વાહન ચાલકો પરેશાન
નવા નખાયેલા સ્પીડ બ્રેકરો સુગમતાને બદલે સમસ્યા
સરકારી દવાખાનાથી રેલવે સ્ટેશન સુધી અધધધ.. 35 સ્પીડ બ્રેકરો
નાની શેરીમાં બનાવવાને બદલે મેઈન બજારમાં બનાવવામાં આવેલ છે
ચીફ ઓફિસરને માલુમ થાય કે સ્પીડ બ્રેકરની જો સંખ્યા ઓછી કરાશે તો ડબ્બલ અભિનંદન મળશે
વાંકાનેર શહેરમાં સ્પીડ બ્રેકરો નાખવા જરૂરી હતા, સ્કૂલ, કોલેજ તથા ધાર્મિક સ્થળો જેમાં વધારે લોકો ભેગા થઈને રસ્તો ક્રોસ કરતા હોય ત્યાં બમ્પ બનાવી શકાય, પણ શહેરમાં નગરપાલિકા દ્વારા હાલમાં નખાયેલા પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકરો કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ બનાવવામાં આવ્યા નથી. નિયમોના છડેચોક ઉલ્લંઘન કરીને બનાવેલા આવા સ્પીડ બ્રેકરો નાગરિકો માટે શિરદર્દ સમાન છે. વાહન ચાલકોની અગવડતાનો વિચાર કર્યા વિના એટલા બધા સ્પીડ બ્રેકરો બનાવી દીધા છે કે માથાનો દુ:ખાવો થઇ બેઠા છે.
નિયમ તો એવા છે કે – ઈન્ડિયન રોડસ કોંગ્રેસ (આઈઆરસી) ૧૯૯૬ મુજબ ખરેખર સ્પીડ બ્રેકરની ઊંચાઈ 0.૧૦ મીટર (લગભગ 4 ઇંચ)થી વધુ ના હોવી જોઈએ. સ્પીડ બ્રેકરની પહોળાઈ ૫.૦૦ મીટર હોવી જરૃરી છે. બે બમ્પ વચ્ચેનું અંતર આઈઆરસી મુજબ ૧૦૦ મીટર (328ફૂટ) થી ૧૨૦ મીટર (492 ફૂટ) હોવુ જોઈએ. વાહન ચાલકને આગળ બમ્પ છે, એ ખ્યાલ આવે એના માટે રોડ પર માહિતી સુચક બોર્ડ હોવુ જરૃરી છે.
વાંકાનેરમાં ચાર ઇંચથી વધુ ઊંચા ન હોય તેવા અને બે નવા નખાયેલા સ્પીડ બ્રેકરો વચ્ચેનું ઓછામાં ઓછું 328 ફૂટથી ઓછું અંતર રખાયું હશે, એવું માનીયે તો પણ વાહન ચાલકને આગળ બમ્પ છે, એ ખ્યાલ આવે એના માટે રોડ પર માહિતી સુચક બોર્ડના દર્શન દુર્લભ છે. સરકારી ગાઈડ લાઈન મુજબ વાહન ચાલકો તેમની ગતિ ઓછી કરે તેની ખાતરી કરવા માટે, બમ્પ ટોલ બુથની નજીક અને પુલો અથવા સાંકડા રસ્તાના પ્રવેશ પર બમ્પ મુકવામાં આવે છે. નાના રસ્તાઓ અને રહેણાંક વિસ્તારો માટે શહેરી વિસ્તારોમાં સ્પીડ બ્રેકર્સનો ઉપયોગ કરવાનો હોય છે. સ્પીડ બ્રેકરોના કારણે વાહનની ઝડપ 40 કિ.મી. પ્રતિ કલાકની થઇ જાય એ ઇચ્છનીય છે.
નાના રસ્તાઓ મોટા રસ્તાઓમાં ભળે અને ટી-જંકશન બનતુ હોય, અને જે નાના રસ્તા પર પ્રમાણમાં ઓછા ટ્રાફીક દ્વારા વર્ગીકૃત થયેલ છે, પરંતુ ખુબ વધારે ગતિમાં વાહનો ચાલતુ હોઈ, આવા સ્થળો પર જીવલેણ અકસ્માતોનો ઉચ્ચ રેકોર્ડ હોઈ તો આ નાના રસ્તા પર સ્પીડ બ્રેકરની ભલામણ કરવામાં આવે છે. વાંકાનેરમાં આથી ઉલ્ટી ગંગા જોવા મળે છે, નાની શેરીમાં બનાવવાને બદલે મેઈન બજારમાં બનાવવામાં આવેલ છે, જેના પરિણામે વાંકાનેર સરકારી દવાખાનેથી રેલવે સ્ટેશને પહોંચવામાં વાહનને પૂરા 35 સ્પીડ બ્રેકરનો સામનો કરવો પડે છે. મોટો ચોક હોય ત્યાં સમજી શકાય, પણ જ્યાં ચાર કે ત્રણ રસ્તા મળતા હોય ત્યાં નાની શેરીમાં સ્પીડ બ્રેકર પૂરતા છે. મેઈન રોડ પર સ્પીડ બ્રેકર નાખીને સમસ્યાઓથી ત્રસ્ત નાગરિકોને વધુ એક સ્પીડ બ્રેકરની સમસ્યા થઇ પડી છે. નગરપાલિકાના વહીવટદારોએ રોડ પરના ખાડા, રખડતા ઢોર, રોડ પર રોજી-રોટીના રૂપાળા નામ હેઠળના થડા કે પાથરણા, ગટરના ઊંચા-નીચા ઢાંકણાં કે ખુલ્લા ઢાંકણાં જેવી સમસ્યા કેમ દેખાતી નથી?
નાની શેરીનો વિચાર કરી મેઈન રોડ પર નખાયેલાં સ્પીડ બ્રેકરો ગાઈડ લાઇનનું ઉલ્લંઘન છે. 35 સ્પીડ બ્રેકરો ટપવામાં ગતિ ધીમી કરવી પડે, અને ઓછામાં ઓછી એક સ્પીડ બ્રેકરો પાસ કરવામાં એક મિનિટ તો લાગે. વળી સ્પીડ બ્રેકરોના કારણે સ્પીડ બ્રેકરો પાસે ટ્રાફિક જામ થતો પણ જોઈ શકાય છે. નાની શેરીઓ જ્યાં ટચ થતી હોય ત્યાં નાની શેરીને બદલે મેઈન રોડ પરના સ્પીડ બ્રેકરો નાખવાનું લોજીક સમજાતું નથી. નખાયેલાં સ્પીડ બ્રેકરોની સંખ્યા ઍંસ્સી ટકા ઘટાડી શકાય તેમ છે.
નિયમ વિરુદ્ધ બનેલા આ સ્પીડ બ્રેકરોના કારણે એમ્બ્યુલન્સ, પોલીસ વાહનો અને ફાયર ફાઈટર જેવા ઈમરજન્સી વાહનોની ગતિ ધીમી પાડે છે. બમ્પ પાસે ટ્રાફીક ભીડ અને અચાનક બ્રેક મારવાનું કારણ બને છે. ઈંધણની કાર્યક્ષમતા ઘટાડે છે અને વાહનોનું પ્રદુષણ વધે છે. વાહનોના વધારે અને ઝડપી મેન્ટેન્સનું કારણ બને છે. બમ્પની અસર દર્દીઓ, વરિષ્ઠ નાગરિકો અને સર્ગભા સ્ત્રીઓ માટે હાનિકારક હોઈ શકે છે. અચાનક બ્રેકિંગ, હોર્ન મારવાના, ટ્રાફીક ભીડને કારણે અવાજ પ્રદુષણમાં વધારો થવાનું કારણ બને છે. કંટ્રોલ ગુમાવાથી વાહનો અટકી જવા અને અથડામણનું કારણ બની શકે છે. વાહનને સ્પીડ બ્રેકરને ટપાડતી વખતે ટચકિયુ પડી જવાની કે મણકાને લાંબા ગાળે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જડેશ્વર રોડ પર નિર્મળા સ્કુલ સામે આ પ્રકારના પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકરો નખાયેલાં, મહિનામાં તૂટી-ભાંગી નીકળી જઈ ખાલી ખીલા રહેલા; જે પણ નડતા હોઈ લોકોએ કાઢી નાખેલા છે, મોરબીમાં પણ આમ બનેલું છે, ત્યારે વાંકાનેર શહેરમાં નખાયેલાં આ સ્પીડ બ્રેકરોની આવરદા કેટલી રહેશે, એ પણ એક સવાલ છે.
વાંકાનેર નગરપાલિકા ચીફ ઓફિસર નાગરિકો માટે શિરદર્દ બનેલા સ્પીડ બ્રેકરો સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ થાય, એ બાબતે યોગ્ય કરે તેવી નગરજનોની લાગણી છે. જરૂર પડે તો https://law.resource.org/pub/in/bis/irc/irc.gov.in.099.1988.pdf વેબ સાઈટ જોઈ લે; તો ઘણું માર્ગદર્શન રહેશે. ટ્રેનમાં ઉતરવાના સ્ટેશન જતું રહે તો આગલા સ્ટેશને ઉતરી જઈ પાછું આવવામાં કોઈ નાનપ નથી. સ્પીડ બ્રેકરો નાખવા બદલ અભિનંદન, જો સંખ્યા ઓછી કરાશે તો ડબ્બલ અભિનંદન મળશે.