વાંકાનેર તાલુકાના ખખાણા ગામે રહેતો અને કલીનર તરીકે કામ કરનાર યુવાન ડમ્પર રિવર્સમાં લેવડાવતો હતો તે સમયે અકસ્માતે તે હડફેટે ચડી જતા ગંભીર રીતે ઘવાયો હતો.
જેથી તેને સારવાર માટે ગોંડલ બાદમાં બાદમાં રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.અહીં સારવાર દરમિયાન યુવાને દમ તોડી દીધો હતો.આ અંગે યુવાનના પિતાની ફરિયાદ પરથી પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,વાંકાનેર તાલુકાના ખખાણા ગામે રહેતો શૈલેષ મધાભાઇ વનાણી (ઉ.વ ૩૦) નામનો યુવાન રાજકોટની શ્રી ગણેશ એન્ટપ્રાઈઝ નામની ટ્રાન્સપોર્ટ પેઢીમાં ટ્રકમાં કલીનર તરીકે નોકરી કરતો હોય ગત તા. ૨૨ ના રોજ
તે રામપરા બેટી ગામ પાસે રેતીના પ્લાન્ટમાં ટ્રક ભરવા માટે ચાલક સાથે આવ્યો હતો. દરમિયાન અહીં અન્ય એક ડમ્પર નં.જીજે૩૪ ટી ૩૩૪૪ ને રિવર્સ લેવડાવતો હતો ત્યારે તે આ ડમ્પરની હડફેટે ચડી ગયો હતો જેમાં વાહનના ટાયર તેના પગ પર ફરી વળતા
તેને સાથળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.જેથી તેને પ્રથમ ગોંડલની બાદમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન ગઇકાલે સમી સાંજના યુવાને હોસ્પિટલ બીછાને દમ તોડી દીધો હતો.
અકસ્માતમાં મોતને ભેટનાર શૈલેષ બે ભાઇ અને બે બહેનના પરિવારમાં મોટો હતો. તેના લગ્ન થયા બાદ છુટાછેડા થઇ ગયા હતાં. અકસ્માતની આ ઘટના અંગે
યુવાનના પિતા માધાભાઇ લીંબાભાઇ વનાણી (ઉ.વ ૫૦) દ્રારા એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. બનાવ અંગે વધુ તપાસ એએસઆઇ વાય.કે.ચૌહાણ ચલાવી રહ્યા છે