અરજી કરવા આવતી કાલ છેલ્લો દિવસ
ક્ષતિ સુધારવા કાગળો વીસીઇ/ગ્રામસેવક કે ત. ક. મંત્રીને પહોંચાડવા અનુરોધ
ઓક્ટોબર માસમાં થયેલા વરસાદના કારણે નુકસાન પામેલ ખેતી પાકો માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિરાહત પેકેજ ઓક્ટોબર ૨૦૨૫ અંતર્ગત મોરબી જિલ્લામાં સહાય ચૂકવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. માત્ર અઠવાડિયાના ટૂંકા ગાળામાં જ હજારો ખેડૂતોના ખાતામાં કરોડો રૂપિયા જમા થઈ ચૂક્યા છે. ૪૨,૯૬૪ ખેડૂતોને ૧૪૪ થી વધુની નાણાકીય સહાય ચુકવવામાં આવી છે.
મોરબી જીલ્લામાં તા. ૧૪/૧૧ થી ૨૯/૧૧ સુધીમાં જિલ્લાભરમાંથી કુલ ૧,૨૨,૪૭૧ જેટલી ખેડૂતો ખાતેદારો દ્વારા પાક નુકસાની સહાય મેળવવા માટે અરજીઓ કરવામાં આવી છે. ત્યાર બાદ ખેડૂતો અરજી કરવામાં બાકી ન રહી જાય તે હેતુથી સરકાર દ્વારા વધુ ૭ દિવસ એટલે તા ૫/૧૨ સુધી સમય મર્યાદા વધારી દેવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાત દિવસ કામગીરી કરી આજ દિન સુધીમાં ૪૨,૯૬૪ ખેડૂતોના બેંક ખાતામાં કુલ રૂ. ૧૪૪ કરોડથી વધુ જમા કરી દેવામાં આવ્યા છે.
વધુમાં ઘણી અરજીઓમાં ખેડૂતોની સહી બાકી હોય અથવા સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં અન્ય ખાતેદારોને સંમતિ બાકી હોવાનો ધ્યાને આવ્યું છે. આવા ખેડૂતોને તેમની અરજીમાં રહેલ ક્ષતિ સુધારવા અને સાધનિક કાગળો જે તે વીસીઇ/ગ્રામસેવક કે તલાટી કમ મંત્રીને વહેલી તકે પહોંચાડવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી સહાય ચૂકવવામાં વિલંબ ન થાય. વધુ માહિતી માટે ખેડૂતો પોતાના વિસ્તારના ગ્રામ સેવક/તલાટી કમ મંત્રીશ્રી તથા વિસ્તરણ અધિકારીશ્રીનો સંપર્ક કરી શકે છે.

જિલ્લા ખેતીવાડી અધિકારીએ તમામ ખેડુતોને વિનંતી કરી છે કે, જે ખેડૂતોને કૃષિ રાહત પેકેજ અંતર્ગત સહાય મેળવવા અરજી કરવાની બાકી છે તે ઝડપથી સંબંધિત ગામના વીસીઈ અથવા ગ્રામસેવકનો સંપર્ક કરી અરજી કરી નાખે તથા જે ખેડૂતોની અરજીઓમાં કાગળો બાકી છે તેઓ વહેલી તકે પૂર્ણ કરી દે. ઘણી અરજીઓમાં ખેડૂતની સહી કે સંયુક્ત ખાતેદારોની સંમતિ ગેરહાજર જોવા મળી છે. આવી બધી અરજીઓમાં ખામીઓ દૂર કરી જરૂરી આધાર પુરાવા ગ્રામસેવક અથવા તલાટી કમ મંત્રી પાસે તુરંત જમા કરવા જણાવ્યું છે.
