અમે મુકેલી સૈયદ પીર મશાયખની ઔલાદોની દરગાહ શરીફો અંગેની પોસ્ટ બાબતે અમુક મિત્રોએ તેમાં લખેલ શિયા અંગેનો આધાર અમારી પાસે માંગેલ છે,
જે વાત અમને ગમી છે, હકીકતમાં એક ભાઈએ ઉપરોક્ત વિષયમાં અમને પૂછેલ કે આપણને કલમો પઢાવનારની ઔલાદોની મઝારે સલામ કરવા જવું હોય તો બધી મજોરોની માહિતી છે? એમનું સૂચન પણ હતું કે જેમ અજમેરશરીફની ટુર થાય છે એમ આ મજારો માટેની પણ ટુર થવી જોઈએ, એમની વાત પણ અમને ગમી હતી, માહિતી મેળવી અમે સારા હેતુથી પોસ્ટ કરી.
અમારી કમનસીબી એ છે કે અમે આલા હઝરતની બહારે શરિયત માંથી પીરોમુર્શીદ વિષે હદીસો લઈને પણ લખીએ તો પણ એ લખાણ સ્થાનિક પીરઝાદા કુટુંબના વિરોધમાં લેવાય છે, એવી અમારી છાપ પડી ગઈ છે, અમારે લખવું ન જોઈએ પણ નીચેના બે પ્રસન્ગો ન છૂટકે લખવા પડે છે.
વર્ષ 1975 માં અમે અમદાવાદ મોનીનશાબાવા (રહેમતુલ્લાહ અલયહે)ને મળવા ગયેલા, ત્યારે એમણે અમને કહ્યું કે ‘માજી માં (જે આજે ચંદ્રપુર મુકામે આરામ ફરમાવી રહ્યા છે) તમારી સાથે પડદો છોડી તમને મળવા માંગે છે, તો જઈને મળો’
બીજા રૂમમાં હું જઈને બેઠો, માજીમાં આવ્યા ‘બેટા હું તને એક કામ સોંપવા માંગુ છું’ (એ બેટા શબ્દ મારા હ્રદયને શ્પર્શી ગયેલો) વાંકાનેરના અમારા મુરીદો (સુન્ની નાની જમાત) બહુ સારા છે, અમને આપવા અનાજ આપે છે, પણ એ અમારા સુધી પહોંચતું નથી, તું યુવક મંડળનો પ્રમુખ છે તો એ અનાજ સીધું પટેલ ટ્રાન્સપોર્ટમાં અમદાવાદ મોકલે એવો તું પ્રચાર કર’
મેં જવાબ આપેલો, ‘હું એકલો આ કામ નહીં કરી શકું, યુવક મંડળના મારા મિત્રોને વાત કરીશ, જો એ મિત્રો તૈયાર થશે તો પ્રચાર કરીશ’
વાંકાનેર આવી મિત્રોને વાત કરી, ત્યારના માહોલ પ્રમાણે કોઈ તૈયાર ન થયું. ઊલ્ટાનો ઠપકો મળ્યો. (આ અમારા કુટુંબનો અંગત મામલો છે, તારે દોઢડાયું નૈ થાવાનું) અનાજ અમદાવાદ કેમ નહોતું પહોંચતું એનું કારણ લખવાની જરૂર ખરી?
ડિસેંબર 19984 માં મુઝફરહુસેન બાવા (રહેમતુલ્લાહ અલયહે) અમદાવાદથી ત્યારના ભાજપના ઉમેદવાર બાબુ મેઘજી શાહના પ્રચાર વખતે આવેલા અને અમારા ઘરે દશ દિવસ સુધી રોકાયેલા. અમે થાય એટલી યથાશક્તિ ખિદમત કરેલી. એમના અને અમારા વિચારો મહદ અંશે મળતા હોઈ રાતના મોડે સુધી અમે દેશ, દુનિયા, મઝહબ, સમાજ, રાજકારણ અને કુટુંબની આંતરિક હાલાત વિષે એ મને કહેતા- ચર્ચા કરતા.
