સ્પેશ્યલ પી.પી. તરીકે ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયાને નિયુક્ત કરાયા
ગાળા ગાળી કરવાની ના પાડતા આરોપીઓને અમિતનું વલણ ગમ્યું ન હતું
વાંકાનેરમાં થયેલા ચકચારી અમિત કોટેચા હત્યા કેસમાં ખાસ સરકારી વકીલની માંગ કરવામાં આવી હતી. જે અરજી સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા રાજકોટના ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયાની સ્પેશ્યલ પી.પી. તરીકે નિમણુંક કરવામાં આવી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરમાં તા.૧૧/૦૯/૨૦૨૨ના રોજ મોડી રાત્રે ૦૧:૦૦ વાગ્યે અમરનાથ સોસાયટીના નાકે લેથવાળાની દુકાન પાસેથી અમિત ઉર્ફે લાલો અશ્વિનભાઈ કોટેચા લોહીથી લથબથ હાલતમાં મળી આવ્યો હતો. તેને સારવારમાં ખસેડતા મૃત જાહેર કરાયો હતો. તપાસમાં તેના ગુપ્ત ભાગે છરી ઝીંકી હત્યા કરાયાનુ ખુલ્યુ હતુ. આ મુદ્દે મૃતકના ભાઈ હિમાંશુ કોટેચાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી ઈમરાન ફારૂકભાઈ છબીબી, ઈનાયત ઉર્ફે ઈનીયો અયુબભાઈ પીપરવાળીયા અને સરફરાજ હુશેનભાઈ મકવાણા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
જે ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેના ભાઈ મૃતક અમીતે હત્યા ત્રણ દીવસ પહેલા આરોપી સરફરાજ અને ઈમરાનને ગાળા ગાળી કરવાની ના પાડતા આરોપીઓને અમિતનું વલણ ગમ્યું ન હતું અને તે લોકો અમિત સાથે માથાકૂટ કરશે તેવું અમિતે હિમાંશુભાઈને જણાવ્યું હતું. તા.૧૦/૯/૨૨ ના રોજ ફરીયાદી હિમાંશુભાઈ ઘરેથી નીકળ્યા ત્યારે અમીત લેથવાળાને ત્યાં બેઠો હોય અને સરફરાજ અને ઈમરાન તેની સાથે માથાકુટ કરશે તેવું અમિતે હિમાંશુભાઈને જાણવા મળ્યું હતું. જે બાદ રાત્રીના અમિતની હત્યાનો બનાવ બન્યો હતો.
આ ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી હતી. આ કેસમાં મૃતકના ભાઈ ફરીયાદી હિમાંશુ કોટેચા દ્વારા સરકારમાં અરજી કરી ખાસ સરકારી વકીલ એટલે કે સ્પે. પી.પી.ની નિમણુંક કરવા માંગ કરાઈ હતી. જેને સરકારે માન્ય રાખીને રાજકોટના ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયાની સ્પેશ્યલ પી.પી. તરીકે નિમણુંક કરી હતી.