અબુજીદાદા પીપળિયારાજથી તીથવા, ત્યાંથી માથક અને ત્યાંથી મહીકા રહેવા આવેલા
સદરૂદ્દીનબાવાએ ફરમાવ્યું: ‘માંગો બેટા! આજે દરિયો જોશમાં છે, મોકો છે, માંગી લો…’ અબુજીદાદાએ ફકીરી માંગી
ઝાડ ઉપર જયાં કુહાડાનો ઘા કર્યો તો લોકવાણી છે કે ઝાડની ડાળીએ ડાળીએ હોલમાતાજીએ દિવા પ્રગટ કરી ચમત્કાર કર્યો
અબુજીદાદા મારતી ઘોડીએ ઘરે આવ્યા. કોઠીનું ઉપરનું ઢાંકણું ખુલ્લું જોઈ બોલાઇ ગયું, ‘જેણે આ ઢાંકણું ખોલ્યું છે, એ ગામની એ કુટુંબની દીકરી લઇ આવશો, તો સુખી નહિં થાવ..’
વાંકાનેર તાલુકાના નેશનલ હાઇવે પર આવેલા મહિકાના અબુજીદાદા વિલાયતને પામેલા, જે મહીકાથી સાતેક કિલોમીટર દૂર ગારિયાની સીમમાં જૂના જમાનાના આવેલ કબ્રસ્તાનમાં આરામ ફરમાવી રહ્યા છે. ગારિયા ગામમાં હાલમાં કોઈ મુસ્લિમનું ઘર રહેતું નથી, પણ વીતેલા વરસોનાં જૂના જમાનામાં અહીં આજુબાજુના બાર ગામના મુસ્લિમોની દફનવિધિ ગારિયાની સીમમાં મચ્છુ નદીનાં કાંઠે આવેલ આ કબ્રસ્તાનમાં થતી હતી.
અબુજીદાદા મૂળ તો તાલુકાના પીપળિયારાજમાં રહેતા, એમના અબ્બાનું નામ ડોસાદાદા હતું, ચાર ભાઇમાં અબુજીદાદાથી મોટા જીવાદાદા, બીજા નંબરે અબુજીદાદા, એમનાથી નાના વાઘજીદાદા અને સૌથી નાના લાડજીદાદા. અબુજીદાદાને પીપળિયારાજથી તીથવા અને ત્યાંથી રાજાના ફરમાનથી વાંકાનેર તાલુકો મુકવો પડેલો. હળવદના માથક ગામે રહેવા જવું પડેલું. માથકથી ખૂદ રાજા જ તેડવા આવેલા અને પછી ચાર ભાઈમાંથી બે ભાઈ પાછા પીપળિયારાજ અને ત્યાંથી પાંચદ્વારકા રહેવા આવ્યા. એક ભાઈ સાથે અબુજીદાદા મહીકા રહેવા આવ્યા (એ ઐતિહાસિક હકીકત તો બહુ લાંબી છે, જે ભવિષ્યમાં ‘બાદી કુટુંબનો ઇતિહાસ’ની શ્રેણીમાં આપવાની ઈચ્છા છે: નઝરૂદીન બાદી)
અબુજીદાદા કચ્છના સદરૂદીન બાવાના મુરીદ હતા. મહિકામાં મુરીદ- અબુજીદાદાને મળવા એક દિ’ સદરૂદીન બાવા કચ્છમાંથી ઘોડા લઇને આવ્યા. મહિકા મસ્જીદની મેડી ઉપર સદરૂદ્દીન બાવા માણસોને ઈસ્લામની હિદાયત આપતા બેઠા છે. શરીઅતની વાતો સમજાવી રહ્યા છે. ઘણા મુરીદો સાથે જીવાદાદા અને અબુજીદાદા પણ છે. સદરૂદ્દીનબાવાએ બન્ને ભાઇઓને ફરમાવ્યું: ‘માંગો બેટા! આજે દરિયો જોશમાં છે, મોકો છે, માંગી લો…’
જીવાદાદાએ કહ્યું : ‘મારે પટલાઇ જોવે છે…’
એ જમાનામાં પટલાઇનું બહુ માન હતું. પટલનો દરજજો બહુ ઉંચો ગણાતો- વટ પડતો. રાજાનું પટેલોને પીઠબળ મળતું. રાજા પટેલને વ્યકિતગત રીતે નામથી ઓળખતા અને રાજવહીવટમાં એમની સલાહ પણ લેતા. જીવાદાદાને બાવાએ પટલાઇ આપી.
