારા તાલુકા પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી હતી
જેથી પીએસઆઈ એમ.જે. ધાંધલ તેમજ બીટ જમાદાર સિદ્દીકી સાહિદભાઈ, બિપીનભાઈ સહિતના ત્યાં દોડી આવ્યા હતા અને મહિલાની લાશને ટંકારા સરકારી હોસ્પિટલે લઈને ગયા હતા. ત્યાર બાદ આજે મહિલાની બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી છે.
વધુમાં મળતી માહિતી મુજબ લાશ અંદાજે ત્રણથી ચાર દિવસ પહેલાની હોય તેવી શક્યતા દેખાઈ રહી છે અને તેને સળગાવી દેવાની પણ કોશિશ કરી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે જો કે, મહિલાની ઓળખ મેળવવા માટેની હાલમાં ટંકારા પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે અને ફોરેન્સિક પીએમનો રિપોર્ટ આવ્યા બાદ મહિલાના મોતનું ચોકકસ કારણ સામે આવશે તેવું પોલીસ પાસેથી જાણવા મળેલ છે.