સ્પષ્ટતા કરી દઉં કે અમે પીરઝાદા કુટુંબના વિરોધી નથી, સૈયદની ઈજ્જત કરવી લાઝમી સમજીયે છીએ, અમારી છાપ માટે વર્ષ 1979 માં ટોળટપાકાના નગારે ઘા માં છાપેલ એક ફતવો છે. દારુલ ઉલુમ શાહેઆલમ- અમદાવાદના એક ફતવામાં હતું કે કોઈ પણ પીર ફરજીયાત ઉઘરાણું કરી ન શકે, હા- મુરીદ દિલથી આપવા માંગે અને જો ન લે તો મુરીદનું દિલ દુભાતું હોય તો લઇ શકે છે. આ ફતવો અને તેનો જવાબ આજથી 45 વર્ષ પહેલા અમે છાપતા તો છાપી દીધો, માનો- મધપૂડામાં પથ્થર માર્યો, પીરઝાદા કુટુંબનું નામ ન હોવા છતાં એમની વિરુદ્ધનો એ ફતવો સમજી સમાજ અમારી પર તૂટી પડયો. અમે બચાવ કરતા રહ્યા પણ ટૂંકા પડયા. ઉપર લખ્યા બે દાખલા છતાં અમને પીરઝાદા પરિવાર વિરુદ્ધના સમજી અને પછી ત્યારના માહોલ પ્રમાણે અમને સમાજ વિરોધીનું પણ લેબલ લાગી ગયું.
સમાજ એ પણ ભૂલી ગયો કે તીથવા ડફેર ગોળીબાર પ્રકરણ વખતે પુલદરવાજે બહેન- દીકરીઓ સાથે થતા છેડતીઓના બનાવો વિરુદ્ધ માથું હાથમાં રાખી યુવક મંડળના કાર્યકર્તાઓનો સાથ લઇ વાંકાનેરના ઇતિહાસમાં બંધનું એલાન સૌ પ્રથમ એક મોમીનના દીકરા તરીકે અમે આપેલું, (ત્યારના ડીએસપી દત્તાસાહેબે મોટાબાવાને સમજાવવા વિનંતી કરતા પંચાસીયાથી અમને વાંકાનેર બોલાવવામાં આવ્યા, યુવાનીના તોરમાં શરૂઆતમાં તો અમે નહીં માનેલા, પણ ડીએસપીએ યોગ્ય કરવાની ખાત્રી આપતા મોટાબાવાના માન ખાતર અમે માની ગયેલા) અને એ તંગ વાતાવરણમાં વાંકાનેરની બજારમાં સૌ પ્રથમ ઈદે-મિલાદનું સરઘસ કાઢનાર પણ અમે જ હતા, ત્યારે યુવક મંડળની ચૌદ શાખામાંથી આવેલા ટ્રેકટરોનું પટેલ ઓફિસેથી સરઘસ નીકળેલું (પોલીસ ખાતાએ સરઘસમાં તોફાન ન થાય તે માટે માંગેલી બાહેંધરીમાં ગુલમામદ બ્લોચના પિતા મર્હુમ ઉમરકાકા અને હુસેનભાઈ દાણીએ સહીઓ કરેલી)
એક સમયે કુંભારપરામાં ઝડપાયેલા બોમ્બ બાબતે મંજુરબાવાની પ્રેરણાથી તત્કાલીન ગવર્નરને સીબીઆઈ તપાસની માંગ કરતો હિંમત કરી અમે તાર કરતા હું અને મીરસાહેબ બજારમાં ચાલીને નીકળતા અને સામેથી જીપમાં ત્યારના સીપીઆઇ રોજીયાસાહેબ અમને મળેલા, મને જોઈને કહેલું: તમને મીસામાં પકડવા અમે ગૃહ ખાતામાં લખેલ છે, (ત્યારે મીસાનો કાયદો હતો). મેં જવાબ આપેલો: કાલે પકડવાના હો તો આજે અને આજે પકડવાના હો તો અત્યારે જીપમાં બેસી જાઉં? એ જતા રહ્યા, મીરસાહેબે આ જવાબથી મારો વાંહો થાબડેલો. આ અને આવા ઘણા બધા બનાવો- ઘટનાઓ તથા યુવક મંડળની કામગીરી છતાં એક ફતવો છાપવાથી- ફતવો છાપ્યો, એ ન જુઓ- ફતવાની અંદરની વાત સમજો- આ અમારી દલીલ સમાજના હાથીના પગ નીચે દબાઈ ગઈ, માનો ઢોલ-નગારાના અવાજમાં પીપૂડીનો અવાજ દબાઈ ગયો. (તીથવા ડફેર ગોળીબાર પ્રકરણ કે યુવક મંડળની કામગીરી અંગે આજના પચાસ વર્ષથી નાના સમાજના ભાઈઓ અજાણ હોય તે સ્વાભાવિક છે)
