અમદાવાદ બોલાવી અનવરબાપુએ નકલી નોટો પધરાવી હતી
તાંત્રિક વિધીથી ૧૧ લાખના રૂ.૫ કરોડ કરી આપવાની લાલચ આપી હતી
વાપી: પારડીના રોહિણા ગામે રહેતો પ્રિતેશકુમાર ક્રિષ્નુભાઈ પટેલ તા.૨૮-૭-૨૫ના રોજ પોતાની ગેરેજ પર હાજર હતો. તે વખતે મામાના જમાઈ દિવ્યેશ રતનલાલ ગેરેજ પર આવ્યા હતા. બાદમાં પ્રિતેશ બનેવી દિવ્યેશ સાથે મુંબઈ જતાં ઓળખીતા અનવર થેબાને મળવા

ખૂંટેજ ચાર રસ્તા પર ગયા હતા. અનવર ઉર્ફે બાપુ અંબુભાઈ સુલેમાન થેબા (ઉ.વ.૪૦, રહે.વાંકાનેર, મોરબી) કારમાં આવ્યા બાદ દિવ્યેશ સાથે વાતચીત કરી હતી. તે દરમિયાન અનવરે અમો તાંત્રિક વિધિમાં માહિર છીએ, વિધિ કરી પૈસા બનાવવાની કામગીરી જાણીએ છીએ એમ જણાવ્યું હતું. અનવરે રૂ.૧૧ લાખ આપશો તો તાંત્રિક વિધી દ્વારા રૂ.૫ કરોડ કરી આપીશ એમ જણાવ્યું હતું.

અનવર થેબાએ પ્રિતેશ અને દિવ્યેશને તાંત્રિક વિધીથી રૂ. ૨૦ અને રૂ.૫૦૦ના દરની નોટ બતાવી વિશ્વાસ સંપાદન કર્યો હતો. બાદમાં અનરવ થેબાએ વિધી કરવાના બહાને કુલ રૂ.૨.૧૫ લાખ પડાવી લીધા હતા. અનવર થેબાએ પ્રિતેશ અને દિવ્યેશને અમદાવાદ બોલાવીને નાણાંના બદલે બનાવટી નોટોના ૮૦ બંડલ પધરાવી દીધા હતા. આ મામલે પ્રિતેશે પારડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસે વાંકાનેરના આરોપી અનવર થેબાને પકડી પાડી જેલભેગો કર્યો છે.
સૌજન્ય: ગુજરાત સમાચાર