બાવાએ અબુજીદાદાને ફરમાવ્યું: ‘માંગ અબુજી! માંગ…’
અબુજીદાદાએ માંગ્યું: “મને ફકીરી આપો અને મારે આંગણે આવનારને હું રોટલો ખવડાવી શકું” પહેલેથી જ અબુજીદાદા મઝહબી માણસ. ખુદાની જાત પર પૂરૂં યકીન અને પરહેઝગાર પણ ખરા!
સદરૂદીનબાવા આ સાંભળી બહુ ખુશ થયા. બાવાએ અબુજીદાદાને વિલાયત આપી. પાઘડી પહેરાવી. જે પાઘડી આજે પણ મહિકામાં તબરૂકાત તરીકે સાચવવામાં આવી છે. આ પાઘડીને સડો લાગતો નથી.
માઠું વરસ અને એમાંયે આ રસાલો- ઘોડાને ખાણ કયાંથી આપવું? સદરૂદીન બાવા મુરીદની મુંઝવણ પારખી ગયેલા. ‘ચાલો હવે તમારા ઘરે જાવું છે!’
તેમનું ઘર મસ્જીદની બાજુમાં હતું, ઘરના રૂમમાં માટીની એક કોઠી હતી. અબુજીદાદાને ૪ થી ૫ કિલો બાજરો કોઠીમાં નાખી ઉપરથી બંધ કરવાનું કહેતા કોઠી ઉપર થેપડો કરી કોઠી બંધ કરી દીધી. સદરૂદ્દીનબાવાએ બરકતની દુઆ કરી અને કહ્યું, ‘ઉપરથી ઢાંકણું ખોલતા નહિં – હવે આ કોઠીમાંથી બાજરો ખૂટશે નહિં’.
પછી સાચે જ બાજરો ખૂટતો નિહ. બાદી કુટુંબે ત્રણ પેઢી સુધી આ કોઠીમાંથી નિચેના સાણામાંથી બાજરો કાઢી ખાધેલો, બાદીમાં સાસરે આવેલી એક બાઈએ તેના માવતરની ચઢામણીએ એક દિવસ અબુજીદાદા ઘોડી લઇને વાડીએ ગયા હતા, ત્યારે અંદર- શું છે કે બાજરો ખૂટતો નથી- તે જોવા કોઠીનું ઉપરનું ઢાંકણું ખોલી નાખ્યું. અબુજીદાદાને વાડીએ ગેબી અવાજ આવ્યો, ‘તારૂં અનશન લુંટાઇ ગયું’. અબુજીદાદા મારતી ઘોડીએ ઘરે આવ્યા. કોઠીનું ઉપરનું ઢાંકણું ખુલ્લું જોઈ બોલાઇ ગયું, જેણે આ ઢાંકણું ખોલ્યું છે, એ ગામની એ કુટુંબની દીકરી લઇ આવશો, તો સુખી નહિં થાવ, ખૈર, અલ્લાહને જે મંજૂર હતું, તે થયું’.
એક વાર અબુજીદાદા પીરને મળવા વનારીયા (કચ્છ) ગયા. ત્યાં પહોંચે એ પહેલા જ સદરરૂદીન બાવાએ અબુજીદાદાના આગમન અંગે અગાઉથી જ બધાને જાણ કરી દીધેલી. અબુજીદાદા વનારીયા પહોંચી મસ્જીદમાં નમાઝનો સમય થતા અઝાન દીધી. સદરૂદીનબાવાએ બધાને કહ્યું, ‘મારો મુરીદ આવી ગયો’,
અબુજીદાદા પીરને મળ્યા. આવવાનું કારણ પૂછતાં પોતાના ઘરવાળા ૧૯ વર્ષથી બિમાર છે, શીફા માટે દુઆ કરો. પીરે દુઆ કરી.
અબુજીદાદા મહિકા આવ્યા તો ખાટલામાં ઉભા પણ ન થઇ શકનાર તેના ઘરવાળા બેડું લઇને સામા મળ્યા. પીરની દુઆ કબૂલ થઇ. અબુજીદાદાની ખુશીનો કોઇ પાર ન રહ્યો. એક વાર અબુજીદાદા વનારીયા હતા. તેના અમ્માજાનનો ઈન્તકાલ થયો. ઘરે પહોંચવું જરૂરી હતું. પણ સમયસર પહોંચવું મુશ્કેલ હતું. પીરે કહ્યું, ‘આંખ બંધ કર’.