આપણા વડવાઓને કલમો પઢવાનારથી અત્યાર સુધીની તેમની તમામ પહેઝગાર પેઢીઓનો લાખ લાખ એહસાન છે કે એમના થકી ઈમાન જેવી અમૂલ્ય દૌલત આપણને નસીબ થઇ, એમનો જેટલો એહસાન માનીએ એટલો ઓછો જ ગણાય, એવું અમે દિલથી માનીએ છીએ. મૂળ વાત પર આવીએ તો અમે શિયા શબ્દ લખેલ પોસ્ટમાં કુલ ચુમાલીસ મજારો પૈકી માત્ર ત્રણના નામ પાછળ જ શિયા લખેલ હતું, એ નામોમાં બાકીના તમામ (વાંકાનેર સહિતના)ને શિયા લખ્યા નથી, અને નામ પાછળ રહેમતુલ્લાહ અલયહે લખેલ છે. મતલબ કે બીજા કોઈ શિયા હોવાનો ઉલ્લેખ કરેલ નથી, અને જે શિયા હોવાનું લખેલ છે, એમના કોઈ મુરીદ વાંકાનેર વિસ્તારમાં હોય એવું અમારી જાણમાં નથી, છતાં અમારી પાસે આધાર માંગવા પાછળનું લોજીક અમને સમજાતું નથી.
પીરો મુર્શીદની ટીકાથી મુરીદોને દુઃખ-રોષ થાય એ સ્વાભાવિક છે, (અમારા પીરો મુર્શીદ હઝરત અબ્દુલહક્ક રહેમતુલ્લાહ અલયહે છે- માશાઅલ્લાહ ! તેમની ટીકાથી અમને પણ દુઃખ થાય) આમ છતાં પીર મશાયખના પરિવારથી નામ જોડાયું એ કારણે આધાર માંગવા પ્રેરાયા હોય, તો હઝરત નૂહ અલયહીસ્સલામ અને એમના પુત્ર, સહાબી હઝરત મુયાવિયાહ (રદી અલ્લાહો તઆલા અન્હો) અને એનો પુત્ર યઝીદના દાખલા એ બતાવવા પૂરતા છે કે પેઢીમાં જરૂરી નથી કે બધા ઈમાનવાળા હોય. ખુદ પીર મશાયખ મકતૂલનામામાં ફરમાવે છે કે “બહોત શખ્સ કે ફરઝંદ કપૂત રે કહેલાયે, રીત બાપ હો કેરી કુછ મન રે ન લાએ; ગએ દુનિયામેં લપેટા બહોત રે લુભાએ, બહોત જાહિલ હોવળે વે રે સુનાએ, ઈબ્ને સૈયદ રહેમતુલ્લાહ નામ રે કહીએ, ઈબ્ને કબિરુદીન સદરૂદીન નસલમાં કહીએ, સુનો બહોત થે ફરઝંદ ઓનો હો કેરે, વો જાહિલ હોવળે બહોત સુનિયે સવેરે”
સૈયદ એહમદહુસેન (ગામ: મેતા) એમના ત્રણ દીકરા (1) સૈયદ ગુલામઅલી (મુંબઈ), સૈયદ મેહરહુસેન (ધોળકા) અને (3) સૈયદ રિયાઝહુસેન (ગામ: મેતા- ઇડર પાસે) પૈકી મોટા અને નાના સુન્ની હતા, વચેટ મેહરહુસેનના નામ પાછળ શિયા લખેલ છે. બે ભાઈ સુન્ની અને એક ભાઈ શિયા: શું એવું ન બને? એવું માનવાને કોઈ કારણ નથી. અહીં વાંકાનેર વિસ્તારમાં એક ભાઈ સુન્ની બીજો વહાબી હોય, તેવા દાખલા મળી આવશે
