અમદાવાદના બે પોલીસમેન, રાજકોટના એક શિક્ષીકા અને બીજા બે જણા મળી ૬ લોકોનો ત્રાસ કારણભુત હોવાના આક્ષેપો
વાંકાનેર: રાજકોટ રેલ્વે હોસ્પિટલમાં સ્ટેનોગ્રાફર તરીકે ફરજ બજાવતાં એક શખ્સે ઝાંઝર ટોકીઝ નજીક ફિનાઇલ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાય છે….જાણવા મળ્યા મુજબ રાજકોટમાં માધાપર ચોકડી પાસે વિનાયક વાટીકા નજીક અવધ રેસિડેન્સી એ-૨૦૨માં રહેતા અને રાજકોટ રેલ્વે હોસ્પિટલમાં સ્ટેનોગ્રાફર તરીકે ફરજ બજાવતાં આનંદભાઇ નવલરામ બાદાણી (ઉ.વ.૩૯) નામના યુવાને વાંકાનેર મોરબી હાઇવે પર ઝાંઝર ટોકીઝ નજીક ફિનાઇલ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં વાંકાનેર પોલીસને જાણ કરવામાં આવી હતી. આનંદભાઇએ એક સ્યુસાઇડ નોટ લખી રાખી હતી જે તેના ખિસ્સામાંથી મળી હતી. જેમાં રાજકોટ, અમદાવાદના બે પોલીસમેન, રાજકોટના એક શિક્ષીકા અને બીજા બે જણા મળી ૬ લોકોનો ત્રાસ કારણભુત હોવાના આક્ષેપો કર્યો છે. ફોરેકસ ટ્રેડીંગમાં મહિલા સહિતના ભાગીદારો સાથ ધંધો કર્યા બાદ નુકશાન જતા ભાગીદારો તરફથી દગો થતાં અને નાણાની પઠાણી ઉઘરાણી માટે ત્રાસ આપી હેરાનગતિ શરૂ થતાં પોતે ઝેર પીવા મજબૂર થયાનું ચિઠ્ઠીમાં લખ્યું છે…
સવારે હોસ્પિટલના બિછાનેથી આનંદભાઇ બાદાણીએ જણાવ્યું હતું કે હાલમાં રાજકોટ રેલ્વે હોસ્પિટલમાં સ્ટેનોગ્રાફર તરીકે નોકરી કરુ છું. ફોરેકસ ટ્રેડીંગમાં ભાગીદારીમાં નુકસાની જતાં પોતાને એકને જ જવાબદાર ગણી ભાગીદારો દ્વારા લાખોની ઉઘરાણી થતાં ત્રાસી જતાં મારે દવા પીવી પડી છે. ટેન્શનને કારણે મગજ ઘુમતા વાંકાનેર નજીક દવા પી લીધી હતી…
આનંદભાઇએ પાંચ પાનાની સ્યુસાઈડ નોટમાં લખ્યું છ કે ફોરેકસ ટ્રેડીંગમાં રાજકોટના રેસકોર્ષ પાર્કમાં રહેતા હિરલબેન સંજીવભાઈ બુધવાણી, રવિભાઈ રાજકોટ પોલીસ, દિપક પ્રજાપતિ, મોન્ટી પરમાર (ખંભાત), મનોજ પટેલ (રેલવે સુરક્ષા બ્રાંચ-અમદાવાદ), નરેશ દરજી-ડાકોર સાથે ભાગીદારીથી ફોરેકસ ટ્રેડીંગમાં ધંધો કર્યા બાદ નુકશાન જતા તમામએ દગો કર્યો હતો. હિરલબેન બુધવાણી રાજકુમાર કોલેજમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેણીએ પોરંદરના મેર અને ગોંડલના અજાણ્યા શખ્સોને મોકલી મારી પાસે પૈસા કઢાવવા મારી રેલવે ઓફિસનુ સરનામુ આપી ફરજ દરમિયાન આ શખસો આવી મારકૂટ કરતા હતા અને ધમકી આપતા હતા કે અમે હિરલબેન બુધવાણીના માણસો છીએ, તેને પૈસા આપી દેજે નહિ તો તારુ અપહરણ કરી પતાવી દેશું. હિરલબેન બુધવાણીએ એક મહિલા પોલીસ અધિકારી પાસે જઈ મને બોલાવી તેમના મારફત ૨૦ લાખ આપ નહીતર જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આવુ અનેક વખત માણસો મોકલી મારકૂટ કરી હતી.એટલુ જ નહી રાજકોટના રવિ બારોટ કોન્સ્ટેબલે પણ હેરાન પરેશાન કરેલ…