આંખ બંધ કરી પલવારમાં ખોલી તો અબુજીદાદા અને પીર બન્ને મહિકાની મચ્છુ નદીના કાંઠે હતા ! આ છે સાચા વલીની તાકાત !!
મહિકામાં નવા બનતા મકાનના બારી-બારણાના કામમાં લાકડાની જરૂર હતી. અબુજીદાદા હોલમાતા પાસે આ માટે લાકડું કાપવા ગયા. ત્યારે ત્યાં અડાબીડ જંગલ હતું. વાઘ, દીપડાનું રહેઠાણ હતું. ઝાડ ઉપર જયાં કુહાડાનો ઘા કર્યો તો લોકવાણી છે કે ઝાડની ડાળીએ ડાળીએ હોલમાતાજીએ દિવા પ્રગટ કરી ચમત્કાર કર્યો.
હોલમાતાજીએ તો ડાળીએ ડાળીએ દિવા પ્રગટાવેલા, આ જોઈને ડરવાને બદલે અબુજીદાદાએ તો ઝાડના પાંદડે પાંદડે દિવા પ્રગટાવ્યા. સાંભળેલી વાત છે કે હોલમાતાજી પ્રસન્ન થઇ પ્રગટ થયા અને અબુજીદાદાને કહ્યું: ‘ભલે તું લાકડું લઈ જા, પણ તારો વંશ અહીં ઝાડ ન કાપે’. દાદાએ પોતાની સાત પેઢી સુધીની જવાબદારી લીધી. અત્યારે લગભગ આઠમી પેઢી ચાલી રહી છે, છતાં આ બોલ એમના વંશજો આજે પણ પાળે છે. કોઈ પણ સંજોગોમાં હોલમાતા વિસ્તારમાં લાકડું કાપતા નથી. એક સ્પષ્ટતા જરૂરી છે કે ડાળીએ ડાળીએ તથા પાંદડે પાંદડે દિવા પ્રગટાવવાની વાત વધુ પડતી કોઈને પણ લાગે, પરંતુ પીર ઔલિયાના આવા કેટલીયે કરામત ઇતિહાસમાં દર્જ છે. વિલાયતને પામેલા વલીની દુવા અલ્લાહ સાંભળે છે, દિલના યકીનની વાત છે.
એક દિ’ અબુજીદાદા વાંકાનેર હટાણું કરવા ગયેલા. ત્યારે મહિકા પાસે અત્યારનો પુલ નહિં કે અગાઉનો બેઠો પુલ પણ નહિં. વાંકાનેરથી પાછા આવવામાં મોડું થઇ ગયેલું. મગરીબનો ટાઇમ થઇ ગયેલો. ઉપરવાસ મે વરસેલો. નદીમાં માથાળા ઉપર પાણી વહી રહ્યું છે. બળધીયા ભલે લોંઠકા હોય પણ આ પાણીમાં ગાડાને ઉતારવાથી હટાણાનો સામાન પલળી જાય- પૂરું જોખમ હતું. હવે શું કરવું? મગરીબ તો અદા કરી. જલાલમાં આવી પાણીને મારગ કરી આપવા દુઆ માંગી અને અણસાર નહોતો છતાં પાણી ઓસરી ગયું. પરહેઝગાર અને સાફ મનનાં અબુજી દાદા મસ્જીદ સિવાય કયાંય નિકળતા નહિં. તેના પરદે થવાનો અણસાર તેને અગાઉથી જ મળી ગયેલો.ઇદુલ-દોહાને બીજે દિવસે (વાસી ઇદે) અસરનાં ટાઇમે કુટુંબને જાણ કરી દીધી કે મગરીબ બાદ મારો ઇન્તેકાલ છે. મગરીબ બાદ દાદા પરદો કરી ગયા. તેના મૈયતને લઇ જતા કાનપરનો મારગ વટતા વાવર આવી અને સાથે લીધેલા બધા ફાનસ ઓલવાઇ ગયા. અંધારામાં કાંઇ સૂજે નહિં. લોકવાણી છે કે ત્યારે જનાઝામાંથી કુદરતી રીતે એટલી રોશની પ્રગટ થઇ કે આસાનીથી દફનવિધિ થઇ શકી. સાચા વલીની દુઆથી વિલાયત મેળવનાર અબુજીદાદાનો આ કરામત હતી ! અબુજીદાદાની ઘણી કરામતો મોમીનોએ એમના પરદા થવા પછી પણ જોઈ છે. સફેદ કપડામાં ઘોડી પર રાતના ઘણી વાર નસીબવાળાને દિદાર પણ આપ્યા છે. આફતો વખતે મદદે આવ્યા છે. બબ્બે મોટી પાણીની હોનારતો થઇ, આમ છતાં અત્યાર સુધીમાં મહિકાના કોઇનો પણ ભોગ લેવાયો નથી. સદરુદીનબાવાએ દુઆ કરી હતી કે પૂરથી મહિકાનો કોઇનો ભોગ લેવાશે નહિં. મહિકા તણાય તે પહેલા પાણી રોકતું ‘બેડિયો’ વોંકળો તૂટી જાય છે અને મહિકા ગામ બચી જાય છે.
ઈદ મસ્જિદ ક્યાં બનાવવી, એ વિષે ગામલોકોએ સદરુદીનબાવાની પાસે ઈદ મસ્જિદ માટેનું સ્થળ જાણવા પૂછ્યું. બાવાએ મહીકાથી ઓતરાદી બાજુ નદીની ઓલી પાર કે જ્યાં હાલ ઈદ મસ્જિદ છે, તે બતાવ્યું. ગામ લોકો મૂંઝાયા, ઈદ તો ઉનાળામાં પણ આવે અને ચોમાસામાં પણ આવે. ભર ચોમાસામાં ઈદ હોય અને અનરાધાર વરસાદ પડે તો નમાઝ અદા કરવા નદી કેમ ટપવી ? ત્યારે નદી પર આજે જે પુલ છે તે નહીં. બાવાએ કહેલું. નમાઝ પઢવા ઈદ મસ્જીદે જશો, તો પગના પાંયચા પણ નહિ પલળે. વરસો અગાઉ કહેલી આ વાત આજે સાચી સાબિત થઇ રહી છે. પુલ બનતા આ સમસ્યા ઉભી થતી નથી.
ઉંદરડાનો ત્રાસ હોય તો રેતીની ઢગલી મોલમાં કરતા પછીથી ત્રાસ બંધ થઇ જાય છે. ઓલાદ માટે તો અબુજીદાદાની માનતા કારગત નિવડે છે. આજે ગારીયાના કબ્રસ્તાનમાં દાદા આરામ ફરમાવી રહ્યા છે, જ્યાં અબુજીદાદાની કબર ફરતે પહેલા કઠોળો નહોતો. અહીં નિચાણમાં રહેલી દાદાની કબર ઉપર નદીનું પાણી આવી જતું. પાણી સાથે ઓવારમાં કચરો, બકરાની લીંડીઓ આવી જતી. મહિકાની જમાત ભેગી થઇ. કઠોળો બાંધવાનું નકકી કર્યું, જેથી પાણી ટપી શકે નહીં. મહિકાના અકીદતમંદોએ જેનાથી જે બને તે સહકાર આપ્યો. તાઃ ૧૧-૧૧-૨૦૦૮ (જમાદીલ અવ્વલ મુ. ચાંદ ૧૧)ના કામ પૂર્ણ થયું. અહીં દર વરસે ઈદુલદોહા (બકરીઇદ)ના બીજે દિવસે (વાસી ઇદે) ઉર્ષમુબારક ઉજવવામાં આવે છે. મહિકાથી કાનપર જતા રસ્તા ઉપર આગળથી ડાબા હાથ ઉપર કાચો રસ્તો ફંટાય છે, જે ઠેઠ કબસ્તાન સુધી જાય છે. ફોર વ્હીલર વાહન ચલાવવામાં પણ વાંધો આવતો નથી. જેમની દુઆ કબૂલ થતી, જેમના બોલ ફળતા એવા સદરૂદ્દીનબાવા હાલ વીંજાણ (કચ્છ) માં અને તેમના દીકરા મલુકશાબાવા અને તેમના ઘરાનાના અન્યો વરાડિયા (કચ્છ)માં આરામ ફરમાવી રહ્યા છે. જયારે તેમના દીકરા અમીરશાબાવા કચ્છમાં ધનાવાડા તેમના દીકરા મામદશાબાવા અને તેમના દીકરા બાદશાહ મીયાબાવા પાકિસ્તાનમાં કરાંચીમાં આરામ ફરમાવી રહ્યા છે. હાલ તેમનો વારસો ગુલામરસુલબાવા સંભાળી રહ્યા છે. (હું નઝરૂદીન બાદી, અબુજીદાદાની બાદી અટકમાંથી છું અને આ લેખમાં કંઇ ભૂલચૂક હોય તો અબુજીદાદા અને સદરૂદ્દીનબાવા મને માફ કરે. અલ્લાહ બેહતર જાણે છે.)