સૈયદ મેહરહુસેનની વાત કરીએ તો (જેના નામ પાછળ શિયા લખેલ છે) સૈયદ પીર મશાયખના મકાનો તેમ જ મસ્જિદ આપની મઝારશરીફ અમદાવાદના ચારતોળાની પાસે પાકી દીવાલોની વચ્ચે છે. (સર્વે નં 136) આ જમીન અને મિલ્કતો વર્ષોથી વક્ફ ચાલી આવતી હતી, પણ 1919 માં સૈયદ મેહરહુસેને સરકારી દસ્તાવેજોમાં ફેરફાર કરાવીને પોતાની માલિકીના નામે ચડાવી દીધી, અને અહીં કોઈ સુન્ની મુસ્લિમોએ આવવું નહીં, એવા બોર્ડ મારી દીધેલા, નાછૂટકે સુન્નીઓએ અમદાવાદની કોર્ટમાં કેસ દાખલ કર્યો, પાંચ વર્ષ સુધી આ કેસ ચાલતો રહ્યો અને 22 નવેમ્બર 1927 ના રોજ સુન્નીઓની તરફેણમાં ચુકાદો આવ્યો, આ ચુકાદાની નકલ અમદાવાદની જિલ્લા કોર્ટમાંથી મેળવી લેશો તો ખબર પડશે અને એમની જુબાનીમાં વાંચવા મળશે કે સૈયદ મેહરહુસેને કોર્ટમાં મસ્જિદને મસ્જિદ માનવાનો ઇન્કાર કરી દીધેલો, વઝુ કરવાના હોઝને બાગમાં પાણી પાવાની ટાંકી અને મસ્જિદની બાજુમાં આવેલ મકાનને ઘોડાગાડીનો તબેલો ગણાવેલો. આ બધું કોર્ટના દફતરેથી મળી આવશે, સારું થયું કે આઝાદી પહેલાના આ સત્તાવીશ વર્ષ પહેલાનો ચુકાદો સુન્નીઓની તરફેણમાં આવ્યો, આ ચુકાદો સુન્ની હનફી મશાયખી મોમીનોના ઇતિહાસમાં ઐતિહાસિક હતો. પીર મશાયખની લખેલી કિતાબોનો નાશ કરવાની કોશિષો પણ થયેલી છે.
સૈયદ મેહરહુસેને પછી મુંબઈ હાઇકોર્ટમાં 1928 માં અપીલ દાખલ કરેલી, જેનો ચુકાદો 27-11-1933 ના આવેલ અને અપીલ નં 217 કાઢી નાખેલ, સૈયદ મેહરહુસેને ફરિયાદીને તમામ ખર્ચ પેટે રકમ પણ આપવી પડેલી. (ત્યારે ગુજરાતની હાઇકોર્ટ મુંબઈમાં હતી) હાઇકોર્ટના નામદાર જજોએ એવું પણ જાહેર કર્યું કે સૈયદ મશાયખ જેઓ સત્તરમી સદીમાં પેદા થયેલા તેઓ મહાન માર્ગદર્શક અને નેક બુઝુર્ગ હતા, જેમણે લોકોને મઝહબી તાલીમ આપેલ છે. અલ્હમદોલીલ્લાહ ! આ કેસ અંગે દરગાહ કેસનો ચુકાદો નામથી પુસ્તિકા પણ પ્રગટ થયેલી
વાત અહીં અકીદા વિશેની છે, કોઈ રાજકીય નથી, અને એટલે રાજકારણ વિષે લખેલ નથી, આમ છતાં એક પ્રસંગ વિષયને અનુરૂપ હોઈ લખ્યે છીએ. મનુભાઈ શાહ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર, સ્થાનિક કોંગ્રેસમાં જનકકુમાર અને પીરઝાદાના બે જૂથ, ચૂંટણીમાં પોલિંગ એજન્ટના નામ માંગતા અમે ત્યારના યુવક મંડળના અમારા સાથીદારોના નામ આપેલા, આ વાતની મોટાબાવાને ખબર નહીં, મોટાબાવાએ પોતે સૂચવેલા નામ જ રાખવાના આગ્રહ વચ્ચે મનુભાઈ શાહને અમે આપેલા નામો વિષે કહ્યું: આ બધા વહાબી છે, ત્યારે અમારે ચોખવટ કરેલી કે એ નામ તો મેં આપેલા છે. આ બનાવ પણ ટોળટપાકામાં અમે છાપેલો. શું કહેશો?
