ચૂંટણી પછી ઠેઠ એક વર્ષ બાદ પરિણામ: વાંકાનેર મા. યાર્ડ પર કોનો કબ્જો થશે?
5 કોંગ્રસ પ્રેરિત સભ્યો જીત્યા છે હવે બાકીના 10 સભ્યોના આવનારા પરિણામ પર જબરો આધાર

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની જાન્યુઆરી ૨૦૨૨ માં સામાન્ય ચુંટણી યોજાઈ હતી, જેમાં ખેડૂત વિભાગની દસ બેઠકો મામલે કાનૂની લડાઈને પગલે મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો; ત્યારે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. જેથી આગામી તા. ૧૩ ફેબ્રુઆરીના રોજ વાંકાનેર યાર્ડની ખેડૂત વિભાગની દસ બેઠકોનું પરિણામ જાહેર કરાશે

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં ગત તા. ૧૧-૦૧-૨૨ ના રોજ મતદાન અને તા. ૧૨-૦૧-૨૨ ના રોજ મત ગણતરી કરવામાં આવી હતી, જેમાં પલાસ, પંચાસીયા, તીથવા મંડળીના મતો બાબતે વિવાદ સર્જાયા બાદ મામલો ગુજરાત હાઈકોર્ટમાં ગયો હતો અને ગુજરાત હાઈકોર્ટે આ મામલે ચુકાદો જાહેર કર્યો છે; જેથી દસ બેઠકના પરિણામ આગામી તા. ૧૩-૦૨-૨૦૨૩ ને સોમવારે જાહેર કરાશે, તેવી માહિતી જીલ્લા રજીસ્ટ્રાર પાસેથી પ્રાપ્ત થઇ છે

યાર્ડમાં કોનો કબજો તે ચિત્ર સ્પષ્ટ થશે
વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ૧૮ સભ્યોની બોડીમાં વેપારી વિભાગની ૦૪ અને ખરીદ વેચાણ સંઘની એક બેઠકના પરિણામ જાહેર થયા છે, જે તમામ બેઠક પર કોંગ્રેસ પ્રેરિત ઉમેદવાર વિજયી બન્યા છે, તો ખેડૂત પેનલની ૧૦ બેઠકના પરિણામો જાહેર થવાના બાકી છે. ત્યારે તે દસ બેઠકોના પરિણામ જાહેર થયા બાદ વાંકાનેર યાર્ડમાં કોણ શાસન કરશે તે ચિત્ર સ્પષ્ટ થશે.
