
વાંકાનેર – મોરબી નેશનલ હાઈવે રોડના સર્વિસ રોડ ઉપર બોલેરો પીકપ વન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલક સગીરનું સારવાર દરમિયાન મોત નીપજયું છે. આ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ થવા પામી છે.

વાંકાનેરના આંબેડકરનગરમાં રહેતા હિમાંશુભાઈ સોલંકીએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના ૧૭ વર્ષીય છે, ભાઈ માધવ ભરતભાઈ સોલંકી પોતાના હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ GJ-36-AA-927ર લઈને મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડના સર્વિસ રોડ ઉપર મનીષ સીરામીક કારખાના નજીકથી પસાર થઈ રહ્યા હતા એ સમયે આરોપી બોલેરો પીકપ વાનના ચાલકે પોતાની ગાડી GJ-01-BT-9277ને રોંગ સાઈડમાં નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર ચલાવી સામેથી આવતા માધવભાઈના બાઈકને અડફેટે લીધું હતું. જેને પગલે માધવભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી જયારે આરોપી પોતાના હવાલા વાળું વાહન મૂકીને નાસી ગયો હતો. આ જીવલેણ અકસ્માતને પગલે માધવભાઈને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું.જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
