પેટ્રોલ ભરાવવા જતા યુવાનને આંતરીને ચાર શખ્સોએ પાઇપ માર્યા
વાંકાનેરના જીનપરા મેઇન રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસેથી બાઈક લઈને ચાલીને પેટ્રોલ ભરવા માટે યુવાન જતો હતો, ત્યારે યુવાનને આંતરીને ચાર શખ્સો દ્વારા તેને ઝાપટો મારીને લોખંડના પાઇપ વડે માથા તથા પીઠના ભાગે માર માર્યો હતો. જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના જીનપરા મેઇન રોડ પર આવેલ મેલડી માતાજીના મંદિરવાળા ચોક પાસેથી જીનપરા શેરી નં-૧૩ માં રહેતો કનુભાઈ ઉર્ફે વીકી રમેશભાઈ ચૌહાણ જાતે કોળી (૨૩) નામનો યુવાન ચાલીને પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એ ૧૮૨૪ લઈને પેટ્રોલ ભરાવવા માટે થઈને જતો હતો, ત્યારે ત્યાં મુનિયો ભરવાડ, ભલાભાઇ ભરવાડ, પકો પાચાભાઇ ભરવાડ અને ધનાભાઈ પાંચાભાઇ ભરવાડ રહે. બધા જીનપરાવાળા ત્યાં આવ્યા હતા અને તેના બાઈકની આડે બાઇક ઉભું રાખીને મુનિયો ભરવાડે બાઈકમાંથી નીચે ઉતાર્યો હતો અને ફરિયાદીને ઝાપટ મારી હતી.
ત્યારબાદ પાઇપ વડે તેને માથાના ભાગે માર માર્યો હતો અને ભલાભાઇ ભરવાડે તેને પાઇપ વડે પીઠમાં માર માર્યો હતો. અન્ય બે શખ્સોએ માર મારીને ગાળો આપી હતી. જેથી ઈજા પામેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચારેય શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. ઝઘડાનું કારણ જાણવા મળેલ નથી.