વાંકાનેર અને ટંકારા બાર એસોસીએશનના હોદેદારો
હથીયાર સાથે તોડફોડ કરનાર બેની ધરપકડ
વાંકાનેર રેલવે સ્ટેશન પર આવેલી આરપીએફની ઓફિસમાં બે શખ્સોએ આતંક મચાવી કર્મચારીને માર મારી ખૂનની ધમકી આપી તોડફોડ કરતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે પોલીસે આતંક મચાવનાર બન્ને શખ્સોને ઝડપી લઈ ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ મુળ ઉત્તરપ્રદેશના અને હાલ વાંકાનેર આરપીએફ હેડ કવાર્ટરમાં રહેતા અને આરપીએફમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતાં વિનોદકુમાર દુધનાથ યાદવ (ઉ.36) એ રેલવે પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજેશ પ્રેમજી સોલંકી અને ભાવેશ જગદીશ ડાભી (રહે.બન્ને શક્તિપરા વાંકાનેર)ના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે તેઓ પોતાની ફરજ પર આરપીએફ કચેરી ઉપર હતાં ત્યારે બન્ને આરોપી આરપીએફ કચેરીનાં મુખ્ય દરવાજા પાસે મહિલા કોન્સ્ટેબલ નિલમબેન યાદવ અને કવિતાબેન કૈથવાસ સાથે ઝઘડો કરી અપશબ્દો બોલતા હોય જેથી કોન્સ્ટેબલ સિતારામ મીણા તેમની પાસે ગયેલા અને બન્ને શખ્સોને સમજાવતાં આરોપી રાજેશ પ્રેમજી તેના હાથમાં ખુલ્લી છરી સાથે સિતારામ મીણાને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતો હોય જેથી ફરિયાદીએ દોડી ગયા હતાં પરતું આરોપીના હાથમાં છરી હોવાથી તેઓ તેમની ઉપર પ્રહાર કરશે તેવો ડર લાગતાં ઓફિસમાં જઈ દરવાજો બંધ કરી લીધો હતો. જેથી બન્ને આરોપીઓએ દરવાજાને તોડી નુકસાન કરી અંદર આવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન જીઆરપી આવી જતાં બન્ને આરોપી ત્યાંથી ભાગી ગયા હતાં.
ત્યારબાદ થોડીવાર બાદ ફરીથી બન્ને આરોપી હાથમાં ખુલ્લી છરી અને લોખંડના હથિયાર સાથે તેમની પાસે ધસી આવ્યા હતાં અને તેમની સાથે ઝપાઝપી કરી યુનિફોર્મના શર્ટનું ડાબી બાજુનું સોલ્ડર આરપીએફના બેઈઝવાળુ ખેંચીને તોડી નાખ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઝપાઝપી દરમિયાન જીઆરપી પોલીસ આવી જતાં તેણે બન્ને આરોપીઓને પકડી પાડયા હતાં. આ અંગે રેલવે પોલીસે આરપીએફના એએસઆઈ વિનોદકુમાર યાદવની ફરિયાદ પરથી બન્ને શખ્સો સામે ફરજમાં રૂકાવટ અને તોડફોડ કરી સુલેહ શાંતિનો ભંગ કરવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાંકાનેર અને ટંકારા બાર એસોસીએશનના હોદેદારો
વાંકાનેરમાં બાર એસોસીએશનની રસાકસીભરી ચૂંટણીમાં પ્રમુખ તરીકે ભરતભાઈ દેગામા, ઉપપ્રમુખ પદે કમલેશભાઈ ચાવડા, સેક્રેટરી તરીકે પ્રીત એસ. શાહ અને જોઈન્ટ સેક્રેટરી તરીકે અંજના એમ. રાઠોડ અને ખજાનચી તરીકે અર્પિત જોબનપુત્રાની નિમણુંક થઈ હતી.
જયારે ટંકારા એસોસીએશનમાં હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદે પરેશભાઈ ઉજરીયા, ઉપપ્રમુખપદે કાનજીભાઈ દેવડા અને સેક્રેટરી તરીકે અમિત જાનીની વરણી કરવામાં આવી હતી…