રાજકારણીઓના પગ નીચે પણ રેલો આવે તેવી શક્યતા
32થી વધુ વિદ્યાર્થીઓને બોન્ડના નાણા ચુકવવાના બદલે ગોલમાલ કરી હજમ કરી જતા ખળભળાટ
વાંકાનેર: રાજ્યભરમાં નબળા પરિવારના વિદ્યાર્થીઓને સારામાં સારી શિક્ષણ વ્યવસ્થા મળે તેના માટે તેને સરકાર દ્વારા જુદી જુદી યોજનાઓ અમલમાં મુકવામાં આવતી હોય છે તેના ભાગરૂપે વિદ્યાલક્ષ્મી બોન્ડ વિદ્યાર્થીઓને આપવામાં આવતો હોય છે, તેમાં પણ ગોલમાલ કરવામાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના શિક્ષક સહિતનાઓએ કોઈ કસરત છોડી નથી, તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીઓને મળતા વિદ્યાલક્ષ્મી બોન્ડ અને આરટીઇ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ લેનારા બાળકોની ફી એફઆરસી મુજબ ચૂકવીને બહુ મોટા પ્રમાણમાં છેલ્લા વર્ષોમાં ગોલમાલ કરવામાં આવી છે. એક પછી એક કૌભાંડો શિક્ષણ શાખાના સામે આવી રહ્યા છે, તેમ છતાં પણ મોરબી જિલ્લાના જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ કેમ કુંભકરણની નિંદ્રામાંથી જાગતા નથી અને કૌભાંડીયો સામે પગલાં લેવામાં આવતા નથી તે સૌથી મોટો સવાલ છે. વાંકાનેર તાલુકો શિક્ષણ શાખાના કૌભાંડમાં અવ્વલ નંબર હોય તેવો ઘાટ હાલમાં જોવા મળી રહ્યો છે અને એક પછી એક કૌભાંડો સામે આવી રહ્યા છે.
જેમાં નાણાકીય ઉચાપત, નાણાકીય ગેરરીતિ અને આર્થિક કૌભાંડ સહિતની બાબતો સામે આવી છે તેમ છતાં મોરબી જિલ્લાના જવાબદાર અધિકારી અને પદાધિકારી દ્વારા હજુ સુધી નાણાકીય ઉચાપત કરનારાની સામે કાયદેસરની એફઆઇઆર નોંધવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમજ એક પછી એક જે કૌભાંડો સામે આવી રહ્યા છે, તેમાં તથ્ય બહાર લાવવા માટેની તસ્દી લેવામાં આવતી નથી. જેથી ટોપથી બોટમ સુધી તમામ લોકો આ નાણાકીય કૌભાંડોમાં સંડોવાયેલા હોય તેવો ઘાટ હાલમાં મોરબીમાં જોવા મળી રહ્યો છે, ત્યારે શિક્ષણ જગતની અંદર ચાલતા આ કૌભાંડોને રોકવા માટે અને કૌભાંડીઓની સામે પગલાં લેવા માટેની પહેલ કોણ કરશે તે તો આગામી સમય જ બતાવશે.
વાંકાનેર તાલુકામાં વર્ષ 2017-2020 દરમિયાન શિક્ષક તરીકે સરકારી ચોપડે નોંધાયેલા ન હોય તેવા લોકોના ખાતામાં પગાર જમા કરવામાં આવ્યો હોય તેવી માહિતીઓ સામે આવી હતી, તેમજ સરકારી શાળા માટે ખરીદી કરવામાં આવેલ રાશનના બિલમાં પણ મોટા પ્રમાણમાં વહીવટ થયા હોય તેવી માહિતીઓ સામે આવી છે અને એક પછી એક ભ્રષ્ટાચારો સામે આવતા હોવા છતાં પણ જે શખ્સો દ્વારા નાણાકીય ગેરરીતિ, ઉચાપત અને કૌભાંડ કરવામાં આવ્યા છે; તેઓની સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અગાઉ જ્યારે આ કૌભાંડોની માહિતી સામે આવી હતી ત્યારે તાત્કાલિક ધોરણે જે તે સમયે સરકારી શાળાના જે તે શિક્ષકને બદલી કરવામાં આવી હતી.
પરંતુ નાણાકીય ઉચાપતના આ મામલામાં માત્ર બદલીથી સંતોષ માની લેવો તે કેટલા અંશે યોગ્ય છે ? તે સૌથી મોટો સવાલ છે. સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે સરકારની જે જુદી જુદી યોજના હોય છે અને તે અંતર્ગત મળવા જોતા લાભ વિદ્યાર્થીઓને ન મળે અને ભેજાબાજ શખ્સો દ્વારા પોતાની રીતે આર્થિક ગોટાળા કરવામાં આવે, તેની સામે શા માટે એફઆઇઆર નોંધવામાં નથી આવતી; તે પણ એક તપાસનો વિષય છે. સુત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે સરકારી શાળામાં અભ્યાસ કરતા નબળા પરિવારના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા વિદ્યાલક્ષની બોન્ડ આપવામાં આવતા હોય છે અને જે તે શાળામાં ધો 1થી 8 સુધી વિદ્યાર્થી પોતાનો અભ્યાસ પૂરો કરે ત્યારબાદ તેને વિદ્યાલક્ષ્મી બોન્ડની રકમ મળતી હોય છે.
જોકે સૂત્રોના કહેવા પ્રમાણે વાંકાનેર તાલુકામાં આવા 32 થી વધુ વિદ્યાર્થીઓના વિદ્યાલક્ષ્મી બોન્ડના પૈસા જે તે વિદ્યાર્થીઓને આપવાના બદલે લાગુ પડતા શિક્ષકો સહિતનાઓ દ્વારા યેનકેન પ્રકારે કૌભાંડ કરીને તે પૈસા હજમ કરી દેવામાં આવ્યા છે, તે બાબતે કોઈ નકાર કાર્યવાહી કે તપાસ કરવામાં આવી નથી, તે પણ હકીકત છે ! અત્રે ઉલ્લેખનીય છે કે મોટા ભાગની ગ્રામ્ય વિસ્તાર અન ઔદ્યોગિક વિસ્તારની સરકારી શાળાઓમાં વિદ્યાર્થિનીએ સંખ્યા બતાવવા માટે સરકારી ચોપડા ઉપર વિદ્યાર્થીઓના નામ બતાવવા માટે જુદા જુદા કારખાનાઓમાં અને ખેતી કામ કરવા માટે બહારથી આવતા છોકરાના નામ ચડાવી દેવામાં આવતા હોય છે અને ત્યારબાદ તે લોકો ત્યાંથી પોતાનું કામકાજ છોડીને જતા રહે, તેમ છતાં પણ સરકારી ચોપડા ઉપર તેઓના સંતાનોના નામ બોલતા હોય છે. આવા જે બોગસ નામ હોય છે તે વિદ્યાર્થીઓના વિદ્યાલક્ષ્મી બોન્ડ સહિતની જે કોઈ સરકારી યોજનાનો લાભ વિદ્યાર્થી માટે આવતો હોય છે, તે વિદ્યાર્થીને મળવાના બદલે ભેજાબાજ શખ્સો અને કૌભાંડીઓ મેળવી લેતા હોય છે. આટલું જ નહીં આરટીઇ અંતર્ગત જે વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાં પ્રવેશ મેળવ્યો હોય તેમના માટે થઈને સરકાર તરફથી જે નિયત કરેલી ફી છે, તે ખાનગી શાળાને ચુકવવામાં આવતી હોય છે.
વાંકાનેર તાલુકાની ઘણી ખાનગી શાળાઓની ફી એફઆરસી દ્વારા ઓછી નક્કી કરવામાં આવી હોવા છતાં પણ તે શાળામાં સરકકારી નિયમ મુજબનું પૂરેપૂરી રકમ ચૂકવીને તેમાં પણ ગેરરીતિ આચરવામાં આવી હોય તેવી માહિતી સામે આવી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓની ફી, શિષ્યવૃત્તિ અને વિદ્યા લક્ષ્મી બોન્ડ વિગેરેમાં યેનકેન પ્રકારે કૌભાંડ આચરનારાઓની સામે શા માટે મોરબી જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી ? તે પણ એક તપાસનો વિષય છે.
એક બાજુ સરકાર પારદર્શક વહીવટની વાતો કરી રહી છે, ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના શિક્ષણ વિભાગની અંદર યેનકેન પ્રકારે વહીવટો થઈ ગયા છે, પરંતુ તેમાં પારદર્શકતા આવતી નથી ! કોણે કૌભાંડ આચર્યું, કોણે નાણાકીય ગેરરીતિ કરી હતી તે સમગ્ર બાબતો શા માટે બહાર લાવવામાં આવતી નથી ? તે દિશામાં જો તપાસ કરવામાં આવે તો માત્ર સરકારી કર્મચારી જ નહીં કેટલાક રાજકારણીઓના પગ નીચે પણ રેલો આવે તેવી શક્યતા છે.