સ્ટાફની તંગી નિવારવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઓર્ડર
રાજકોટ: આગામી લોકસભાની ચૂંટણી અંગે રાજકીય પક્ષોની સાથે ચૂંટણી પંચ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જે અંતર્ગત મતદાર સુધારણાની કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે. તેની સાથોસાથ હવે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આંગણવાડી અને મધ્યાહન ભોજન યોજનાનાં કર્મચારીઓને પણ બીએલઓ (બુથ લેવલ ઓફીસર)ની જવાબદારી સોંપવામાં આવી છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી શિક્ષકો, આરોગ્ય કર્મચારીઓ સહિતના વિવિધ વિભાગોના સરકારી કર્મચારીઓને આ બુથ લેવલ ઓફીસર (બીએલઓ)ની જવાબદારી સોંપવામાં આવતી હતી. પરંતુ હવે શિક્ષકો અને સરકારના કાયમી કર્મચારીઓની સાથે આંગણવાડી અને મધ્યાહન ભોજન યોજનામાં કોન્ટ્રાકટ બેઈઝ પર ફરજ બજાવતા કર્મચારીઓને પણ આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી આ અંગેના ઓર્ડરો પણ ઈશ્યુ કરી દેવામાં આવેલ છે.
સુત્રોએ આ અંગે જણાવ્યું હતું કે બુથ લેવલ ઓફીસર (બીએલઓ) બે કરતા વધુ મતદાન મથકોનો હવાલો સંભાળતા હોવાનો ચૂંટણી પંચના ધ્યાને આવતા કર્મચારીઓની તંગી નિવારવા માટે મધ્યાહન ભોજન અને આંગણવાડી કર્મચારીઓને બીએલઓની ફરજ સોંપવા અંગે ચૂંટણીપંચે નિર્દેશ આપી ઈશ્યુ કરેલી ગાઈડલાઈન મુજબ મધ્યાહન ભોજન અને આંગણવાડી કર્મચારીઓને બીએલઓ તરીકે ફરજ સોંપવામાં આવી છે.