અમારી ઉપરની આટલી સ્પષ્ટતા પછી તમામ વાંચકોને વિનંતી છે કે જે નામ પાછળ શિયા લખેલ છે એ જો શિયા નથી અને સુન્ની હોવાનો ઓથોટીક આધાર આપે, અમે અમારી ભૂલ સ્વીકારીને બે હાથ જોડી માફી માંગી ધોળકા એમના મઝારે સલામ પણ કરી આવશું અને એ આધાર સાથે એમના નામ પાછળ રહેમતુલ્લાહ અલયહે પણ ઉમેરી અમારું માફીનામું પોસ્ટ કરીશું. આ અમારો પડકાર નથી, પણ નમ્ર વિનંતી છે. અગાઉની અમારી પોસ્ટમાં સૈયદ ઝહીરહુસેન અને સૈયદ મુશાહીદહુસેન એ સૈયદ મેહરહુસેનના દીકરા છે. ભૂલની માફી માંગવામાં કોઈ નાનપ નથી
આપણને કલમો પઢાવનારની ઔલાદોની મઝારે સલામ કરવાની શરૂઆતમાં લખ્યા પ્રમાણે ટુર ગોઠવાય તો સૈયદ મેહરહુસેનની ધોળકા મઝારે જવું કે કેમ એમને પણ માર્ગદર્શન મળી રહેશે. કોઈ વાંચકને સુન્ની હોવાનો આધાર મળે તો એ આધાર આડા દિવસોએ ધોળકા જતા અકીદતમંદોને ઉપયોગી થશે
અમારી પાસે આધાર માંગનારા તમામ ભાઈઓના અમે આભારી છીએ, પણ અમારા આટલા ખુલાસા પછી પાણીમાંથી પોરા કાઢવાને બદલે આ વિવાદ અહીં જ પૂરો કરીએ. (કોઠી ધોયે કાદવ નીકળે) અમારી પાસે પીર મશાયખનું એવું પેઢીનામું પણ છે, જેમાં શિયા લખેલ છે, પરંતુ ફરી અમારી પાસે આધાર માંગવામાં આવે અને વધુ વિવાદ ઉભો થાય, એ માટે અહીં આપવાનું ટાળીયે છીએ. અમે પીર મશાયખ (રહેમતુલ્લાહ અલયહે) અને મીરૂમિયાબાવા (રહેમતુલ્લાહ અલયહે) ના જીવન વિષે લખવા માંગતા હતા, પણ ઘણી બાબત એવી હોય ખાસ કરીને એમના મોઅઝીઝા જેમનો કોઈ આધાર મળે નહીં, આથી હવે મૂંઝાઈ ગયા છીએ. અમારી એટલી જ વિનંતી છે કે સમાજના પ્યારા ભાઈઓ ! જોયા- જાણ્યા વગર હિચો હિચો કરવાને બદલે અમે પીરઝાદા પરિવારના વિરોધી હોવાના પીળા ચશ્મા ઉતારો, ઇમાનનું કોઈ માપ નથી હોતું, પરંતુ પીર કબીરૂદીન (રહેમતુલ્લાહ અલયહે) ના તમામ વંશજો અંગે જે તમે માનો છો, એ જ અમે માનીયે છીએ. ઇસ્લામના અરકાનોના પાલનમાં કોઈને માફી નથી, પછી એ બાદશાહ હોય, ગુલામ હોય, પીર હોય કે આમ મુસ્લિમ હોય. અમે લખેલ કેટલીક અમારી વાતો બડાઈ માટે લખેલ નથી, આમ છતાં અયોગ્ય લાગે તો દરગુજર કરશો.
આપણે સૌ કયામતમાં મગફિરતના તલબગાર છીએ, અંતમાં દુઆ કરીયે કે અલ્લાહ પાક આપણ સૌના ગુન્હા માફ કરે, મોમીન સમાજ તરક્કી કરે અને આપસમાં મહોબ્બ્તથી રહે. ઇસ્લામના અરકાનોના પાલનની સૌ ને નેક તૌફીક અતા કરે (આમીન) : નઝરૂદીન બાદી
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો