ડિસેમ્બર સુધીમાં 7000થી વધુ ગ્રામ પંચાયતો, 75 પાલિકા, બે જિલ્લા પંચાયત અને 18 જેટલી તાલુકા પંચાયતોમાં ચૂંટણી આવી શકે
27% ઓબીસી અનામતમાં 147 જ્ઞાતિઓનો સમાવેશ
ઓબીસીની સરેરાશ વસતી રાજ્યમાં 49.20 ટકા જેટલી છે
અમદાવાદ: વિધાનસભાના ચોમાસુ સત્રમાં પસાર કરાયેલા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી (અન્ય પછાત વર્ગ)અનામતને મંજૂરી આપતા વિધેયકને રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ મંજૂરી આપતા હવે તેનો કાયદાકીય અમલ કરવાનો માર્ગ મોકળો થઇ ગયો છે.
રાજ્ય સરકાર આ કાયદાનું જાહેરનામુ પ્રસિધ્ધ કરશે તે પછી રાજ્ય ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હાલ જ્યાં વહીવટદારનું શાસન છે અને ચૂંટણીઓ આવી રહી છે તેમાં 27 ટકા ઓબીસી અનામતના અમલ સાથે ચૂંટણી કરાવી શકશે.
ડિસેમ્બર સુધીમાં આ ચૂંટણીઓ યોજાય તેવી શક્યતા છે તેના કારણે લોકસભા પૂર્વે રાજ્યમાં રાજકીય પ્રભુત્ત્વનો જંગ જામશે અને કોની તરફેણમાં ટ્રેન્ડ છે તેનું ચિત્ર પણ સ્પષ્ટ થશે.
રાજ્ય સરકારના તંત્ર દ્વારા ઓબીસી અનામત મુદ્દે પહેલેથી જ વિલંબ દાખવતા અનેક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વહીવટદારનું શાસન મૂકાયું છે. જેમાં 7000થી વધુ ગ્રામ પંચાયતો, 75 પાલિકા, બે જિલ્લા પંચાયત અને 18 જેટલી તાલુકા પંચાયતોમાં હાલ વહીવટદારનું શાસન છે.
વિધાનસભાના 13 સપ્ટેમ્બરથી યોજાયેલા સત્રમાં ભાજપ સરકારે ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગ્રામ પંચાયતથી લઇના તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકા-મહાનગરપાલિકામાં ઓબીસી માટે હાલ 10 ટકા અનામત છે
તેમાં વધારો કરીને 27 ટકા અનામત કરવાનું વિધેયક પસાર કરાયું હતું. જો કે ઝવેરી કમિશનની યુનિટ દીઠ અનામત ગણવાની મૂળ ભલામણોનો અમલ સરકારની જાહેરાતમાં કરાયો નથી અને ગૃહમાં રિપોર્ટ રજૂ કર્યો નથી તે મામલે કોંગ્રેસે વિધેયકના સ્વરૂપનો વિરોધ કર્યો હતો. ઓબીસીની સરેરાશ વસતી રાજ્યમાં 49.20 ટકા જેટલી છે અને 147 જ્ઞાતિઓનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.