ટંકારા તાલુકાના અમરાપર ગામે વાડામાંથી પશુધનની થયાની ઘટના સામે આવી હતી. આ મામલે અમરેલી ક્રાઈમ બ્રાન્ચે તસ્કર ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી લીધા હતાં. જ્યાં આરોપીઓએ અમરાપુર ગામે થયેલી ચોરીની કબુલાત આપી હતી
બનાવની મળતી વિગતો અનુસાર તા-૦૭/૧૧/૨૦૨૩ના રોજ ટંકારા તાલુકાના અમરાપર ગામે પશુપાલનનો વ્યવસાય કરતા જાકીરહુશેન આહમદભાઈ રતનીયાના વાડા માંથી રાત્રીના ૦૩:૦૦ વાગ્યાની આસપાસ અજાણ્યા ઇસમો દ્વારા બે મોટા બકરા કિંમત રૂપિયા ૬૦૦૦, ૫ બકરીઓ કિંમત રૂપિયા ૧૫૦૦૦ અને એક ઘેટી કિંમત રૂપિયા ૩૦૦૦ સહિત કુલ ૮ પશુધન જેની કિંમત રૂપિયા ૨૪૦૦૦ની તસ્કરી કરી કારમાં લઈ જઈને નાસી ગયા હતા.
આ ઘટના બાદ જાકીરહુશેનને જાણ થઈ હતી કે બે માસ પહેલા પણ તેમના જ ગામના ઇલ્મુદીનભાઈ અલીભાઈ કડીવારના ખુલ્લા વાડામાંથી પણ રૂ.૯૦૦૦ની કિંમતના ૩ બકરા તથા નજરૂદીનભાઈ અલીભાઈ કડીવારના ખુલ્લા વાડામાંથી રૂ.૧૫૦૦૦ની કિંમતના ૫ બકરાની આ જ પ્રકારે તસ્કરો ચોરી કરી કારમાં લઈ જઈને નાસી ગયા હતા. જેથી જાકિરહુસેને સમગ્ર મામલે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી.
એ દરમિયાન અમરેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે પશુધનની તસ્કરી અંગે ચોક્કસ માહિતી મેળવી બકરાઓની ચોરી કરનાર ગેંગના સભ્યોની ધરપકડ કરી હતી. જ્યાં આરોપીઓએ ટંકારાના અમરાપર ગામે થયેલી બંને ચોરીની કબૂલાત આપી હતી. હાલ આ મામલે ટંકારા પોલીસની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.