વાંકીયાથી જડેશ્વર જતા કાચા રસ્તા ઉપર રેડ કરવામાં આવી હતી
સાત દિવસના રિમાન્ડ મંજૂર
વાંકાનેર: તાલુકા પોલીસે બાતમીના આધારે ગત ઓગસ્ટ મહિનામાં પંચાસીયા ગામની સીમમાં રેડ કરી હતી. ત્યારે દારૂનું કટીંગ થાય તે પહેલા જ ટ્રક પકડવામાં આવેલ હતો ત્યારે રેકીમાં રહેલ કાર અને ટ્રકનો ડ્રાઈવર ભાગી ગયા હતા પરંતુ એક આરોપીની 56.63 લાખના દારૂ સાથે ધરપકડ કરી હતી અને ત્યાર બાદ વધુ ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા અને હાલમાં આ ગુનામાં અધિકારી દ્વારા મુખ્ય સૂત્રધારની ધરપક્ડ કરીને કોર્ટમાં રજૂ કરીને તેના સાત દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે…
મળેલ માહિતી મુજબ ગત ઓગસ્ટ માહિનામાં વાંકાનેર તાલુકા પોલીસ પીએસઆઈ એલ.એ. ભગા અને સ્ટાફના યમનભાઈ ચાવડા, સંજયસિંહ જાડેજા અને અજયસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે પંચાસીયા ગામની સીમમાં વાંકીયાથી જડેશ્વર જતા કાચા રસ્તા ઉપર રેડ કરવામાં આવી હતી ત્યારે અશોક લેલન બંધ બોડીનો ટ્રક નં. આરજે 18 જીકે 0894 મળી આવ્યો હતો જેને ચેક કરવામાં આવતા તે ટ્રકમાંથી દારૂની નાની મોટી કુલ મળીને 27840 બોટલો મળી આવી હતી આથી 56,63,100 નો દારૂ અને ટ્રક મળીને પોલીસે 80,63,100 નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ત્યારે સ્થળ ઉપરથી યાસીનભાઈ રહીમભાઈ સમા રહે. રાજકોટ વાળાની ધરપકડ કરી હતી ત્યાર બાદ આ ગુનામાં પોલીસે ક્રમશઃ વધુ ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા અને દારૂ મંગાવનારા બંને આરોપી સહિતના આરોપી પકડવાના બાકી હતા તેવામાં દારૂનો આ જથ્થો મંગાવનાર આરોપી સાજીદ ઉર્ફે ચકો ઉમરભાઈ ચાનીયા કોર્ટમાં સરેન્ડર થયો હતો. વાંકાનેર તાલુકા પોલીસે આરોપીનો કબ્જો લઈને તેની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપી સાજીદ ઉર્ફે ચકો ઉમરભાઈ ચાનીયા (34) રહે. કાલિકા પ્લોટ મોરબી વાળાના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. તેવી માહિતી મળેલ છે અને આ ગુનામાં હજુ દારૂ મંગાવનાર તરીકે જાવીદ કરીમભાઇ કાથરોટીયા રહે. રાજકોટ વાળાનું નામ ખુલ્યું છે…