વઘાસીયા ટોલ નાકાનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ
વાંકાનેર : મોરબી- વાંકાનેર હાઇવે ઉપર આવેલ વઘાસિયા ટોલનાકાએ એક ખાલી ટ્રક ચાલક પાસેથી ઓવરલોડિંગ મામલે તગડો ટોલટેક્સ માંગી ટ્રકને અટકાવી દેતા ટ્રક ચાલકે વઘાસિયા ટોલનાકાની પોલ ખોલતો વીડિયો ઉતારી લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ચકચાર જાગી છે…



મળેલ માહિતી મુજબ મોરબી– વાંકાનેર નેશનલ હાઇવે ઉપર આવેલ વઘાસિયા ટોલનાકે ખુલ્લેઆમ દાદાગીરી કરી ટ્રક ચાલકો પાસેથી ઓવરલોડિંગના નામે ચાર્જના ઉઘરાણા કરવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. દરમિયાન વઘાસિયા ટોલનાકામાંથી પસાર થતા જીજે -36 – ટી – 8268 નંબરના ટ્રકને અટકાવી ટોલનાકા કર્મચારીઓએ ટ્રક ઓવરલોડ હોવાનું જણાવી ટોલટેક્સ માંગ્યો હતો.
જો કે, ટ્રક ચાલક દ્વારા ટ્રક બિલકુલ ખાલી હોવાનું જણાવી ટ્રક ચેક કરી લેવા જણાવવા છતાં પણ ટોલ કર્મી એકનો બે થયો ન હતો અને ચાર્જ ચૂકવવા હઠ પકડી હતી. ટ્રકના ક્લીનરે સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ કરી ટ્રકના તેમજ ટોલનાકાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ટોલનાકા ખાતે રહેલા વે બ્રિજને નિયમ મુજબ દર વર્ષે કેલિબ્રેશન કરાવવો ફરજિયાત છે ત્યારે આ ટોલનાકાનો વજન કાંટો ક્યારે કેલિબ્રેશન થયો છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરવી જોઈએ…