આ ઉપરાંત દિપક પ્રજાપતિ અને મોન્ટી પરમારના મળતીયાઓએ મારી બદલી વડોદરાથી રાજકોટ થતા જ તેઓ મારી ઓફિસે આવી બહાર બોલાવી મારકૂટ કરી પૈસા આપ નહી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મનોજ પટેલ જે અમદાવાદ રેલ્વે પોલીસમાં છે તેની સાથે મે કોઈ નાણાકીય વ્યવહાર કર્યો ન હોવા છતાં તેના પૈસા ચૂકવી દિધા હતા. છતાં પણ અવારનવાર મનોજ પૈસાની ઉઘરાણી કરી ત્રાસ આપતો હતો. જ્યારે નરેશ દરજીએ ભાગીદારીમાં ૪.૮૦ લાખ બેંક મારફત આપ્યા હતા. મે આ રકમ બેંકમાં જમા પણ કરાવી દિધી હતી. છતાં પણ નરેશે મારી પાસેથી કોરો ચેક સહિ સાથેનો બળજબરીથી લઈ લીધો હતો. બાદમાં આ ચેકમાં ૨૪,૭૫,૦૦૦ ની રકમ લખી માગણી કરી મારામારી કરી હતી.. આમ આ તમામ લોકોના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરૂ છું જેના માટે આ જ લોકો જવાબદાર છે…
ચિઠ્ઠીમાં એમ પણ લખ્યું છે કે ઓફિસમાં ગમે ત્યારે હિરલબેન બુધવાણીના માણસો આવી પૈસા લઈ મારકુટ કરતા અને નોકરી પણ કરવા દેતા નહોતા અને નુકશાનીની રકમ તેઓના ખાતે ચડાવી તેઓના નામની સોંપારી-હવાલા આપતા અનહદ ત્રાસ અને ટેન્શનમાં આ પગલુ ભરૂ છું. તેણે આગળ સ્યુસાઈડ નોટમાં વધુમાં લખ્યું છે કે હું માનસિક અને આર્થિક અને વ્યકિતગત રીતે સંપૂર્ણ તૂટી ગયેલ છું અને મારી પાસે પૈસા પણ નથી અને મારા ખૂદના પૈસાનું પણ નુકશાન થાય છે. મને આત્મહત્યા કરાવવા માટે મજબૂર કરેલ છે. હુ તેને મળવા ગયેલ તો તેણીએ મને કહ્યું કે તુ મરી જા કે આત્મહત્યા કરે મને મારા પૈસા જોઈએ છે.
પત્નિને ઉદ્દેશીને લખ્યું મને માફ કરજે હું મજબૂર છુંઆનંદભાઇ બાદાણીએ સ્યુસાઈડ નોટમાં અંતિમ લીટીમાં પોતાના પત્નિની માફી માગતા લખ્યું છે કે, સ્નેહલબા મારી પત્નિ મને માફ કરજે પણ હું બહુ પરેશાન હતો હું મજબૂર છું મરવા માટે’ જય માતાજી.. જય કરણી.
આ બનાવમાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, ભાવેશભાઇ, તોફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, કાનાભાઇ, બળુભાએ વાંકાનેર સીટી પોલીસને નોંધ કરાવતાં તપાસ શરૂ થઇ છે. બીજી તરફ રાજકોટ રેલ્વે આરપીએફના અધિકારી પણ સવારે આનંદભાઇ બાદાણીની પુછતાછ કરી વિગતો મેળવવા પહોંચ્યા હતાં…