આગામી 1 મહિનામાં થશે જાહેરાત
અમૂલની જેમ જ બનાવાશે નવું ફેડરેશન
ગાંધીનગર: ગુજરાતમાં હવે એગ્રો માર્કેટિંગ કમિટીઝ એટલે કે APMCsનું એક ફેડરેશન બનશે એવી જાણકારી સામે આવી છે. જેનાથી રાજ્યના તમામ માર્કેટિંગ યાર્ડ્ઝ હવે એક જ સંસ્થાની છત્રછાયામાં સમાવિષ્ટ થઈ જશે. આમ રાજ્યની દૂધ સહકારી મંડળીઓ અને ડેરીની જેમ જ હવે રાજ્યમાં APMCsનું પણ એક ફેડરેશન બનશે.
રાજ્યમાં ખેડૂતો અને વ્યાપારીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. હાલમાં રાજ્યમાં જેટલા પણ માર્કેટિંગ યાર્ડ અથવા APMCs છે તેમને એક જ સંગઠનની છત્રછાયામાં લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આ માટે અમૂલનું અથવા GCMMFનું મોડેલ લાગુ પડાશે એવી માહિતી સામે આવી છે. રાજ્યમાં જેમ દૂધની સહકારી મંડળીઓનું ફેડરેશન અમૂલ છે તેવી જ રીતે હવે રાજ્યના તમામ માર્કેટિંગ યાર્ડનું એક રાજ્યસ્તરીય ફેડરેશન બનશે જેમાં તમામ APMCsને આવરી લેવામાં આવશે.
આ મામલે વધુ જાણકારી પ્રમાણે APMCsના ફેડરેશનનું વડું મથક પાટનગર ગાંધીનગર ખાતે જ બનાવવાનું નક્કી થયું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત એક અન્ય માહિતી પ્રમાણે APMCsના ટર્નઓવર પ્રમાણે ફેડરેશનની ચૂંટણી લડી શકાશે. જેને લઈને આગામી 1 મહિનાની અંદર APMCsના ફેડરેશનની જાહેરાત થશે એવું સૂત્રોએ જણાવ્યું હતું. રાજ્યની APMC ના ફેડરેશનના નિર્માણ માટે સૂચનો આપવા માટે એક મહત્વની બેઠક પણ આજે મળી હતી.
આ ઉપરાંત એક અન્ય માહિતી એવી પણ સામે આવી છે કે આ ફેડરેશન દ્વારા ભવિષ્યમાં અલગ અલગ APMCના પ્રખ્યાત ઉત્પાદો અને ચીજવસ્તુઓનું વેચાણ પણ કરી શકાશે. આમ અમૂલ ફેડરેશનની તર્જ પર રાજ્યમાં માર્કેટિંગ યાર્ડને પણ પોતાનું એક ફેડરેશન મળશે જેનાથી તમામ માર્કેટિંગ યાર્ડનું પ્રતિનિધિત્વ પણ મજબૂત બનશે અને રાજ્ય સ્તરીય વ્યવસ્થાનું નિર્માણ થશે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો