હીરેન સાથે સંકળાયેલા બીપીન અને કનુભાઈને ગંભીર ઈજા થતા તેનું મોત નિપજયું હતું
વાંકાનેર ખાતે રોનક સ્ટોનમાં થયેલ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા આરોપીઓને મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.




આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસમાં હીરેન જગદીશ અધડુક તથા અન્ય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે અનુસાર હીરેન જગદીશભાઈ અધડુક તથા અન્ય આરોપીઓએ રોનક સ્ટોન ક્રશરમાં ભરડીયાની ઓરડીમાં અનઅધિકૃત રીતે ભરડીયાની ખાણમાંથી પથ્થર કાઢવા માટે વપરાતા જીલેટીન અને ડીટોનેટર વગેરે વિસ્ફોટક પદાર્થોનો જથ્થો રાખ્યો હતો અને બેદરકારી દાખવતા આ વિસ્ફોટક જથ્થામાં વિસ્ફોટ થયો જતો.
જેને પગલે આરોપી હીરેન સાથે સંકળાયેલા બીપીન અને કનુભાઈને ગંભીર ઈજા થતા તેનું મોત નિપજયું હતું. જ્યારે અન્ય લોકોને ઈજાઓ પહોચી હતી તથા ભરડીયામા પડેલ વાહનોમાં નુકસાન થયું હતું. આ અંગે વાકાનેર તાલુકા પોલીસે આરોપી હીરેન જગદીશ અધડુક તથા અન્ય આરોપીઓ વિરુદ્ધ ઈ.પી.કો. કલમ તથા ધી એકસપ્લોજીવ એકટની કલમ તથા એકસપ્લોજીવ સબ સ્ટન્સ એકટની કલમ મુજબનો ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી.
જે બાદ પોલીસે તમામની જુબાની અને પુરાવા મારફતે કેસ ફાઇલ કર્યો હતો. જેની સુનાવણી દરમિયાન આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુદ્ધનો અને વિપરીત હકીકત જણાવેલ છે અને ફરીયાદ પક્ષે સાહેદની જુબાનીમાં કેસ બાબતેનો કોઈ પુરાવો જાહેર કરવામાં આવેલ નથી. આ કામના ઈજા પામનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નિવેદનને સમર્થન આપેલ નથી. આ બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટની તમામ દલીલોને ધ્યાને રાખીને મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.